Home Blog Page 1867

રાજ્યની પેટા ચૂંટણીમાં 24 ઉમેદવારોમાંથી 26 ટકાનો ગુનાઇત ઇતિહાસ

અમદાવાદઃ રાજ્યમાં લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે સાત મેએ મતદાન છે. રાજ્યમાં પાંચ બેઠકોની વિધાનસભાની પેટા ચૂંટણીમાં 24 ઉમેદવારોમાંથી 35 ટકા ઉમેદવારો કરોડપતિ છે, જ્યારે 26 ટકા ઉમેદવારો ગુનાઇત ઇતિહાસ ધરાવે છે. દરેક ઉમેદવારની સરેરાશ મિલકત રૂ. 9.22 કરોડ છે. કુલ છ ઉમેદવારો ઉપર વિવિધ કેસ નોંધાયેલા છે તેમાંથી બે પર ગંભીર ગુના છે. કુલ આઠ ઉમેદવાર કરોડપતિ છે, તેમાં ચાર ભાજપના અને ચાર કોંગ્રેસના ઉમેદવાર છે. સૌથી વધુ મિલકત ભાજપના વાઘોડિયાના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની રૂ. 153 કરોડ છે.

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને ગુજરાત ઇલેકશન વોચ દ્વારા ઉમેદવારોના સોગંદનામાને આધારે સંપત્તિ, ગુનાઓ અને શૈક્ષણિક લાયકાતનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. જે પાંચ બેઠકો પર ચૂંટણી યોજાવાની છે તેમાં પોરબંદરમાં છ ઉમેદવારો, માણાવદરમાં ચાર, વાઘોડિયામાં બે, વિજાપુરમાં 8 અને ખંભાતમાં ત્રણ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. કોઇ પણ બેઠક ઉપર એક પણ મહિલા ઉમેદવાર ચૂંટણી મેદાનમાં નથી.

માણાવદરના કોંગ્રેસના ઉમેદવાર હરિભાઇ કણસાગરા પર ચિટિંગ, ખંડણીને લગતા કેસ નોંધાયેલા છે. વિજાપુરમાં ભાજપના ઉમેદવાર ડો. સી.જે. ચાવડા પર ઉશ્કેરણી, ગુનાહિત કાવતરૂ રચવાને લગતા કેસ નોંધાયેલા છે. પોરબંદરમાં ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા પર બદનક્ષી કરવાના લગતા ગુના નોંધાયેલા છે.

ભાજપના વાઘોડિયાના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા સૌથી વધુ મિલકત ધરાવે છે તે સાથે સૌથી વધુ જવાબદારી-દેવું પણ તેમની ઉપર કુલ રૂ. 38 કરોડનું છે. તે પછી ભાજપના સી.જે. ચાવડા પર રૂ. પાંચ કરોડ અને કોંગ્રેસના હરિભાઇ કણસાગરા પર રૂ. 1 કરોડનું દેવું છે.

પેટા ચૂંટણીના 24 ઉમેદવારોમાંથી 61 ટકા એટલે કે 14 ઉમેદવારોએ જાહેર કર્યું છે કે શિક્ષણનું સ્તર ધો. આઠથી ધો. 12 સુધીનું છે. 30 ટકા એટલે કે સાત ઉમેદવાર ગ્રેજ્યુએટ કે તેથી વધુ ભણ્યા છે. એક ઉમેદવાર ચાર ધોરણ સુધી ભણેલા છે અને નિરક્ષર છે. ઉમેદવારોમાં 30 ટકા એટલે કે સાત ઉમેદવારો 25થી 40 વર્ષ સુધીની વય ધરાવે છે, જ્યારે 39 ટકા એટલે કે 9 ઉમેદવાર 41 થી 60 વર્ષ અને 30 ટકા એટલે કે સાત ઉમેદવાર 61 થી 70 વર્ષની વયના છે.

 

 

 

 

 

 

 

એકાકીપણાનો સામનો કઈ રીતે કરવો?

એકાકીપણું કોઈ માટે લાભકારી નથી હોતું. પરંતુ કોઈ યુવાનને નોકરી અર્થે કે કોઈ વિદ્યાર્થીને ભણવા માટે બહારગામ જવું પડે અને એકલા રહેવું પડે તે કોઈ મનગમતો પર્યાય તો નથી જ!

અહીં વન વિભાગ અધિકારી હિંમાશુ ત્યાગી કે, જેઓ પોતે ભણતર અને ત્યારબાદ નોકરી અર્થે અમુક વર્ષો માટે બહારગામ એકલા રહી ચૂક્યાં છે. તેમણે આ એકાકીપણાની સમસ્યાનો સામનો કરવા માટે થોડી ટિપ્સ અહીં આપી છે. જે કોઈપણ વિદ્યાર્થી કે યુવકને કામ આવે તેવી છે.

