સરળ પ્રક્રિયાથી મળશે લાયસન્સ, જાણો RTOના નવા નિયમો..

નવી દિલ્હીઃ નવું ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાની તૈયારી કરી રહેલા લોકો માટે સારા સમાચાર છે. ડ્રાઇવિંગ લાયસન્સનો નવો નિયમ 1 જૂનથી અમલમાં આવી રહ્યો છે. હવે લોકોએ RTOમાં ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરવાની જરૂર રહેશે નહીં. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે નવા નિયમો જાહેર કર્યા છે.

 લાયસન્સ અરજદાર હવે RTOને બદલે સરકાર દ્વારા અધિકૃત ખાનગી ડ્રાઇવિંગ તાલીમ કેન્દ્રમાં તેમની ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકે છે. આ કેન્દ્રો લાયસન્સ પાત્રતા માટે પરીક્ષણો લેશે અને પ્રમાણપત્રો આપશે. જેનાથી અરજદારને સરળ પ્રકિયાથી લાયસન્સ મળી શકે.

પ્રદૂષણ ઘટાડવા માટે, મંત્રાલયે લગભગ 9,00,000 જૂના સરકારી વાહનોને તબક્કાવાર રીતે દૂર કરવાની અને કડક કાર ઉત્સર્જન નિયમો લાગુ કરવાની યોજના બનાવી છે. આ ઉપરાંત હવે સ્પીડમાં વાહન ચલાવવા માટેનો દંડ રૂ. 1,000 થી રૂ. 2,000 સુધીનો રાખવાનું નક્કી કર્યું છે. જો કે, જો કોઈ સગીર વાહન ચલાવતા પકડાશે તો 25,000 રૂપિયાનો ભારે દંડ ફટકારવામાં આવશે. સાથે જ વાહન માલિકનું રજિસ્ટ્રેશન કાર્ડ રદ કરવામાં આવશે અને સગીર 25 વર્ષનો ન થાય ત્યાં સુધી તેને લાઇસન્સ મળશે નહીં.

ત્યારે RTO એ ખાનગી ડ્રાઇવિંગ સ્કૂલો માટે પણ નવા નિયમો જાહેર કર્યા છે. જેમાં ડ્રાઈવિંગ સ્કૂલ ચલાવનાર પાસે વાહનોની તાલીમ માટે ઓછામાં ઓછી 1 એકર જમીન અને ભારે વાહનોની તાલીમ માટે 2 એકર જમીન હોવી જોઈએ. આ સાથે ડ્રાઇવિંગ શાળાઓએ સારી પરીક્ષણ સુવિધા પ્રદાન કરવી પડશે. ટ્રેનર પાસે હાઇસ્કૂલ ડિપ્લોમા, ડ્રાઇવિંગનો ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ અને બાયોમેટ્રિક્સ અને આઇટી સિસ્ટમનું જ્ઞાન હોવું જોઇએ.

લાઇટ મોટર વ્હીકલની તાલીમમાં 4 અઠવાડિયામાં 29 કલાક, જેમાં 8 કલાકની થિયરી અને 21 કલાકની પ્રેક્ટિકલનો સમાવેશ થશે. હેવી મોટર વ્હીકલમાં 6 અઠવાડિયામાં 38 કલાક, જેમાં 8 કલાકની થિયરી અને 31 કલાકની પ્રેક્ટિકલ તાલીમનો સમાવેશ થશે.

લાયસન્સ માટે કેટલી ફી ચૂકવવી પડશે 

લર્નર લાયસન્સ ઇશ્યૂ કરવા માટેની ફીઃ રૂ. 150, લર્નર લાયસન્સ ટેસ્ટ ફી: રૂ. 50, ડ્રાઇવિંગ ટેસ્ટ ફીઃ રૂ. 300, ડ્રાઇવિંગ લાઇસન્સ ઇશ્યુ કરવાની ફી: રૂ. 200, ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ ઇશ્યુ: રૂ. 1,000, લાયસન્સમાં અન્ય વાહનો ઉમેરવાની ફીઃ રૂ. 500, ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુઅલ: રૂ. 200 (ગ્રેસ પીરિયડ પછી દર વર્ષે રૂ. 300 + રૂ. 1,000), ડ્રાઇવિંગ ઇન્સ્ટ્રક્શન સ્કૂલ માટે ડુપ્લિકેટ લાઇસન્સઃ રૂ 5,000 ચૂકવવાની રહેશે. જ્યારે ડ્રાઈવિંગ લાઈસન્સ માટે અરજદાર ઓનલાઈન પરીવહનની વેબસાઈડ પર અરજી કરી શકે છે. અરજદારો લાયસન્સની મંજૂરી માટે દસ્તાવેજો સબમિટ કરવા અને તેમની ડ્રાઇવિંગ કુશળતાનો ડેમો આપવા માટે તેમના સંબંધિત RTOની મુલાકાત પણ લઈ શકે છે.