ફૂલોની આકર્ષક રંગોળીથી મતદાન કરવાની અપીલ કરાઈ

અમદાવાદ: લોકસભા ચૂંટણી-2024ને ગણતરીના કલાકો બાકી રહ્યાં છે ત્યારે મહતમ મતદાન થાય તે દિશામાં ચૂંટણી તંત્રની સાથે-સાથે અનેક સામાજિક સંસ્થાઓ, એસોસિએશન, એનજીઓ દ્વારા પણ વધુમાં વધુ મતદાન થાય તે દિશામાં પ્રયાસ હાથ ધરાયા છે.

અમદાવાદ જિલ્લાના સાણંદ શહેરના માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ‘મતદાન જાગૃતિ’નો વિશિષ્ટ રીતે સંદેશો અપાયો. માનવ સેવા ટ્રસ્ટ દ્વારા રસ્તા પર ફૂલોથી આકર્ષક રંગોળી સુશોભિત કરી દેશહિતમાં મતદાન કરવાની અપીલ કરવામાં આવી હતી. માનવ સેવા ટ્રસ્ટ સાથે જોડાયેલા સભ્યોએ હાથમાં ‘મતદાન જાગૃતિ’ અંગેના વિવિધ બેનર અને પોસ્ટર્સ લઈ મતદાન પર્વમાં સહભાગી થવાની અપીલ કરી હતી.આ અંગે માનવ સેવા ટ્રસ્ટના મનુભાઈ બારોટે જણાવ્યું કે, લોકશાહીના આ મહાપર્વમાં તમામ લોકોએ અવશ્ય મતદાન કરી પોતાનો નાગરિક ધર્મ પાળવો જોઈએ. આ ઉપરાંત પોતાના સ્વજનો અને મિત્રોને પણ મતદાન કરવા પ્રેરિત કરવા જોઈએ. અમારું ટ્રસ્ટ પણ આ દિશામાં છેલ્લા કેટલાય સમયથી કાર્યરત છે એમ તેમણે ઉમેર્યું હતું.આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા ગ્રામ્ય ચીફ નોડલ અધિકારી, પ્રાંત અધિકારી સાણંદ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, તાલુકા વિકાસ અધિકારી સાણંદ, તાલુકા શિક્ષણાધિકારી, તાલુકા શિક્ષણ સંધના હોદ્દેદારો, માનવ સેવા ટ્રસ્ટની ટીમ અને ડી. જી. પ્રાથમિક શાળાના શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.