અધિકારી હિંમાશુ ત્યાગી કહે છે, ‘એકાકીપણું અનેક પ્રકારની શારીરિક તેમજ માનસિક વ્યાધિઓ લાવે છે. જેમ કે, ચિંતા તેમજ વિષાદને કારણે માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. તો શારીરિક સમસ્યાઓમાં હૃદય રોગ, સ્ટ્રોક અને સમયથી પહેલાં મૃત્યુનો ભય વધી શકે છે. અન્ય ખતરાઓ વિશે જાણીએ તો અજાણતાં જ પોતાના સ્ટ્રેસમાં ખોવાયેલા રહેવું સમાજમાં ના ભળવું અને આમ સમાજથી છૂટા પડી જવું, સામાજિક ગતિવિધિઓથી છેટા રહેવું. આ બધું અજાણપણે પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.’

તેમણે એક્સ પર લખ્યું છે. ‘1 વર્ષ જેઈઈની તૈયારીમાં + આઈઆઈટીમાં 4વર્ષ + પાછલી નોકરીઓમાં 6 વર્ષ, આટલા વર્ષ હું ઘરથી દૂર એકદમ એકલો હતો. મારા ગાઢ મિત્રો પણ બહુ ઓછા હતા, મારી કોઈ ગર્લફ્રેન્ડ પણ નહોતી. એમ કહું તો ચાલે કે, એકાકીપણા સાથે જ મારો ગાઢ સંબંધ બંધાઈ ગયો હતો. હું બહુ જ એકલો થઈ ગયો હતો.’

હિમાંશુ ત્યાગી કહે છે, ‘લોકોએ શીખવાની જરૂર છે કે, એકલા કઈ રીતે ખુશ રહેવું અને દરેક વખતે બીજા પર નિર્ભર ના રહેવું. જ્યારે આપણે લોકો સાથે હોઈએ છીએ, ત્યારે આપણે ખુશ રહીએ છીએ. પરંતુ એ જ લોકો જ્યારે સાથ છોડીને જાય છે, ત્યારે આપણે અંદરથી તૂટી જઈએ છીએ. આપણે સામાજિક સંબંધ રાખવા જરૂરી છે. પરંતુ દરેક વખતે આપણી આસપાસના લોકો સારા નથી પણ હોતા. તે સમયે આપણને ખબર હોવી જોઈએ કે એકલા રહીને ખુશ કઈ રીતે રહી શકાય.’ તેમણે બીજી વાત એ કહી કે, ‘પોતાના જ જીગરી દોસ્ત બનો. જે માટે તેઓ ઉદાહરણ આપે છે કે, વ્યક્તિએ સમય વિતાવવા માટે એકલા ટહેલવાનો આનંદ ઉઠાવવો જોઈએ. જેમાં તમે જ તમારી કંપની મેળવો છો અને આનંદિત રહી શકો છો.’

‘અમુક વાસ્તવિક સંબંધોને તમારો સમય આપો કે, જ્યાં તમે નિશ્ચિંત થઈને તમારી બધી ચિંતાઓને મુક્તમને ઠાલવીને હળવી કરી શકો છો. તે પણ કોઈ આલોચનાનો સામનો કર્યા વિના. જેમ કે, તમારા માતા-પિતા, ભાઈ-બહેન. આ માટે ફક્ત એક ફોન કૉલ પર્યાપ્ત છે, તમારી ચિંતા હળવી કરવા માટે.’ તેમણે બીજું સૂચન કર્યું છે કે, ‘લોકોએ જર્નલિંગની આદત પણ વિકસિત કરવી જોઈએ કે, જ્યાં તેઓ લખી શકે. પોતાની ચિંતાઓ, પોતાના વિચિત્ર વિચારોને લખીને આ વિચારોને શાંત કરી શકે.’

તેમણે આ પોસ્ટ સમાપન કરતાં લખ્યું, ‘વ્યક્તિએ ભગવાન સાથે તાદાત્મ્ય રાખવું પણ જરૂરી છે. તેમની સાથે જોડાવું જોઈએ. એકલા હોવ ત્યારે પરમ સાથે જોડાવાનો પ્રયત્ન કરો. તમારા અસ્તિત્વને લઈને ઊંડાણથી પ્રશ્ન પૂછો. દરેક સમયે ઈશ્વર સાથે જોડાઈ રહેવા માટે સાધના વિકસિત કરો. જીવનમાં ઉપલબ્ધ દરેક વસ્તુ માટે તેમનો આભાર માનો. તો તમને જરાપણ એકલવાયાપણાનો અનુભવ નહીં થાય.’

