Home Blog Page 1928

ક્ષત્રિયોના આકરા વિરોધ છતાં રૂપાલાને વાંધો નહીં આવે?

અમદાવાદઃ રાજ્યની રાજકોટ લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો ક્ષત્રિય સમાજ દ્વારા ભારેત વિરોધ છતાં રાજકીય પંડિતો અને મતદાતાઓને વિશ્વાસ છે કે કેન્દ્રીય મંત્રી ચૂંટણીમાં વિજયી થશે. રાજકીય પંડિતોએ દાવો કર્યો હતો કે રાજકોટ એ ભાજપનો અભેદ્ય કિલ્લો છે. રાજકોટમાં મતદાતાઓએ વડા પ્રધાન મોદી સરકાર દ્વારા કરવામાં આવેલાં વિકાસ કાર્યોની પ્રશંસા કરી હતી. રૂપાલાએ હાલમાં દાવો કરીને વિવાદ ઊભો કર્યો હતો કે તત્કાલીન મહારાજાઓએ વિદેશી શાસકો અને અંગ્રેજો આગળ ઘૂંટણ ટેકવ્યા હતા. ત્યાં સુધી કે તેમણે તેમની પુત્રીઓનાં લગ્ન પણ તેમનાથી કર્યાં હતાં. એ પછી રૂપાલાએ માફી માગ્યા છતાં ક્ષત્રિયો રૂપાલાને હરાવવા મેદાને પડ્યા છે, પણ પાટીદાર બહુમતી આ સીટ ભાજપનો ગઢ માનમાં આવે છે.

રાજકોટ લોકસભા સીટ પર આશરે 23 લાખ મતદાતાઓ છે. પાટીદાર-કડવા અને લેવા 5.8 લાખ મતદાતાઓની સાથે નિર્ણાયક સ્થિતિમાં છે. આ સીટ પર 3.5 લાખ કોળી મતદાતા, 2.3 લાખ માલધારીઓ (બંને OBC), 1.5 લાખ રાજપૂતો, 1.8 લાખ દલિતો, આશરે બે લાખ અલ્પસંખ્યક સમુદાયના મતદાતાઓ અને ત્રણ લાખ બ્રાહ્મણ તથા લોહાણા સમાજના મતદાતાઓ છે.

રાજકીય વિશ્લેષકોનો એવો દાવો કર્યો હતો કે રાજપૂતો વધુમાં વધુ રૂપાલાને નુકસાન પહોંચાડી શકે અને તેમની જીતના અંતરમાં આશરે 50,000 મતોનું ગાબડું પાડી શકે છે. રાજકોટમાં આશરે ચાર લાખ લેવા પાટીદાર અને કેટલાક ભાજપ વિરોધી રાજપૂત મતદાતાઓ હોવા છતાં ભાજપના કમીટેડ મતદારો અને મજબૂત બૂથ મેનેજમેન્ટને ધ્યાનમાં લેતા કોંગ્રેસના પરેશ ધાનાણી રૂપાલાને કેટલી ટક્કર આપી શકે છે એના પર બધાની નજર છે.

ભાજપનું સંકલ્પ પત્ર જાહેર, વિકસીત ભારત 2047નો આ છે રોડ મેપ!

લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે 14 એપ્રિલના રોજ ભારતીય જનતા પાર્ટીનો સંકલ્પ પત્ર જાહેર થયો છે. સંકલ્પ પત્રમાં વિકસીત ભારતના ચાર મજબૂત સ્તંભ જેમા યુવા,મહિલા,ગરીબ,ખેડૂતોને સશક્ત કરનારુ જાહેર કરવામા આવ્યું છે. આ સંદર્ભે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ પત્રકાર પરિષદ સંબોધી હતી.  આ પત્રકાર પરિષદમા પ્રદેશના મહામંત્રી રજની પટેલ,મુખ્ય પ્રવકતા યમલ વ્યાસ,પ્રદેશ મીડિયા કન્વીનર ડો.યજ્ઞેશ દવે, પ્રદેશ મીડિયા સહ કન્વીનર ઝુબિન આશરા ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સંકલ્પ પત્ર અંગે મીડિયાને જણાવ્યું કે, ‘દેશના નાગરીકોની આશા અને આકાંક્ષાને પ્રતિબિંબ કરતો સંકલ્પ પત્ર રજૂ કરવા બદલ સંકલ્પ સમિતિના અધ્યક્ષ રાજનાથસિંહને અભિનંદન. સંકલ્પ પત્રમા જનતાની સેવા કરવાની ગેરંટીનુ સંકલ્પ લઇને ભાજપ આવ્યુ છે. આ વખતે પણ જનતા જનાર્દનના આશિર્વાદથી PM મોદીના નેતૃત્વમા 400 થી વધુ બેઠકો જીતાડશે તેવો વિશ્વાસ છે. PM નરેન્દ્ર મોદીએ ગુજરાત અને દેશમા સુશાસનનો પાયો મજબૂત કર્યો છે તેના કારણે ગુજરાતમાં તમામ 26 બેઠક પર જનતાના આશિર્વાદથી ભવ્ય જીત મળશે. સંકલ્પ પત્ર વિકસીત ભારત 2047ને સાકાર કરવાનો રોડ મેપ છે. દેશની જનતાને મફત અનાજ યોજના જાહેર કરી છે તે આગામી સમય સુધી ચાલુ રાખવાની જાહેરાત કરી છે.

