કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે પરિસીમન બિલ પર કેન્દ્ર સરકારની વ્યૂહરચના સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ હોવાનો દાવો કર્યો છે. તેમણે દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં વિપક્ષી એકતા દ્વારા સરકારના પ્લાનને નિષ્ફળ બનાવવાની આખી કહાની જણાવી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે બજેટ સત્ર દરમિયાન રજૂ કરાયેલું આ મહત્વપૂર્ણ બિલ સંસદમાં જરૂરી બે-તૃતીયાંશ બહુમતી ન મળવાના કારણે ૧૭ એપ્રિલના રોજ પાસ થઈ શક્યું ન હતું.

વિપક્ષી પક્ષોએ ફ્લોર મેનેજમેન્ટમાં સરકારને આપ્યો ઝટકો
જયરામ રમેશે જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી, સમાજવાદી પાર્ટી (SP), નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP) અને દ્રવિડ મુન્નેત્ર કઝગમ (DMK) આ મુદ્દે સંપૂર્ણપણે એકજૂથ રહ્યા હતા. તેમણે સ્વીકાર્યું કે DMK સાથે ભૂતકાળમાં થોડી રાજકીય અંતર રહી ચૂકી છે, છતાં પણ તેમણે વિપક્ષી એકતાનો સાથ આપ્યો. ફ્લોર મેનેજમેન્ટ દરમિયાન DMK સહિતની વિપક્ષી પાર્ટીઓએ સરકારને ટેકો આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો, જેના કારણે સરકાર સંસદમાં જરૂરી બે-તૃતીયાંશ બહુમતી મેળવવામાં નિષ્ફળ રહી હતી.
તમિલનાડુ વિધાનસભાના પ્રસ્તાવ અને માંગનો ઉલ્લેખ
કોંગ્રેસ નેતાએ તમિલનાડુ વિધાનસભા દ્વારા પસાર કરાયેલા પ્રસ્તાવનો ઉલ્લેખ કરતા કહ્યું કે, રાજ્યની સ્પષ્ટ માંગ છે કે દેશમાં નવું પરિસીમન ન થવું જોઈએ, લોકસભાની વર્તમાન ૫૪૩ સીટો જ યથાવત રાખવી જોઈએ અને રાજ્યોના પ્રતિનિધિત્વમાં કોઈ પણ ફેરફાર થવો જોઈએ નહીં. આ સાથે જ વર્તમાન સીટો પર જ મહિલાઓ માટે એક-તૃતીયાંશ (૩૩%) અનામત તાત્કાલિક લાગુ કરવામાં આવે. જયરામ રમેશે ઉમેર્યું કે તમિલનાડુ વિધાનસભાનો આ પ્રસ્તાવ અને માંગ કોંગ્રેસ પાર્ટીની પણ મુખ્ય માંગ છે.
૫૪ વોટથી ગબડી પડ્યું બિલ
ઉલ્લેખનીય છે કે ૧૭ એપ્રિલ ૨૦૨૬ના રોજ લોકસભામાં પરિસીમન અને મહિલા અનામત સાથે જોડાયેલા ૧૩૧મા બંધારણીય સુધારા વિધેયક પર મતદાન થયું હતું. જેમાં કૂલ ૫૨૮ સાંસદોએ ભાગ લીધો હતો. આ વિધેયકના પક્ષમાં ૨૯૮ વોટ અને વિપક્ષમાં ૨૩૦ વોટ પડ્યા હતા. બંધારણીય સુધારા માટે જરૂરી બે-તૃતીયાંશ બહુમતી એટલે કે ૩૫૨ વોટ હોવા જરૂરી હતા, પરંતુ તે ન મળતાં બિલ ૫૪ વોટથી ગબડી પડ્યું હતું.
‘સરકાર હવે નેરેટિવ મેનેજમેન્ટમાં લાગી છે’
જયરામ રમેશે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે સંસદમાં ઝટકો લાગ્યા બાદ હવે કેન્દ્ર સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે ન્યૂઝ અને નેરેટિવ મેનેજમેન્ટમાં લાગી ગઈ છે અને વિપક્ષ પર દોષનો ટોપલો ઢોળવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ સચ્ચાઈ એ છે કે વિપક્ષી એકતા સામે સરકારની વ્યૂહરચના અને બહુમતી મેળવવાનો દાવો સાવ નાકામ નીવડ્યો છે.