તેમની પોસ્ટ રજૂ થયા બાદ તેને પાંચ હજારથી વધુ લાઈક્સ મળી છે. જેમાં અમુક યુઝરની કમેન્ટ્સ પણ જાણવા જેવી છે. એક યુઝરે લખ્યું, ‘એકલા રહેવાથી માનસિક સ્વાસ્થ્ય બગડી શકે છે. મારા હિસાબે પોતાની જાતને સારા મિત્રો તેમજ સારા વાતાવરણથી ઘેરાયેલી રાખવી જોઈએ. જેથી તમને સહેલાઈથી અને ખુશીથી આગળ વધવાનો ઉત્સાહ મળશે.’

અન્ય લખે છે, ‘જ્યારે તમે લાંબો સમય સુધી અલગ અને એકલા રહો છો ત્યારે તમે તમારી પોતાની જ કંપની ઝંખો છો અને પોતાને પ્રેમ કરવાનું શરૂ કરી દો છો. એટલે સુધી કે, તમારું લોકો સાથે વાતચીત કરવું કઠિન બની જાય છે. તમે પારિવારિક સમારંભો કે પાર્ટીઓમાં જવાનું ટાળો છો. ઉપરાંત લગ્ન કરવાનું તો બહુ જ મુશ્કેલ બની જાય છે. કેમ કે, તમે એકલવાયાપણાથી ટેવાઈ ગયા હોવ છો.’ ત્રીજા યુઝરે લખ્યું, ‘અદ્ભુત પોસ્ટ હિમાંશુ, આ બધું જીવનમાં વ્યક્તિના દૃષ્ટિકોણને લઈને છે. એકલવાયાપણું ભયાનક પણ હોઈ શકે છે અને સુંદર પણ હોઈ શકે છે.’

કેજરીવાલ બાદ હવે ધરપકડ થશે ઉદ્ધવ ઠાકરેનીઃ રાણે

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનથી પહેલાં ભાજપના એક વરિષ્ઠ નેતાએ હવે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેની ધરપકડની ચેતવણી આપી છે. દિલ્હીની આબકારી નીતિ ભ્રષ્ટાચારના મામલામાં મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ પછી હવે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ CM ઉદ્ધવ ઠાકરેની જેલ જવાનો વારો છે, એમ નારાયણ રાણેએ કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે કેજરીવાલ પછી ઉદ્ધવ ઠાકરે જેલમાં જઈ શકે છે. ઉદ્ધવ ઠાકરે સામેના ભ્રષ્ટાચારના કેસોનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે મની લોન્ડરિંગ કેસ, દિશા સાલિયાન કેસ, સુશાંત સિંહ આત્મહત્યા કેસ, મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટાચાર સહિતના ઘણા મુદ્દા છે. આ મુદ્દાઓ ટૂંક સમયમાં ઠાકરેને જેલમાં મોકલી શકે છે.મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણી વચ્ચે શિવસેના (UBT) પ્રમુખ અને ભાજપના ઉમેદવારો પ્રચારમાં વ્યસ્ત છે. આ દરમિયાન નારાયણ રાણેએ ઉદ્ધવ ઠાકરે પર પ્રહારો કર્યા છે. કણકવલીમાં થનારી ઉદ્ધવ ઠાકરેની સભાને લઈને રાણેએ મોટું નિવેદન આપ્યું છે.

ઉદ્ધવ ઠાકરે અઢી વર્ષ સુધી મુખ્ય મંત્રી રહ્યા પરંતુ કંઈ કરી શક્યા નહીં. મેં આ જિલ્લામાં મેડિકલ કોલેજ લાવીને ઘણા લોકોને રોજગારી આપી છે. હવે ઉદ્ધવ ઠાકરે લગભગ 65 વર્ષના છે અને ટૂંક સમયમાં નિવૃત્ત થશે. મેં તેમના માટે કનકવલીમાં વૃદ્ધાશ્રમ બનાવ્યો છે. ટૂંક સમયમાં તેને વૃદ્ધાશ્રમમાં મોકલવામાં આવશે.

હું બોલતો નથી, કરીને બતાવું છું. જો હું અહીં કંઈક કહીશ તો તે પુરાવો બની જશે. રાજ ઠાકરેના વખાણ કરતાં તેમણે કહ્યું હતું કે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેમાં તફાવત છે. રાજ ઠાકરે મિત્રતાના હકદાર છે, જ્યારે કેજરીવાલ બાદ ઉદ્ધવ ઠાકરે જેલમાં જઈ શકે છે.

 

 

 

 

 

નવસારી: નવો વિક્રમ સર્જાશે?

