ન્યાય પ્રક્રિયાને નબળી પાડવાનો પ્રયાસઃ 21 નિવૃત્ત જજોનો CJIને પત્ર

નવી દિલ્હીઃ  હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના 21 નિવૃત્ત જજોએ મુખ્ય ન્યાયાધીશ ડીવાય. ચંદ્રચૂડને એક પત્ર લખ્યો છે, જેમાં તેમણે કહ્યું હતું કે એક જૂથ દ્વારા કોર્ટ પર દબાણ બનાવવામાં આવી રહ્યું છે અને એને નબળી પાડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

 આ જજોએ કહ્યું હતું કે કોર્ટ પર ગેરકાયદે દબાણને ખાળવા સાથે એને સુરક્ષિત કરવાની જરૂર છે. આ પત્રમાં કહેવામાં આવ્યું હતું કે રાજકીય હિતો અને નિજી લાભથી પ્રેરિત કેટલાંક તત્ત્વો અમારી ન્યાય પ્રણાલીમાં જનતાના વિશ્વાસને સમાપ્ત કરી રહ્યા છે. આ પત્ર પર 21 નિવૃત્ત જજોએ હસ્તાક્ષર કર્યા છે. એમાં સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ચાર જજ અને હાઇકોર્ટના 17 જજ સામેલ છે.નિવૃત્ત જસ્ટિસ દીપક વર્મા, કૃષ્ણ માહેશ્વરી અને MR શાહ સહિત નિવૃત્ત જજોએ આલોચકો પર કોર્ટો અને જજોની ઇમાનદારી પર સવાલ ઉઠાવીને ન્યાય પ્રક્રિયાને પ્રભાવિત કરવાના પ્રકારો અપનાવવાનો આરોપ લગાવ્યો હતો.

આ પત્રમાં કહેવામાં આવ્યું હતું કે આસામાજિક તત્ત્વોના પ્રકારો ઘણા ભ્રામક છે. આ પ્રકારે કામગીરીથી ના માત્ર કોર્ટનું અપમાન થાય છે, પણ જજોની નિષ્પક્ષતાના સિદ્ધાંતોની સામે પડકાર પેદા થાય છે. આ ગ્રુપ દ્વારા અપનાવવામાં આવતી વ્યૂહરચના ઘણી હેરાન કરનારી છે. આ કોર્ટની છબિ ખરડવાના પ્રયાસ છે અને કોર્ટના ચુકાદાને પ્રભાવિત કરવાના પ્રયાસ કરે છે.

આ પત્રમાં વધુમાં કહેવામાં આવ્યું હતું કે આ ગ્રુપનો વ્યવહાર સામાજિક, આર્થિક અને રાજકીય મહત્ત્વ વધુ હોય છે. આ પત્રમાં કહેવામાં આવ્યું હતું કે અમે ન્યાય પ્રક્રિયાની સાથે મળીને ખભેખભા મિલાવીને ઊભા છીએ અને એની ગરિમા અને નિષ્પક્ષતા બચાવી રાખવા માટે દરેક પ્રકારની મદદ કરવા માટે તૈયાર છીએ.