સી.આર.પાટીલએ જણાવ્યું કે, સંકલ્પ પત્રમા 24 જેટલા મહત્વના મુદ્દાનો સમાવેશ કરવામા આવ્યો છે. કોંગ્રેસના સમયમા આંતકવાદથી ગ્રસ્ત દેશ આજે સુરક્ષીત દેશ બન્યો છે તેની ગેરંટી PM મોદીએ આપી છે. PM નરેન્દ્ર મોદીએ દેશના ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓને ઉત્તમ સારવાર મળે તે માટે આયુષ્યમાન કાર્ડ યોજનામા 70 વર્ષથી વધુ ઉમંરના વડિલોને લાભ મળે તે માટે જાહેરાત કરી છે. મહિલાઓની સુરક્ષા અધિકારીઓનુ રક્ષણ ,વિકાસ માટે અનેક યોજના દ્વારા દેશની મહિલાઓને વિશ્વાસ અપાવ્યો છે. PMએ લોકસભા અને રાજયસભામા મહિલાઓને 33 ટકા અનામત આપવાનો ઐતિહાસીક નિર્ણય કર્યો છે. PM મોદી દેશના યુવાનોને લોન મળે તે માટે ગેરેંટર બન્યા. ખેડૂતો  કિસાન સન્માન નિધી યોજના જાહેરાત કરી હતી આ યોજના પણ લંબાવી છે. યુનાઇટેડ નેશનના સર્વે પ્રમાણે મોદી દેશમાથી 25 કરોડ લોકોને ગરિબી રેખાથી બહાર લાવ્યા છે.

ક્ષત્રિયો પછી હવે રૂપાલા કરશે શક્તિ પ્રદર્શન?

રાજકોટ:  લોકસભા ચૂંટણીમાં રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીનો વિવાદ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની ગયો છે. રવિવારે રાજકોટ નજીક રતનપરમાં યોજાયેલા ક્ષત્રિયોના મહાસંમેલન બાદ હવે આ વિવાદ વાવાઝોડાના રૂપમાં ફેરવાય રહ્યો છે. ક્ષત્રિયોએ જો રૂપાલાની ટિકિટ રદ નહિ થાય તો ભાજપના બહિષ્કારની ચીમકી આપી છે. આ મહાસંમેલન બાદ મંગળવારે રાજકોટમાં રૂપાલા શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી કરવા જવાના છે. ભાજપે આ માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યું છે.રતનપરમાં ક્ષત્રિયોના મહાસંમેલનમાં વિરાટ જનમેદની એ ભાજપની ઊંઘ ઉડાડી દીધી છે. જો કે ભાજપ આ વિવાદમાં હજુ પણ ઝૂકવા તૈયાર ન હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટ ભાજપની ટીમે 16મી એ રૂપાલા ફોર્મ ભરે તે પહેલાં રોડ શોનું આયોજન કર્યું છે.

રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર આવેલા જાગનાથ મંદિરે સવારે 9 વાગ્યે પરશોત્તમ રૂપાલા દર્શન કરવા જશે અને ત્યાંથી ખુલ્લી જીપમાં બેસી રોડ શો સાથે બહુમાળી ભવન ખાતે પહોંચશે. સરદાર પટેલની પ્રતિમા પાસે વિશાળ જન સભા પણ યોજાશે. આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, ભરત બોઘરા સહિતના નેતાઓની હાજરીમાં જનસભાને તેઓ સંબોધન કરશે. ત્યારબાદ 12.39 વાગ્યે વિજય મુહૂર્તમાં કલેકટર કચેરીએ જઇને ઉમેદવારી ફોર્મ ભરશે. આ અંગે ભાજપ નેતાઓએ લોકોને મોટી સંખ્યામાં સભામાં આવવા અપીલ પણ સોશિયલ મીડિયા મારફતે કરી રહ્યા છે.ક્ષત્રિયો રૂપાલાની ટિકિટ રદ કરાવવા હવે વટ ઉપર ઉતર્યા છે. તેઓ પણ આ મામલે પીછેહટ કરવા માંગતા નથી. 19 તારીખ સુધીનું તેમણે ભાજપને અલ્ટિમેટમ આપ્યું છે. તો બીજી બાજુ ભાજપ પણ મક્કમ છે. રાજકોટની ચુંટણી આ વિવાદને કારણે હાલ તો સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની છે.