નવસારી: દેશમાં દાંડી અને મીઠા સત્યાગ્રહના નામે ઓળખાય છે. 2008માં થયેલા નવા સિમાંકન બાદ નવસારી લોકસભા બેઠક અમલમાં આવી છે. આ અગાઉ નવસારી જિલ્લાનો વલસાડ લોકસભા બેઠકમાં સમાવેશ થતો હતો. ભાજપ માટે 2009થી આ બેઠક પર સી.આર. પાટીલ જીતતા આવ્યા છે. આ બેઠક પર કોળી સમાજની બહુમતિ છે. આ લોકસભા વિસ્તારમાં 22 રાજ્યના લોકો મતદાર હોવાથી નવસારી બેઠકને મીની ભારત પણ કહે છે. બેઠક પર સુરતના 60 અને નવસારીના 40 ટકા મતદારો છે.

ઉમેદવાર

ભાજપ- સી.આર.પાટીલ

ત્રણ ટર્મથી નવસારી લોકસભા બેઠક પરથી સાંસદ છે. પ્રથમ નોન ગુજરાતી ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ છે. પ્રદેશ પ્રમુખ તરીકે 156 બેઠક જીતવાનો રેકોર્ડ ધરાવે છે. લોકસભામાં સૌથી મોટી લીડથી જીતવાનો વિક્રમ પણ એના નામે બોલે છે. સુરતની ITIમાંથી અભ્યાસ કર્યો હતો. શરૂઆતમાં પોલીસ ખાતામાં નોકરી પણ કરી હતી. 1989માં તેઓ રાજકારણમાં આવ્યા હતા અને સુરતમાં કાશીરામ રાણા સાથે કામ કરતા રહ્યા હતા. 1995થી 1997 સુધી જી.આઈ.ડી.સી.ના ચેરમેન બન્યા હતા.

કોંગ્રેસ– નૈષધ દેસાઈ

નૈષધ દેસાઈ સ્વતંત્રતા સેનાનીના પરિવારમાંથી આવે છે. શ્રમિકોના હક્ક માટે તેઓ સતત લડતા આવ્યા છે. નૈષધ દેસાઇ કોંગ્રેસના વરિષ્ઠ પ્રવક્તા રહી ચૂક્યા છે. તેમણે M.S., L.L.B.નો અભ્યાસ કર્યો છે. તેમજ સિન્ડિકેટ સભ્ય પણ રહી ચૂક્યા છે. ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ ઈન ટુકના તેઓ ગુજરાતના ચેરમેન રહી ચૂક્યા છે. અગાઉ 2014માં સુરત બેઠક પરથી દર્શના જરદોષ સામે ચૂંટણી લડ્યા હતા અને હારી ગયા હતા.

મતદારોની સંખ્યા

કુલ મતદાતા – 21,98,009

મહિલા મતદાતા – 11,83,801

પુરુષ મતદાતા – 10,14,100

PROFILE

– 2019ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સી. આર.પાટીલે  6,89,668ની રેકોર્ડબ્રેક લીડથી જીત હાંસલ કરી હતી.

– આ લોકસભા બેઠક પર સાત વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જેમાં લિંબાયત, ઉધના, મજુરા, ચોર્યાસી, જલાલપોર, નવસારી અને ગણદેવીનો સમાવેશ થાય છે.

 

વિધાનસભા સ્થિતિ

બેઠક ઉમેદવાર પક્ષ વોટ લીડ
ઉધના મંગુ પટેલ ભાજપ 93,999 69,896
ચોર્યાસી સંદિપ દેસાઈ ભાજપ 2,36,033 1,86,418
મજુરા હર્ષ સંઘવી ભાજપ 1,33,335 1,16,675
નવસારી રાકેશ દેસાઈ ભાજપ 1,06, 875 72,313
જલાલપોર આર.સી. પટેલ ભાજપ 1,06,244 68,699
ગણદેવી(ST) નરેશ પટેલ ભાજપ 1,31,116 93,166
લિંબાયત સંગીતા પટેલ ભાજપ 95,696 58,009

વિશેષતા

  • નવસારીને દેશમાં દાંડી અને મીઠા સત્યાગ્રહના નામે ઓળખે છે.
  • નવસારી બેઠક પહેલાં સુરત લોકસભા બેઠકનો ભાગ હતી
  • બેઠક પરથી પ્રથમ બિન-કોંગ્રેસી વડાપ્રધાન મોરારજી દેસાઈ જીત્યા હતા.
  • છેલ્લાં 35 વર્ષથી ભાજપની આ બેઠક પર પકડ છે
  • 1989માં સૌપ્રથમ વખત કાશીરામ રાણાએ ભાજપને જીત અપાવી હતી.
  • બેઠક પર ભારે લીડથી ભાજપના ઉમેદવાર જીતતા આવ્યા છે.
  • બેઠક પર અનેક મોટા ઉદ્યોગો આવેલાં છે, જેના કારણે સ્થળાંતરિત શ્રમિકો મોટી સંખ્યામાં છે.

