અમદાવાદ: દિવ્યાંગજનોના સર્વાંગી વિકાસ અને પુનર્વસન માટે કાર્યરત નારાયણ સેવા સંસ્થાન અને તેના CSR ભાગીદાર ‘ઇન્ગરસોલ રેન્ડ’ના સંયુક્ત ઉપક્રમે અમદાવાદના નવરંગપુરા સ્થિત ગુજરાત યુનિવર્સિટી ખાતે નિઃશુલ્ક દિવ્યાંગ સર્જરી તપાસ અને કૃત્રિમ અંગ માપણી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં 450થી વધુ દિવ્યાંગજનોએ ભાગ લીધો હતો.
327 દિવ્યાંગજનોના કૃત્રિમ અંગો માટે માપ લેવાયા
શિબિર દરમિયાન નિષ્ણાંત ડોક્ટરો અને P&O (પ્રોસ્થેટિક્સ અને ઓર્થોટિક્સ) ટીમ દ્વારા તપાસ હાથ ધરીને 327 લાભાર્થીઓ માટે જાપાની અને જર્મન ટેક્નોલોજીથી નિર્મિત ‘3D-પ્રિન્ટેડ નારાયણ મોડ્યુલર કૃત્રિમ અંગો’ (હાથ અને પગ) માટે માપ લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત દિવ્યાંગજનો માટે કેલિપરના માપ લેવાયા હતા અને 33 જરૂરિયાતમંદોને નિઃશુલ્ક સર્જરી માટે પસંદ કરવામાં આવ્યા હતા.
સંસ્થાનના પ્રમુખ પ્રશાંત અગ્રવાલ અને મુંબઈ શાખાના પ્રમુખ મહેશ અગ્રવાલે જણાવ્યું હતું કે જે દિવ્યાંગજનોના માપ લેવાયા છે, તેમને અંદાજે ૨ થી ૩ મહિના બાદ અમદાવાદમાં યોજાનાર વિશેષ શિબિરમાં હળવા, ટકાઉ અને ઉચ્ચ ગુણવત્તાવાળા નારાયણ મોડ્યુલર કૃત્રિમ અંગો નિઃશુલ્ક પૂરા પાડવામાં આવશે.
મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય
શિબિરનું ઉદ્ઘાટન સમાજસેવિકા રમિલાબેન ટી. પટેલ, જોગેન્દ્ર પ્રતાપ સિંહ, વલ્લભભાઈ ધાનાણી, ચંદ્રકાંતભાઈ પટેલ, કિરીટભાઈ શાહ, પુષ્પાબેન રાઠોડ, આશુતોષભાઈ પંડિત, વિવેક પટેલ, શીતલ પટેલ અને જગદીશ ચેચાની સહિતના મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું. રમિલાબેન પટેલે જણાવ્યું હતું કે દિવ્યાંગજનોની સેવા એ જ સાચી ઈશ્વર સેવા છે.
સેવાકીય પ્રવૃત્તિઓની માહિતી
જનસંપર્ક વિભાગના વડા ભગવાન પ્રસાદ ગૌડ, હરિ પ્રસાદ લઢ્ઢા, અચલ સિંહ ભાટી અને કૈલાશ ચૌધરીએ મહેમાનોનું મેવાડી પરંપરા મુજબ સ્વાગત કર્યું હતું. સંસ્થાન દ્વારા ચાલતી વિવિધ સેવાઓ જેવી કે દરરોજ ૫,૦૦૦ લોકોને ભોજન, નારાયણ ચિલ્ડ્રન્સ એકેડમી, સ્વરોજગાર તાલીમ અને સમૂહ લગ્ન અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.
વર્ષ ૧૯૮૫થી સક્રિય આ સંસ્થાનના સ્થાપક પદ્મશ્રી કૈલાશ માનવ અને પ્રમુખ પ્રશાંત અગ્રવાલ (રાષ્ટ્રપતિ પુરસ્કાર વિજેતા)ના નેતૃત્વ હેઠળ સંસ્થાન અત્યાર સુધીમાં ૪૦,૨૦૦થી વધુ કૃત્રિમ અંગો અને ૪.૫૪ લાખથી વધુ નિઃશુલ્ક સર્જરી પૂરી પાડી ચૂક્યું છે. શિબિરનું સફળ સંકલન મહિમ જૈન દ્વારા કરવામાં આવ્યું હતું.




