ક્ષત્રિયોના આકરા વિરોધ છતાં રૂપાલાને વાંધો નહીં આવે?

અમદાવાદઃ રાજ્યની રાજકોટ લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો ક્ષત્રિય સમાજ દ્વારા ભારેત વિરોધ છતાં રાજકીય પંડિતો અને મતદાતાઓને વિશ્વાસ છે કે કેન્દ્રીય મંત્રી ચૂંટણીમાં વિજયી થશે. રાજકીય પંડિતોએ દાવો કર્યો હતો કે રાજકોટ એ ભાજપનો અભેદ્ય કિલ્લો છે. રાજકોટમાં મતદાતાઓએ વડા પ્રધાન મોદી સરકાર દ્વારા કરવામાં આવેલાં વિકાસ કાર્યોની પ્રશંસા કરી હતી. રૂપાલાએ હાલમાં દાવો કરીને વિવાદ ઊભો કર્યો હતો કે તત્કાલીન મહારાજાઓએ વિદેશી શાસકો અને અંગ્રેજો આગળ ઘૂંટણ ટેકવ્યા હતા. ત્યાં સુધી કે તેમણે તેમની પુત્રીઓનાં લગ્ન પણ તેમનાથી કર્યાં હતાં. એ પછી રૂપાલાએ માફી માગ્યા છતાં ક્ષત્રિયો રૂપાલાને હરાવવા મેદાને પડ્યા છે, પણ પાટીદાર બહુમતી આ સીટ ભાજપનો ગઢ માનમાં આવે છે.

રાજકોટ લોકસભા સીટ પર આશરે 23 લાખ મતદાતાઓ છે. પાટીદાર-કડવા અને લેવા 5.8 લાખ મતદાતાઓની સાથે નિર્ણાયક સ્થિતિમાં છે. આ સીટ પર 3.5 લાખ કોળી મતદાતા, 2.3 લાખ માલધારીઓ (બંને OBC), 1.5 લાખ રાજપૂતો, 1.8 લાખ દલિતો, આશરે બે લાખ અલ્પસંખ્યક સમુદાયના મતદાતાઓ અને ત્રણ લાખ બ્રાહ્મણ તથા લોહાણા સમાજના મતદાતાઓ છે.

રાજકીય વિશ્લેષકોનો એવો દાવો કર્યો હતો કે રાજપૂતો વધુમાં વધુ રૂપાલાને નુકસાન પહોંચાડી શકે અને તેમની જીતના અંતરમાં આશરે 50,000 મતોનું ગાબડું પાડી શકે છે. રાજકોટમાં આશરે ચાર લાખ લેવા પાટીદાર અને કેટલાક ભાજપ વિરોધી રાજપૂત મતદાતાઓ હોવા છતાં ભાજપના કમીટેડ મતદારો અને મજબૂત બૂથ મેનેજમેન્ટને ધ્યાનમાં લેતા કોંગ્રેસના પરેશ ધાનાણી રૂપાલાને કેટલી ટક્કર આપી શકે છે એના પર બધાની નજર છે.