કોંગ્રેસ જીતશે, તો PM કોણ બનશે? : અમિત શાહ

લોકસભા ચૂંટણીના છેલ્લી ઘડીના પ્રચારમાં ભાજપ અને કોંગ્રેસ એડીચોટીનું જોર લગાડી રહી છે. એક બાજુ પ્રિયંકા ગાંધી બનાસકાંઠામાં જનસંભાને સંબોધન કર્યું હતું. ત્યારે બીજી બાજુ અમિત શાહે છોટાઉદેપુરના બોડેલી બાદ વાંસદામાં જનમેદનનીને સંબોધન કર્યું હતું. બંને સભા પર ગજાવતા કોંગ્રેસ પર આકરા પ્રહાર કરવા સાથે કોંગ્રેસ પાસે નેતા ન હોવાનું પણ કહ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રીએ કોંગ્રેસ પાર્ટીને આદિવાસીવિરોધી પાર્ટી ગણાવી હતી.

છોટાઉદેયપુરમાં શું બોલ્યા અમિત શાહ

આપણી સામે કોંગ્રેસ અને INDIA ગઠબંધન ચૂંટણી લડી રહ્યું છે, ત્યારે તે જીતવાના તો છે નહીં, પરંતુ ભગવાન ન કરે અને તે જીતી જાય તો છોટાઉદેપુરની જનતાને પુંછવા માંગુ છું કે, વડાપ્રધાન પ્રધાન કોણ બનશે. અમારો તો ચોખ્ખો હિસાબ છે કે, ભાજપ જીતશે એટલે મોદી સાહેબ વડાપ્રધાન બનશે.

આ સાથે જ તેમણે કહ્યું કે અરે અકલના ઓથમિરો આ ભાગીદારી નથી, દેશ ચલાવવાનો છે. હુલબાબા એન્ડ કંપની કહે છે કે, મોદી વડાપ્રધાન બનશે તો અનામત જતી રહેશે. ભાજપે 400 પારનો નારો અનામત છીનવી લેવા માટે આપ્યો છે. અને રાહુલ બાબ કોઈ સલાહ કાર તો સારા રાખો, 2014માં ભાજપ પાસે બહુમતી હતી, 2019માં પણ બહુમતી હતી પરંતુ નરેન્દ્રભાઈએ SC,ST, OBCની અનામત હટાવવાનું કામ નથી કર્યું. શાહે ગેરેન્ટી આપતા કહ્યું કે, જ્યા સુધી ભાજપ સરકાર છે ત્યા સુધી અનામતને કોઈને હાથ લગાવવાનો કોઈને અધિકાર નથી.

વાસંદામાં શું બોલ્યા શાહ?

જન સંબોધનની શરૂઆત કરતા અમિત શાહ બોલ્યા “ધવલ પટેલ માટે તમે ધોમધખતા તાપમાં ભેગા થયો છે એ બદલ હું તમારો ખુબ ખુબ આભાર માનું છું” વધુમાં તેમણે કહ્યું કોંગ્રેસ પાર્ટી આદિવાસી વિરોધી પાર્ટી છે. 1998 સુધી દેશમાં આદિવાસી કલ્યાણ મંત્રાલય નહોતું. અલટ બિહારી વાજપેયી પ્રધાનમંત્રી બન્યા તો આદિવાસી કલ્યાણ મંત્રાલય બનાવ્યું.. નરેન્દ્ર મોદીજીએ નર્મદામાં બિરસા મુંડા યુનિવર્સિટી બનાવી.

70-70 વર્ષ સુધી કોંગ્રેસ પાર્ટીએ અયોધ્યામાં રામ મંદિરને લટકતુ રાખ્યું. તમે 26 સીટો આપી તો 5 જ વર્ષમાં કેસ જીત્યો, મંદિર બનાવ્યું અને પ્રાણપ્રતિષ્ઠા પણ કરી. કોંગ્રેસ પાર્ટીને રામ જન્મ ભૂમીનું આણંત્રણ મોકલ્યું પણ કોઇ આવ્યું જ નહીં. એ એમની પેલી વોટ બેંકથી ડરે છે એટલે ન આવ્યા. નરેન્દ્રભાઇએ ખાલી રામ મંદિર નહીં પણ કાશી વિશ્વાનાથ કોરીડોર પણ બનાવ્યો, પાવાગઢ પર ધજા પણ ચડાવી.

એ ભાઇ-બેન બંને રાતના અંધારામાં જઇને રસી મુકાવી આવ્યા. એમની અફવાઓના કારણે ઘણા લોકોએ રસી ન લીધી અને જીવ ખોયો.. આ લોકો આદિવાસીઓના જીવ લેવા માંગે છે. ધવલ પટેલને આપેલો એક એક મત સીધો નરેન્દ્રભાઇને પહોંચશે એટલે કમળનું બટન દબાવવાનું ન ભૂલતા. ધવલ ભણેલો ગણેલો યુવાન છે. એન્જિયર હતો અને અમારા આઇ.ટી સેલમાં કામ કરતો હતો. રોજ નરેન્દ્રન મોદીનો પ્રચાર કરતો હતો. હવે તમારો વિકાસ ધવલ કરશે.