 (દેવેન્દ્ર જાની – રાજકોટ)

(તસવીર- નીશુ કાચા)

જો NOTAને સૌથી વધુ મત મળે તો શું થાય? જાણો, NOTAનું અતથી ઇતિ…

લોકશાહીના ઉત્સવ સમી લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કામાં 102 બેઠકો પર મતદાન થશે. રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આગામી 19મી એપ્રિલે મતદાનમાં એમના ભાવિનો નિર્ણય થશે. પરંતુ ચૂંટણી દરમિયાન તમારો મત આપતી વખતે, જો તમને લાગે કે કોઈ ઉમેદવાર યોગ્ય નથી તો તમે NOTA બટન દબાવીને તમારો વિરોધ નોંધાવી શકો છો. પરંતુ, શું તમે જાણો છો કે જો આ NOTAને મહત્તમ મતો મળે તો શું થશે? ચાલો સમજીએ કે ચૂંટણીમાં NOTA ની ભૂમિકા શું છે અને જો NOTA ને મહત્તમ મતો મળે તો શું થાય છે.

 

NOTA એટલે ?

સરલ ભાષામાં સમજીએ તો EVM મશીનમાં સૌથી નીચે NOTA લખેલુ હોય છે. એ બટન દાવો એટલે તમે સ્પષ્ટ કરો છો કે, ઉપરોક્તમાંથી કોઈ ઉમેદવારને તમારુ સમર્થન નથી મતલબ ‘ઉપરોક્તમાંથી કોઈ નહીં’  EVM મશીનો લાંબા સમયથી ઉપયોગમાં છે, પરંતુ છેલ્લા દાયકાથી તેમાં NOTA બટન જ સામેલ કરવામાં આવ્યું છે. 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં 2013માં પહેલીવાર NOTA લાગુ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ 2013થી જ તમામ ચૂંટણીઓમાં મતદારોને NOTAનો વિકલ્પ આપવામાં આવ્યો હતો.

લોકશાહીમાં નોટાનું શું મહત્વ છે?

લોકશાહીમાં નાગરિકોએ મોટી સંખ્યામાં ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવો જરૂરી છે. તે જીવંત લોકશાહીનું પ્રતીક છે. પરંતુ મતદારોને કોઈ ઉમેદવાર લાયક ન જણાય તો? આ બાબતને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે એક એવી સિસ્ટમ વિકસાવી કે જેના દ્વારા એ નોંધી શકાય કે કેટલા ટકા લોકોએ કોઈને મત આપવાનું યોગ્ય ન માન્યું. કમિશને તેને NOTA નામ આપ્યું. NOTA ચૂંટણીમાં સામાન્ય લોકોની રાજકીય ભાગીદારી વધારે છે. આ વિકલ્પ દ્વારા મતદાર પોતાનો અણગમો વ્યક્ત કરી શકે છે. આનાથી પક્ષોને એક સંદેશ પણ જાય છે કે લોકો તેમના દ્વારા ઉભા કરાયેલા ઉમેદવારોને સ્વીકારતા નથી અને તેઓએ વધુ સારા ઉમેદવારો ઉભા રાખવાની જરૂર છે.

NOTAની જરૂર કેમ પડી?

જ્યાં સુધી દેશમાં NOTA સિસ્ટમ ન હતી ત્યાં સુધી જો કોઈને એમ લાગતું કે એમના મત મુજબ કોઈ ઉમેદવાર લાયક નથી તો તેઓ મતદાન કરવા જતા ન હતા અને આ રીતે એમનો મત નકામો જતો. આ સ્થિતિમાં લોકો મતદાનના અધિકારથી સ્વયંમ વંચિત રહેતા. આવી સ્થિતિમાં વર્ષ 2009માં ચૂંટણી પંચે NOTAનો વિકલ્પ આપવાના પોતાના ઈરાદા અંગે સુપ્રીમ કોર્ટને જાણ કરી હતી. નાગરિક અધિકાર સંગઠન પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝે પણ NOTAને સમર્થન આપતી PIL દાખલ કરી હતી. જે બાદ વર્ષ 2013માં કોર્ટે મતદારોને NOTAનો વિકલ્પ આપવાનો નિર્ણય કર્યો હતો. આમ EVM માં NOTA બીજો વિકલ્પ બની ગયો. આ રીતે, ભારત NOTA નો વિકલ્પ આપનાર વિશ્વનો ચૌદમો દેશ બન્યો. NOTA નું પૂર્ણ સ્વરૂપ None of the Above છે, જેનો અર્થ છે ઉપરોક્તમાંથી કોઈ નહીં.

