ICC મહિલા T-20 વર્લ્ડ કપ 2026માં ભારત અને બાંગ્લાદેશની મહિલા ટીમો વચ્ચે ઇંગ્લેન્ડના મેન્ચેસ્ટર સ્થિત એમિરેટ્સ ઓલ્ડ ટ્રેફર્ડ સ્ટેડિયમમાં મુકાબલો ખેલાયો હતો. આ હાઈ-વોલ્ટેજ મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઓલરાઉન્ડ પ્રદર્શનના જોરે બાંગ્લાદેશને પરાજય આપીને સેમિફાઇનલની ટિકિટ લગભગ પાકી કરી લીધી છે. બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ ભારતીય બોલરો અને બેટર્સના શાનદાર પ્રદર્શન સામે તેમનો આ નિર્ણય ખોટો સાબિત થયો હતો.

બાંગ્લાદેશે બનાવ્યો 136 રનનો સન્માનજનક સ્કોર
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની મહિલા ક્રિકેટ ટીમની શરૂઆત ખૂબ જ નબળી રહી હતી. ઓપનર દિલારા અખ્તર માત્ર 4 રન બનાવીને પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. જો કે, ત્યારપછી બીજી ઓપનર જુઆરિયા ફિરોઝે 33 રનની લડાયક ઇનિંગ રમીને દાવને સંભાળ્યો હતો. તેને સાથ આપતા સોભના મોસ્તરીએ પણ 22 રનનું યોગદાન આપ્યું હતું. બાંગ્લાદેશી કેપ્ટન નિગાર સુલ્તાનાએ પણ ટીમ માટે મહત્વના 32 રન જોડ્યા હતા. આ ખેલાડીઓ સિવાય મિડલ ઓર્ડર કે લોઅર ઓર્ડરનો કોઈ પણ બેટર મોટો સ્કોર બનાવી શક્યો નહીં. જેના કારણે બાંગ્લાદેશની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 136 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી ઘાતક બોલિંગ કરતા સ્પિનર રાધા યાદવે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત શ્રી ચરણીએ શાનદાર લાઈન-લેન્થ સાથે 2 વિકેટ પોતાના નામે કરી હતી. જ્યારે સ્ટાર બોલર રેણુકા સિંહ ઠાકુર અને નંદિની શર્માને પણ 1-1 વિકેટ સફળતા મળી હતી.
શેફાલી વર્માની તોફાની ઇનિંગ, 16.5 ઓવરમાં ભારતની જીત
બાંગ્લાદેશ તરફથી મળેલા 137 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમને સારી શરૂઆત મળી હતી. જો કે, વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાના સસ્તામાં એટલે કે માત્ર 8 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. પરંતુ ત્યાર બાદ ઓપનર શેફાલી વર્માએ મેદાનની ચારેબાજુ શોર્ટ્સ ફટકારીને બાંગ્લાદેશી બોલરોની લાઇન-લેન્થ બગાડી નાખી હતી. શેફાલીએ માત્ર 34 બોલનો સામનો કરીને 53 રનની તોફાની અર્ધસદી ફટકારી હતી.
શેફાલી વર્માને મધ્યક્રમમાં વિકેટકિપર બેટર યાસ્તિકા ભાટિયાનો સારો સાથ મળ્યો હતો, જેણે 23 રન બનાવ્યા હતા. ત્યારબાદ જેમિમા રોડ્રિગ્સે પણ ઉપયોગી 26 રનની ઇનિંગ રમીને મેચ ભારતની તરફેણમાં લાવી દીધી હતી. ભારતીય મહિલા ટીમે માત્ર 16.5 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 137 રનનો લક્ષ્યાંક ખૂબ જ આસાનીથી પ્રાપ્ત કરી લીધો હતો. આ ધમાકેદાર જીત સાથે જ ટીમ ઈન્ડિયા હવે ટૂર્નામેન્ટના સેમિફાઇનલ સ્ટેજની અત્યંત નજીક પહોંચી ગઈ છે.

