કેજરીવાલ બાદ હવે ધરપકડ થશે ઉદ્ધવ ઠાકરેનીઃ રાણે

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનથી પહેલાં ભાજપના એક વરિષ્ઠ નેતાએ હવે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેની ધરપકડની ચેતવણી આપી છે. દિલ્હીની આબકારી નીતિ ભ્રષ્ટાચારના મામલામાં મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ પછી હવે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ CM ઉદ્ધવ ઠાકરેની જેલ જવાનો વારો છે, એમ નારાયણ રાણેએ કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે કેજરીવાલ પછી ઉદ્ધવ ઠાકરે જેલમાં જઈ શકે છે. ઉદ્ધવ ઠાકરે સામેના ભ્રષ્ટાચારના કેસોનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે મની લોન્ડરિંગ કેસ, દિશા સાલિયાન કેસ, સુશાંત સિંહ આત્મહત્યા કેસ, મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટાચાર સહિતના ઘણા મુદ્દા છે. આ મુદ્દાઓ ટૂંક સમયમાં ઠાકરેને જેલમાં મોકલી શકે છે.મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણી વચ્ચે શિવસેના (UBT) પ્રમુખ અને ભાજપના ઉમેદવારો પ્રચારમાં વ્યસ્ત છે. આ દરમિયાન નારાયણ રાણેએ ઉદ્ધવ ઠાકરે પર પ્રહારો કર્યા છે. કણકવલીમાં થનારી ઉદ્ધવ ઠાકરેની સભાને લઈને રાણેએ મોટું નિવેદન આપ્યું છે.

ઉદ્ધવ ઠાકરે અઢી વર્ષ સુધી મુખ્ય મંત્રી રહ્યા પરંતુ કંઈ કરી શક્યા નહીં. મેં આ જિલ્લામાં મેડિકલ કોલેજ લાવીને ઘણા લોકોને રોજગારી આપી છે. હવે ઉદ્ધવ ઠાકરે લગભગ 65 વર્ષના છે અને ટૂંક સમયમાં નિવૃત્ત થશે. મેં તેમના માટે કનકવલીમાં વૃદ્ધાશ્રમ બનાવ્યો છે. ટૂંક સમયમાં તેને વૃદ્ધાશ્રમમાં મોકલવામાં આવશે.

હું બોલતો નથી, કરીને બતાવું છું. જો હું અહીં કંઈક કહીશ તો તે પુરાવો બની જશે. રાજ ઠાકરેના વખાણ કરતાં તેમણે કહ્યું હતું કે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેમાં તફાવત છે. રાજ ઠાકરે મિત્રતાના હકદાર છે, જ્યારે કેજરીવાલ બાદ ઉદ્ધવ ઠાકરે જેલમાં જઈ શકે છે.