NOTA ને સૌથી વધુ મત મળે તો?

NOTAના નિયમોમાં સમયાંતરે ફેરફાર કરવામાં આવ્યા છે. શરૂઆતમાં NOTA ને ગેરકાયદેસર મત માનવામાં આવતો હતો. એટલે કે, જો NOTA ને અન્ય તમામ ઉમેદવારો કરતા વધુ મત મળે, તો બીજા નંબરના સૌથી વધુ મત મેળવનાર ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવ્યો. છેવટે, 2018 માં, દેશમાં પ્રથમ વખત, NOTA ને ઉમેદવારોને સમાન દરજ્જો આપવામાં આવ્યો. હકીકતમાં, ડિસેમ્બર 2018માં હરિયાણાના પાંચ જિલ્લાઓમાં યોજાયેલી મ્યુનિસિપલ ચૂંટણીઓમાં NOTAને સૌથી વધુ મત મળ્યા હતા. આવી સ્થિતિમાં તમામ ઉમેદવારોને અયોગ્ય જાહેર કરાયા હતા. આ પછી ચૂંટણી પંચે ફરીથી ચૂંટણી કરાવવાનો નિર્ણય લીધો હતો.

NOTA ફરીથી ચૂંટણીમાં જીતે તો ?

મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચના 2018ના આદેશમાં, NOTAને ‘કાલ્પનિક ચૂંટણી ઉમેદવાર’નો દરજ્જો આપવામાં આવ્યો છે. આદેશ અનુસાર, જો કોઈ ઉમેદવાર ‘કાલ્પનિક ઉમેદવાર’ એટલે કે NOTAના સમાન મત મેળવે છે, તો ચૂંટણી લડનાર વાસ્તવિક ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવશે. જો NOTA ને અન્ય તમામ કરતા વધુ મત મળે છે તો ફરીથી ચૂંટણી યોજવામાં આવશે. પરંતુ જો ચૂંટણી યોજ્યા પછી પણ કોઈ ઉમેદવાર NOTA કરતા વધુ મત મેળવી શકશે નહીં, તો ત્રીજી વખત ચૂંટણી યોજાશે નહીં. આવી સ્થિતિમાં, NOTA પછી સૌથી વધુ મત મેળવનાર ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવે છે. આદેશ અનુસાર, મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચના આ નિયમો રાજ્યમાં ચૂંટણી સુધી મર્યાદિત છે.

ભારત ઉપરાંત અન્ય કયા દેશોમાં NOTA છે

ભારત પહેલાં, 13 દેશોમાં મતદાન સમયે NOTA નો વિકલ્પ ઉપલબ્ધ છે, જેમાં અમેરિકા, કોલંબિયા, યુક્રેન, રશિયા, બાંગ્લાદેશ, બ્રાઝિલ, ફિનલેન્ડ, સ્પેન, ફ્રાન્સ, ચિલી, સ્વીડન, બેલ્જિયમ, ગ્રીસનો સમાવેશ થાય છે આમાં કેટલાક દેશો એવા છે જ્યાં NOTA ને નકારવાનો અધિકાર છે. જેનો અર્થ છે કે જો NOTA ને વધુ મત મળે તો ચૂંટણી રદ થાય છે અને જે ઉમેદવારને NOTA કરતા ઓછા મત મળે છે તે ફરીથી ચૂંટણી લડી શકશે નહીં.

નોંધનીય છે કે લોકસભાની ચૂંટણીઓમાં, ઉપરમાંથી કંઈ નહીં (NOTA) વિકલ્પનો ઉપયોગ સૌ પ્રથમવાર 2014માં કરવામાં આવ્યો હતો. તેને 1.1% મત મળ્યા હતા, જે 6 મિલિયનથી વધુ છે. જયારે 2019ની લોકસભાની ચૂંટણીમાં, બિહારના ગોપાલગંજમાં સૌથી વધુ NOTA મત (51,660) મળ્યા હતા,

નોટાની આંકડાકિય માહિતી

2013થી યોજાયેલી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં NOTAના ખાતામાં ઘણા બધા વોટ હતા. કેટલાક મતવિસ્તારોમાં NOTA મતો રનર-અપ ઉમેદવાર પછી ત્રીજા ક્રમે આવ્યા હતા. 2014ની લોકસભા ચૂંટણીમાં લગભગ 60 લાખ મતદારો અને 2019માં 65 લાખથી વધુ મતદારોએ NOTA વિકલ્પ પસંદ કર્યો હતો. મતદારોએ NOTA વિકલ્પ પસંદ કર્યો હતો.  હવે જોવાનું એ રહ્યું કે 2024માં NOTAનો કેટલો ઉપયોગ થાય છે.

