હું પોલિગ્રાફ, નાર્કો ટેસ્ટ માટે તૈયાર છું : સ્વાતિ માલીવાલ

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીનાં રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે બિભવકુમાર પર લગાવવામાં આવેલા આરોપ પછી ઘણા ભાવુક થયાં હતાં. તેમણે કહ્યું હતું કે તેઓ આ લડાઈમાં પાછળ નહીં હટે.

તેઓ 13 મેએ સવારે નવ કલાકે CMને મળવા તેમના નિવાસસ્થાને ગયાં હતાં, ત્યારે ત્યાંના સ્ટાફે તેમને ડ્રોઇંગ રૂમમાં બેસાડ્યાં હતાં. એ સમયે બિભવકુમાર ત્યાં આવે છે અને કહ્યું કે કેજરીવાલ મળવા આવે છે અને એ પછી બિભવ રૂમમાં ઘૂસી આવ્યો હતો. મેં તેને કહ્યું કે કેજરીવાલ મને મળવા આવી રહ્યા છે, એટલામાં તે મારી સાથે મારપીટ કરવા લાગ્યો. તેણે મને સાત-આઠ થપ્પડ માર્યા હતા. જ્યારે મેં તેને ધક્કો મારવાના પ્રયાસ કર્યા, ત્યારે તેણે મારા પગ પકડી લીધા અને મને નીચે પાડી દીધી હતી. એ દરમ્યાન મારું માથું સેન્ટર ટેબલ સાથે ટકરાયું હતું. ત્યાર બાદ તેણે મને લાત મારવાનું શરૂ કર્યું હતું. મેં મદદ માટે બૂમાબૂમ કરી હતી, પણ કોઈ નહીં આવ્યું.

સ્વાતિ માલીવાલને જ્યારે પૂછવામાં આવ્યું કે તમને મારપીટ કોના નિર્દેશ પર કરવામાં આવી હતી, ત્યારે તેમણે કહ્યું હતું કે એ તપાસનો વિષય છે. હું તપાસમાં સહયોગ પણ કરી રહી છું.

તેમણે કહ્યું હતું કે હું કોઈને ક્લીનચિટ નથી આપી રહી. સત્ય તો એ છે કે મારી સાથે મારપીટ થઈ રહી હતી, ત્યારે કેજરીવાલ ત્યાં હાજર હતા. હું આ આખા ઘટનાક્રમ માટે મારો પોલીગ્રાફ ને નાર્કોટેસ્ટ માટે પણ તૈયાર છું, એમ તેમણે કહ્યું હતું.