 

વરસાદી જળને બચાવવા સ્ટાર્ટઅપઃ 150 અબજ લિટર પાણીની બચત

નવી દિલ્હીઃ પ્લાસ્ટિક એન્જિનિયર અમિત દોશીનું સ્ટાર્ટઅપ નીરેન સરળતાથી ઇન્સ્ટોલ થનારું વરસાદી જળ સંચય (રેઇનવોટર હાર્વેસ્ટિંગ) ડિવાઇસ બનાવે છે, જે બોરવેલને રિચાર્જ કરીને ભૂજળની માત્રા અને ગુણવત્તામાં સુધારો લાવવામાં મદદ કરે છે. હાલમાં ભારતના જળ સંકટને ઓછું કરવામાં મદદ કરી રહ્યું છે.

46 વર્ષીય અમિત પરિવારને દૈનિક ધોરણે પાણીથી ઝઝૂમતા જોઈને મોટો થયો છે. તે તેનાં માતાપિતાની પાણીની જરૂરિયાત કઈ રીતે ઉકેલવી એના વિશે કાયમ વિચારતો. અમિતે સરકારી પોલિટેક્નિકથી પ્લાસ્ટિક એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું છે. તે કહે છે કે કલોલમાં આશરે 70 ટકા વસતિને પાણીની સમસ્યાથી ઝઝૂમવું પડ્યું છે. પાણીની તકલીફની સાથે મોટા થયેલા અમિતે પાણી વરસાદી પાણી બચાવવા માટે દ્રઢ સંકલ્પ કર્યો હતો.

નીરેનનો વિકાસ

કેન્દ્રીય જળ પંચના અનુસાર દેશમાં વર્ષેદહાડે 400 અબજ ઘન મીટર વરસાદ થાય છે અને માત્ર આઠ ટકા જ સંચય થાય છે. આ આંકડો વિશ્વમાં સૌથી ઓછો છએ. વરસાદી જળ સંચથી ઘરની 70 ટકા પામીની જરૂર પૂરી કરી શકાય છે. અમિતે એક સરળતાથી ઉપયોગમાં લેવાતા વરસાદી જળ સંચયની પ્રોડક્ટ બનાવવાનો સંકલ્પ કર્યો હતો. એક વર્ષ પછી સંશોધન અને વિકાસ પછી તેણે લોકોને વરસાદી જળ એકત્ર કરવામાં મદદ માટે એક ડિઝાઇન કર્યું જેનો ઉપયોગ બોરવેલને રિચાર્જ કરવા અને પાણી એકત્ર કરવા માટે કરી શકાય છે અને એને નીરેન રિનવોટર ફિલ્ટર નામ આપ્યું. આ નીરેનથી જૂન, 2023 સુધીમાં ત્રણ મહાદ્વીપોમાં ફેલાયેલા સાત દેશોમાં 150 અબજ લિટરથી વધુ વરસાદી જળ બચાવવામાં આવ્યું છે.

 

 

 

 

 

 

 

ફૂલોની આકર્ષક રંગોળીથી મતદાન કરવાની અપીલ કરાઈ

અમદાવાદ: લોકસભા ચૂંટણી-2024ને ગણતરીના કલાકો બાકી રહ્યાં છે ત્યારે મહતમ મતદાન થાય તે દિશામાં ચૂંટણી તંત્રની સાથે-સાથે અનેક સામાજિક સંસ્થાઓ, એસોસિએશન, એનજીઓ દ્વારા પણ વધુમાં વધુ મતદાન થાય તે દિશામાં પ્રયાસ હાથ ધરાયા છે.