ચૂંટણી પંચ દ્વારા મતદાન પહેલાં જ રૂ. 4650 કરોડ જપ્ત

નવી દિલ્હીઃ દેશમાં રાજકીય પક્ષો દ્વારા લોકસભા ચૂંટણી-2024 માટે ચૂંટણીપ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. દેશભરમાં સાત તબક્કા માટે નવી ચૂંટણી માટે મતદાન કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીમાં અત્યાર સુધી 75 વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ ગેરકાયદે પૈસા જપ્ત કર્યા છે.

સામાન્ય ચૂંટણીમાં નાણાંના જોરે ચૂંટણી લડવા પર નકેલ કસવા માટે ચૂંટણી પંચે મોટી ઝુંબેશ ચલાવી રાખી છે. પંચ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ પહેલી માર્ચ 2024એ અત્યાર સુધી પ્રતિ દિન રૂ. 100 કરોડ જપ્ત કરવામાં આવ્યા છે. પંચનું કહેવું છે કે મતદાન શરૂ થયાં પહેલાં રૂ. 4650 કરોડ જપ્ત કરવામાં આવી ચૂક્યા છે અને 2019ની લોકસભા ચૂંટણીમાં જપ્ત કરવામાં આવેલા પૈસા કરતાં આ રકમ વધુ છે.

ચૂંટણી પંચે કહ્યું હતું કે ચૂંટણીમાં નાણાંના પ્રયોગને અટકાવવા માટે કાર્યવાહી આકરી કરવામાં આવશે અને વગર અટકે જપ્તી જારી રહેશે. પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝ મુજબ એજન્સીઓએ 18મી લોકસભા ચૂંટણીમાં મતદાનથી પહેલાં રૂ. 4650 કરોડની જપ્તી કરી છે, જે 2019ની તુલનામાં એ રકમ રૂ. 3475 કરોડ વધુ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અત્યાર સુધી ચૂંટણીમાં રૂ. 395.39 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી છે. આ સિવાય રૂ. 489.31 કરોડની દારૂ, રૂ. 2068.85 કરોડની ડ્રગ્સ, રૂ. 562.10 કરોડનાં સોના-ચાંદી, અને રૂ. 1142.49 કરોડની મફત ઓફરવાળી ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. ચૂંટણીમાં પારદર્શિતા અને નિષ્પક્ષતા રાખવા માટે ચૂંટણી પંચ દેશમાં અલગ-અલગ એજન્સીઓની મદદ લઈ રહ્યું છે.

 

 

 

 

 

 

 

 

 

આ 14 ગામોના મતદાતાઓ પાસે બે-બે વોટર કાર્ડ

નવી દિલ્હીઃ ચૂંટણી પંચ મતદાન ટકાવારી વધારવા અને વોટિંગને દરેક સંભવ કાયદાના દાયરામાં કરવાના પ્રયાસ કરી રહ્યું છે. ચૂંટણી પંચે વિસ્થાપિત કાશ્મીરી પંડિતોનુ મતદાન વધારવા માટે પ્રક્રિયાને સરળ બનાવી છે. મહારાષ્ટ્ર અને તેલંગાણાની બોર્ડર પર ચૂંટણી પંચ 14 ગામના મતદાતાઓ દ્વારા બે વાર મત કરવાની ગેરકાનૂની કવાયત પર પ્રતિબંધ કરવાના પ્રયાસમાં રત છે.

મહારાષ્ટ્ર અને તંલંગાણાની સરહદે સ્થિત 14 ગામોના આશરે 4000 મતદાતાઓ દેશનું એકમાત્ર વોટર્સ ગ્રુપ છે, જેમને 2024ની લોકસભાની ચૂંટણીમાં પણ બે વાર મતદાન કરવાનો વિશેષાધિકાર પ્રાપ્ત થશે. મહારાષ્ટ્રમાં 19 એપ્રિલે પહેલા તબક્કામાં ચંદ્રપુર ચૂંટણી ક્ષત્રે માટે અને એ પછી 13 મેએ ચોથા તબક્કામાં તેલંગાણામાં આદિલાબાદ મત વિસ્તાર માટે મતદાન થશે.એક અહેવાલ મુજબ મહારાષ્ટ્ર અને તેલંગામાની વચ્ચે દાયકાઓ જૂના સીમા વિવાદને કારણે 6000થી વધુ વસતિવાળા આ 14 ગામોને બંને રાજ્યોનો લાભ મળે છે. આ ગામોમાં મરાઠી અને તેલુગુ સ્કૂલ છે. હોસ્પિટલ પણ આ પ્રકારે છે. બંને રાજ્યોથી સંબંધિત ગ્રામ પંચાયત અને સરપંચ પણ છે.

