ગોવા એરપોર્ટ પર ચાર કરોડનું સોનું, 28 iફોન જપ્ત

પણજીઃ ગોવાના મનોહર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ના અધિકારીઓએ અબુ ધાબીથી આવેલા ત્રણ પ્રવાસીઓની પાસે આશરે રૂ. ચાર કરોડનું સોનું અને iફોન જપ્ત કર્યાં છે, એમ એક અધિકારીએ આ માહિતી આપી હતી.

DRIના એક વરિષ્ઠ અધિકારીએ જઁણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના રહેવાસી ઇરફાન (30), મુંબઈના રહેવાસી કામરાન અહેમદ (38) અને ગુજરાતના મોહમ્મદ ઇરફાન ગુલામ (37)ને DRIએ શુક્રવારે રાત્રે ઉત્તરી ગોવાના એરપોર્ટ પર અટકાવ્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે તપાસ દરમ્યાન DRI અધિકારીઓએ ત્રણેની પાસે પેસ્ટ સ્વરૂપે 5.7 કિલોગ્રામ સોનું અને 28 Iફોન પ્રો મેક્સ મોબાઇલ ફોન જપ્ત કર્યા હતા, જેની કુલ કિંમત રૂ. 3.92 કરોડ છે. આ ત્રણે આરોપીઓ એક ગેન્ગનો ભાગ હતા, જે દુબઈથી દાણચોરી કરીને સોનું અને મોંઘી જણસો મુંબઈ લાવતા હતા, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે આ પ્રવાસીઓ 12 ઓક્ટોબરે મુંબઈથી અબુ ધાબી ગયા હતા અને ગોવા એરપોર્ટ પર માલસામાન લઈને પરત ફર્યા હતા, જેને તેઓ ચોરીછૂપીથી છુપાવીને લઈ જવાના પ્રયાસ કરતા હતા. iફોન પેકેટ લપેટીને અને સોનાની પેસ્ટને બે યાત્રીઓ કમર પાસે છુપાવીને લઈ જઈ રહ્યા હતા.