અમદાવાદ જિલ્લાના સાણંદ શહેરના માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ‘મતદાન જાગૃતિ’નો વિશિષ્ટ રીતે સંદેશો અપાયો. માનવ સેવા ટ્રસ્ટ દ્વારા રસ્તા પર ફૂલોથી આકર્ષક રંગોળી સુશોભિત કરી દેશહિતમાં મતદાન કરવાની અપીલ કરવામાં આવી હતી. માનવ સેવા ટ્રસ્ટ સાથે જોડાયેલા સભ્યોએ હાથમાં ‘મતદાન જાગૃતિ’ અંગેના વિવિધ બેનર અને પોસ્ટર્સ લઈ મતદાન પર્વમાં સહભાગી થવાની અપીલ કરી હતી.આ અંગે માનવ સેવા ટ્રસ્ટના મનુભાઈ બારોટે જણાવ્યું કે, લોકશાહીના આ મહાપર્વમાં તમામ લોકોએ અવશ્ય મતદાન કરી પોતાનો નાગરિક ધર્મ પાળવો જોઈએ. આ ઉપરાંત પોતાના સ્વજનો અને મિત્રોને પણ મતદાન કરવા પ્રેરિત કરવા જોઈએ. અમારું ટ્રસ્ટ પણ આ દિશામાં છેલ્લા કેટલાય સમયથી કાર્યરત છે એમ તેમણે ઉમેર્યું હતું.આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા ગ્રામ્ય ચીફ નોડલ અધિકારી, પ્રાંત અધિકારી સાણંદ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, તાલુકા વિકાસ અધિકારી સાણંદ, તાલુકા શિક્ષણાધિકારી, તાલુકા શિક્ષણ સંધના હોદ્દેદારો, માનવ સેવા ટ્રસ્ટની ટીમ અને ડી. જી. પ્રાથમિક શાળાના શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.

કોંગ્રેસને મોટો ફટકો, અરવિંદર સિંહ લવલી ભાજપમાં જોડાયા

દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ અરવિંદર સિંહ લવલી વિશે અટકળો શરૂ થઈ હતી કે તેમનું આગળનું પગલું શું હશે, પરંતુ આજે આ અટકળોનો અંત આવ્યો છે. અરવિંદર સિંહ લવલી આજે ભાજપમાં જોડાઈ ગયા છે.  લવલીની સાથે કોંગ્રેસી નેતા રાજકુમાર ચૌહાણ, અમિત મલિક, ત્રણ વખતના ધારાસભ્ય નસીબ સિંહ અને નીરજ બૈસોયા પણ ભાજપમાં જોડાઈ ગયા છે.

લોકસભા ચૂંટણી પહેલા અરવિંદર સિંહ લવલીએ દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ પદ છોડી દીધું હતું. તેમણે રાજ્યના પ્રભારી દીપક બાબરિયા અને ઉમેદવારો ઉદિત રાજ, કન્હૈયા કુમાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. જો કે, ભાજપમાં જોડાવાના પ્રશ્ન પર લવલીએ કહ્યું હતું કે મેં અગાઉ પણ સ્પષ્ટતા કરી દીધી હતી અને મેં મારા રાજીનામા પત્રમાં પણ કહ્યું હતું કે જો મારે ક્યાંક જોડાવું હોય તો મને એક લીટીનો રાજીનામું પત્ર લખતા કોણ રોકી રહ્યું હતું. . મેં મારા રાજીનામાના પત્રમાં કારણો લખ્યા છે જેથી કદાચ તે સુધારી શકાય. લોકોને જે રીતે બહાર ફેંકવામાં આવે છે તેનાથી તમને દુઃખ ન થયું હોત તો તમે પદ કેમ છોડ્યું હોત? મને નાની પાર્ટીમાંથી બહાર ફેંકવામાં આવી રહ્યો હતો.

જો બિડેનને વિદેશ મંત્રી જયશંકરે બતાવ્યો અરીસો

ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે યુએસ પ્રમુખ જો બિડેનના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે જેમાં તેમણે ભારત અને જાપાનને ‘ઝેનોફોબિક’ દેશો કહ્યા છે. વિદેશ મંત્રી એસ જયશંકરે એક મુલાકાત દરમિયાન કહ્યું કે ભારતીય સમાજ હંમેશા અન્ય સમાજના લોકો માટે “ખુલ્લો” રહ્યો છે. કેન્દ્ર સરકારનો નાગરિકતા સુધારો કાયદો (CAA) મુશ્કેલીમાં રહેલા લોકો માટે દરવાજા ખોલે છે. એક અહેવાલ મુજબ અમેરિકી રાષ્ટ્રપતિએ ભારતની તુલના રશિયા અને ચીન જેવા દેશો સાથે કરી અને તેને ‘ઝેનોફોબિક’ દેશ ગણાવ્યો. ઝેનોફોબિક એટલે એવા દેશો કે જેઓ તેમના દેશમાં ઇમિગ્રન્ટ્સને બિલકુલ ઇચ્છતા નથી અથવા તેમની સામે ભયનું વાતાવરણ ઊભું કરવામાં આવે છે.

જાણો CAA પર જો બિડેને શું કહ્યું?

બુધવારે સાંજે એક કાર્યક્રમમાં એશિયન-અમેરિકન લોકો સાથે વાત કરતી વખતે યુએસ પ્રમુખ જો બિડેને કહ્યું હતું કે અમે ઇમિગ્રન્ટ્સનું સ્વાગત કરીએ છીએ. આશ્ચર્ય થાય છે કે ચીન આર્થિક રીતે આટલું ખરાબ કેમ અટવાયું છે? જાપાન શા માટે સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે? રશિયા શા માટે મુશ્કેલીમાં છે? ભારત શા માટે સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે? કારણ કે તેઓ ઝેનોફોબિક છે. તેઓ ઇમિગ્રન્ટ્સ ઇચ્છતા નથી.