તેલંગાણામાં આદિલાબાદની કેરામેરી તહેસિલ અને મહારાષ્ટ્રમાં ચંદ્રપુરની જિવતી તહસિલમાં આવનારાં 14 ગામોને લઈને ક્ષેત્રીય વિવાદ 1956થી છે, જ્યારે આંધ્ર પ્રદેશની રચના થઈ હતી.

આ ગામમાં બે ગ્રામ પંચાયતો- પારંડોલી અને અંતપુર-ના અંતર્ગત આવે છે, જે 30 કિમીથી વધુ દૂર છે. આ ગ્રામીણો પાસે બે-બે મતદાતાઓ ઓળખ પત્ર છે, જેમાં તેમના નામ બંને રાજ્યોના ચૂંટણી ક્ષેત્રમાં સૂચિબદ્ધ છે. પ્રત્યેક ગ્રામીણની પાસે બે રેશન કાર્ડ, આધઆર કાર્ડ, મનરેગા કાર્ડ, જાતિ પ્રમાણ પત્ર અને અન્ય દસ્તાવે છએ. એક-એક મહારાષ્ટ્રથી અને તેલંગાણાથી- જે તેમને બંને રાજ્યોથી સામાજિક કલ્યાણ યોજનાઓનો લાભ ઉઠાવવા માટે સક્ષમ બનાવે છે.

 

 

 

 

 

 

 

 

35 IPS અધિકારીની બઠતી અને બદલી

ગાંધીનગર: લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે રાજ્યમાં કેટલીક IPS અધિકારીઓની પોસ્ટને લઈ અસમનજસ ચાલી રહી હતી. રાજ્ય સરકારે અધિકારીઓની પોસ્ટીંગને લઈને નિર્ણય ચૂંટણી પંચ પર ઠોળ્યો હતો. રાજ્ય સરકારે અધિકારીઓના નામોની યાદી ચૂંટણી પંચને મોકલી આપી હતી. જે બાદ 14 એપ્રિલના ચૂંટણી પંચે 35 IPS અધિકારીઓના બદલી અને બઠતીનો ઓર્ડર આપ્યા હતા.

ઉલ્લેખીય છે આ નિર્ણય બાદ સુરતની લાંબા સમયથી ખાલી પડેલી કમિશ્નરની ખુરશી પર પણ અધિકારીની નિમર્ણૂક કરવામાં આવી છે. અંદાજિત 35 જેટલા ઉચ્ચ પોલીસ અધિકારીઓની બઢતી અને બદલી જાહેર થઇ છે. દસ જેટલા આઇપીએસને સિલેકશન ગ્રેડ અપાયા છે, એટલે તેઓ પણ તેમની બેચ અનુસાર આગામી સમયમાં હવે ડીઆઇજીનું પ્રમોશન મેળવી, ડીઆઇજીનુ પોસ્ટીંગ મેળવી શકશે. સુરતના પોલીસ કમિશ્નરની ખાલી પોસ્ટ ભરાઈ છે.

નોંધનીય છે કે હવે અનુપમસિંહ ગેહલોત સુરતના નવા કમિશ્નર બન્યા છે. સુરત રેન્જ આઇજી તરીકે પ્રેમવીરસિંગની નિમણૂક કરાઇ છે. બરોડાના નવા પોલીસ કમિશનર તરીકે નરસિંમ્હા કોમરની નિમણૂક કરાઇ છે. બ્રજેશ કુમાર ઝા હવે અમદાવાદના સ્પેશિયલ કમિશ્નર ઓફ પોલીસ બન્યા છે. ગગનદીપ ગંભીર, રાઘેન્દ્ર વત્સ અને પ્રેમવીર સિંહ સહિત અનેક પોલીસ અધિકારીઓને આ જાહેરાત દરમિયાન પોસ્ટીંગ મળ્યા છે.

અમદાવાદના પોલીસ કમિશ્નર જી. એસ મલિક અને ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના એડિશનલ ડીજી હસમુખ પટેલ સહિત 20થી પણ વધુ અધિકારીઓને પ્રમોશન મળ્યા છે. જયારે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિક જેવા આઇપીએસ અધિકારી હજુ પણ વેઈટિંગ ફોર પોસ્ટિંગ લિસ્ટમાં છે. જોકે તેમને સિલેકશન ગ્રેડ અપાયો છે, તેમની બેચ અનુસાર હવે તેઓ ડીઆઇજીનુ પ્રમોશન મેળવી શકશે. સિલેક્શન ગ્રેડ મળ્યો એ બધાને હવે પછી ડીઆઈજી પ્રમોશન મળી શકશે.