 

જયશંકરે CAAનો વિરોધ કરનારાઓ પર નારાજગી વ્યક્ત કરી હતી

જયશંકરે ભારતના નવા નાગરિકતા સંશોધન કાયદાનો ઉલ્લેખ કરતા કહ્યું કે કેવી રીતે ભારત લોકોનું સ્વાગત કરી રહ્યું છે. તેમણે કહ્યું કે આ જ કારણ છે કે ભારતમાં CAA કાયદો છે જે મુશ્કેલીમાં રહેલા લોકોને ભારતીય નાગરિકતા આપવાનું કામ કરે છે. એસ જયશંકરે કહ્યું કે જેને આવવાની જરૂર છે અને આવવાનો અધિકાર છે તેને આવકારવા આપણે તૈયાર રહેવું જોઈએ. વિદેશ મંત્રી એસ જયશંકરે CAAનો વિરોધ કરનારાઓ પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે એવા લોકો છે જેમણે જાહેરમાં કહ્યું છે કે CAAને કારણે ભારતમાં 10 લાખ મુસ્લિમો તેમની નાગરિકતા ગુમાવશે.

પશ્ચિમી મીડિયાનો એક ભાગ ભારતને નિશાન બનાવે છેઃ જયશંકર

એસ જયશંકરે ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે આ દાવાઓ છતાં ભારતમાં કોઈએ તેમની નાગરિકતા ગુમાવી નથી. તેમણે કહ્યું કે પશ્ચિમી મીડિયાનો એક ભાગ વૈશ્વિક કથાને પોતાની રીતે ચલાવવા માંગે છે અને આ ક્રમમાં તે ભારતને નિશાન બનાવે છે. તેમણે કહ્યું કે આ એવા લોકો છે જેઓ માને છે કે તેમણે કથાને નિયંત્રિત કરવી જોઈએ.

પ્રિન્સિપાલે શિક્ષિકાની મોડા આવવા બદલ મારપીટ કરી, વિડિયો વાઇરલ

આગરાઃ સામાન્ય રીતે વિદ્યાર્થીઓની ભૂલ પર સ્કૂલના શિક્ષકો વિદ્યાર્થીઓ પર હાથ ઉપાડતા હોય છે, એ સામાન્ય બાબત છે, પણ મોડા આવવા બદલ સ્કૂલના પ્રિન્સિપાલ ટીચરને મારે એ નવી ઘટના છે.  ઉત્તર પ્રદેશની એક સ્કૂલમાં પ્રિન્સિપાલ દ્વારા અન્ય ટીચરને પીટવાનો એક વિડિયો સામે આવ્યો છે. હાલમાં જ UPની એક સ્કૂલમાં પ્રિન્સિપાલે ફેશિયલ કરતાં પકડી હતી, જે પછી તેણે વિડિયો બનાવતાં શિક્ષિકાને બચકું ભરી લીધું હતું.

આ ઘટનાના કેટલાંક સપ્તાહ પછી હવે એક અન્ય સ્કૂલના પ્રિન્સિપાલને સ્કૂલમાં મોડા આવવા બદલ શિક્ષિકાની મારપીટ કરી હતી, જેનો વિડિયો અન્ય એક શિક્ષિકાએ ઉતારી લીધો હતો. આ વિડિયો સોશિયલ મિડિયા પર વાઇરલ થઈ ગયો હતો. આ કેસ આગરાનો છે.

આગરાના સીગના ગામની એક માધ્યમિક સ્કૂલની પ્રિન્સિપાલે શિક્ષિકા ગુંજન ચૌધરીની સાથે મારપીટ કરવાનો વિડિયો સામે આવ્યો છે. એના પર મારપીટ દરમ્યાન કપડાં ફાડવાના પ્રયાસ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. એ દરમ્યાન પ્રિન્સિપાલે એ પ્રોજેક્ટ કરવાનો પ્રયાસ કર્યો કે શિક્ષિકે તેમને પકડ્યા છે. પ્રિન્સિપાલના ડ્રાઇવરે પહેલાં બને જણને અલગ કરવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ ત્યાર બાદ તે પણ શિક્ષિકાની સાથે મારપીટ કરતા નજરે ચઢ્યા હતા.

એક મહિલા શિક્ષિકાએ આ ઘટનાને ફોનના કેમરામાં કેદ કરી લીધી હતી. આ વિડિયો દરમ્યાન શિક્ષિકાને ઇજા પણ થઈ હતી.