 

ન્યાય પ્રક્રિયાને નબળી પાડવાનો પ્રયાસઃ 21 નિવૃત્ત જજોનો CJIને પત્ર

નવી દિલ્હીઃ  હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના 21 નિવૃત્ત જજોએ મુખ્ય ન્યાયાધીશ ડીવાય. ચંદ્રચૂડને એક પત્ર લખ્યો છે, જેમાં તેમણે કહ્યું હતું કે એક જૂથ દ્વારા કોર્ટ પર દબાણ બનાવવામાં આવી રહ્યું છે અને એને નબળી પાડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

 આ જજોએ કહ્યું હતું કે કોર્ટ પર ગેરકાયદે દબાણને ખાળવા સાથે એને સુરક્ષિત કરવાની જરૂર છે. આ પત્રમાં કહેવામાં આવ્યું હતું કે રાજકીય હિતો અને નિજી લાભથી પ્રેરિત કેટલાંક તત્ત્વો અમારી ન્યાય પ્રણાલીમાં જનતાના વિશ્વાસને સમાપ્ત કરી રહ્યા છે. આ પત્ર પર 21 નિવૃત્ત જજોએ હસ્તાક્ષર કર્યા છે. એમાં સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ચાર જજ અને હાઇકોર્ટના 17 જજ સામેલ છે.નિવૃત્ત જસ્ટિસ દીપક વર્મા, કૃષ્ણ માહેશ્વરી અને MR શાહ સહિત નિવૃત્ત જજોએ આલોચકો પર કોર્ટો અને જજોની ઇમાનદારી પર સવાલ ઉઠાવીને ન્યાય પ્રક્રિયાને પ્રભાવિત કરવાના પ્રકારો અપનાવવાનો આરોપ લગાવ્યો હતો.

આ પત્રમાં કહેવામાં આવ્યું હતું કે આસામાજિક તત્ત્વોના પ્રકારો ઘણા ભ્રામક છે. આ પ્રકારે કામગીરીથી ના માત્ર કોર્ટનું અપમાન થાય છે, પણ જજોની નિષ્પક્ષતાના સિદ્ધાંતોની સામે પડકાર પેદા થાય છે. આ ગ્રુપ દ્વારા અપનાવવામાં આવતી વ્યૂહરચના ઘણી હેરાન કરનારી છે. આ કોર્ટની છબિ ખરડવાના પ્રયાસ છે અને કોર્ટના ચુકાદાને પ્રભાવિત કરવાના પ્રયાસ કરે છે.

આ પત્રમાં વધુમાં કહેવામાં આવ્યું હતું કે આ ગ્રુપનો વ્યવહાર સામાજિક, આર્થિક અને રાજકીય મહત્ત્વ વધુ હોય છે. આ પત્રમાં કહેવામાં આવ્યું હતું કે અમે ન્યાય પ્રક્રિયાની સાથે મળીને ખભેખભા મિલાવીને ઊભા છીએ અને એની ગરિમા અને નિષ્પક્ષતા બચાવી રાખવા માટે દરેક પ્રકારની મદદ કરવા માટે તૈયાર છીએ.

 

 

 

કોરાનાના 58 નવા કેસો, એક પણ મોત નહીં

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 58 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,35,573 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.

હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.

દેશમાં અત્યાર સુધી 5,33,574 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,45,01,488 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 91 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 577 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,68,93,577 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 8 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

 

 

 

 

 

 

 

 

રહસ્યવાદની ખોજ – કમ્ફર્ટ ઝોનની બહાર જવું

સદ્‍ગુરુ: તર્કની પ્રકૃતિ જ એવી છે કે તે હંમેશા જોડાવા અને સંબંધ બનાવવા માટે સમાનતા શોધે છે. રહસ્યવાદના પરિમાણોની શોધમાં આ એક અવરોધ છે. સર્જનની પ્રકૃતિ સમાનતા, સગપણ કે પરિચયમાં નથી શોધી શકાતી. સર્જનની ફક્ત સૌથી બાહ્યતમ સપાટી પર જ સરખાપણું  છે. ધારો કે, ઉદાહરણ તરીકે, ગોરી ત્વચાવાળા બે લોકો (અથવા કાળી ત્વચાવાળા બે લોકો) છે અને તમે તેઓ બંનેને માત્ર ઉપરછલ્લી રીતે સપાટી પર જ જુઓ છો, તો તમને એવું જ લાગશે કે તેઓ એક સરખા જેવા છે. પણ જો તમે વધુ ઊંડાણપૂર્વક જુઓ તો, શું કોઈપણ બે વ્યક્તિઓ ક્યારેય એકસમાન હોય છે?

સરખાપણાની શોધમાં, તર્ક સ્વાભાવિક રીતે અસ્તિત્વની સપાટી પર રહી જાય છે. જો તમે વધુ ઊંડાણમાં જશો, તો સરખાપણાની શોધ મૂંઝવી દેનાર બની જશે.  જો તમે કોઈપણ વસ્તુને પૂરતા ઊંડાણથી જોશો – તમારી ફિંગરપ્રિન્ટથી લઈને તમારી આંખની કીકી અને તમારા વાળ સુધી – બધું અનન્ય છે. જો તમે બ્રહ્માંડની મુસાફરી કરો, તો તમને એક પણ વસ્તુ નહિ મળે જે અદ્દલ બીજી વસ્તુ જેવી જ હોય. કોઈ બે પરમાણુ એક સરખા નથી. તેમાંના દરેકનું એક આગવું લક્ષણ હોય છે.

પરિચિત વસ્તુ તમારા મનના તાર્કિક પરિમાણને પોષે  છે. તમારો તર્ક જેટલો મજબૂત હશે, તમે એટલા જ સપાટી પર રહેશો. સર્જનની રહસ્યવાદી પ્રકૃતિના ઊંડાણમાં પ્રવેશવા માટે, તમારે તમારા મનને એવી રીતે પ્રશિક્ષિત કરવાની જરૂર છે કે તે પરિચિતને શોધે નહીં અને જાગરૂકપણે પોતાના કમ્ફર્ટ ઝોનની બહાર નીકળી જાય.

લોકો પરિચિત વસ્તુઓમાં અટવાઇ જાય છે. તેઓ દરરોજ એક જ માર્ગ પર ચાલવા માંગે છે. જ્યારે તમે પરિચિતની ઝંખના કરો છો, ત્યારે તમે એક લંબગોળ આકારમાં ગતિ કરી રહ્યા છો. દરેક વસ્તુ જે ભૌતિક છે તે ચક્રોમાં છે – પરમાણુથી લઈને સૌરમંડળથી બ્રહ્માંડ સુધી. જો તમે ચક્રોમાં રહેશો, તો ભૌતિકતા તમને મુક્ત કરશે નહીં. તેની પોતાની એક શક્તિ છે.

આગળ વધવા અને ખોજ કરવા માટે જે એક મહત્વપૂર્ણ પગલું ભરવાની જરૂર છે તે એક એવું મન વિકસાવવાનું છે જે પરિચિતની ઝંખના કરતુ નથી. આ સંસારથી સન્યાસ સુધીની યાત્રા છે. સન્યાસનો અર્થ સાધુ બનવાનો નથી – તેનો અર્થ છે ચક્ર તોડવું. સંસારનો અર્થ કુટુંબ નથી – તેનો અર્થ છે પુનરાવર્તિત ચક્રો. જ્યારે તમે પરિચિતને ઝંખો છો, ત્યારે તમે હંમેશા સંયોગો શોધી રહ્યા છો.

કમનસીબે, ભૌતિક વિજ્ઞાનમાં પણ, તેઓ જોડાણો બનાવવા માટે સંયોગો શોધી રહ્યા છે. વસ્તુઓને જોવાની તે એક રીત છે, પરંતુ તે સપાટી પર જ રહેશે. તે અસ્તિત્વના ઊંડા પરિમાણોને શોધશે નહીં. તમે આસપાસ બધું જોશો, પરંતુ તમે સર્જનનો સ્ત્રોત ચૂકી જશો.

અપરિચિત ક્ષેત્રને જાગરૂકપણે ઝંખવા અને તેમાં આગળ વધવા માટે, તમારે ઊર્જાનું માળખું મજબૂત કરવું પડશે, અને તમારે શરીર અને ભાવનાઓને સંતુલિત કરવી પડશે. તમારે એવા મનની જરૂર છે જે વિવિધ પ્રકારની ભાવનાઓને સંભાળવા માટે સક્ષમ હોય.

આ સંતુલન વિના, કોઈ વ્યક્તિ ક્યારેય જીવનના અપરિચિત ક્ષેત્રને શોધવાની હિંમત કરશે નહીં. જો તમે અપરિચિતને શોધશો નહીં, તો સગવડો અને સુવિધા હશે, પરંતુ તમે કંટાળાથી મરી જશો. જો તમે ઉત્સાહથી મરી જાઓ, તો તે ઠીક છે. આટલું ભવ્ય સર્જન અને તમે કંટાળાથી મરો – તે સૌથી ખરાબ ગુનો છે.

(સદ્‍ગુરુ, જગ્ગી વાસુદેવ) 

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્‍ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્‍ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે 4 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.