Home Blog Page 168

૨૧ માર્ચ ૨૦૨૬

એમેઝોન પ્રાઇમ વીડિયોએ ભવ્ય ઈવેન્ટમાં 30 સીરિઝ અને 19 ફિલ્મોની જાહેરાત કરી

2026ના વર્ષમાં OTT પ્લેટફોર્મ પર ઘણી બધી નવી વેબ સિરીઝ અને ફિલ્મો જોવા મળશે. ઘરે બેઠા મનોરંજન ઈચ્છતા દર્શકો માટે OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડિયોએ 2026 માટે તેનું રિલીઝ કેલેન્ડર બહાર પાડ્યું છે. એમેઝોન પ્રાઇમ વિડિયોએ 30 નવી ઓરિજિનલ વેબ સિરીઝ અને 19ફિલ્મોની સાથે અન્ય શોની જાહેરાત કરી છે.

મુંબઈમાં એક ભવ્ય ઈવેન્ટમાં એમેઝોન પ્રાઇમ વિડિયોએ 2026માં રિલીઝ થનારા પ્રોજેક્ટરની જાહેરાત કરી હતી. જેમાં બૉલિવૂડ સેલેબ્સે હાજરી આપી હતી.  કૂલ 55 સીરિઝ, ફિલ્મો અને શોની આ યાદીમાં ભારતીય ઓરિજિનલ કન્ટેન્ટની સાથે સાથે એમેઝોન MGM સ્ટુડિયો ઇન્ડિયા તરફથી થિયેટરલી રિલીઝ થયેલી ફિલ્મોના ડિજિટલ સ્ટ્રીમિંગ લાઇસન્સ પ્રાપ્ત ફિલ્મો પણ સામેલ છે. આમાં ‘પંચાયત સીઝન 5’, ‘ફર્ઝી સીઝન 2,’ ‘દુપહિયા 2,’ અને ‘ગ્રામ ચિકિત્સાલય 2,’ જેવા મુખ્ય નામો તેમજ ‘મિર્ઝાપુર’, ‘નાગઝિલા’, ‘રાખ’, ‘સિસ્ટમ’, અને ‘સુંદર પૂનમ’ જેવી ઓરિજિનલ OTT ફિલ્મોનો સમાવેશ થાય છે.

2026 ની શ્રેણીમાં ભારતની કેટલીક સૌથી લોકપ્રિય સીરિઝની નવી સીઝન પણ પરત ફરશે, જેમાં શાહિદ કપૂરની “ફર્ઝી સીઝન 2”, જિતેન્દ્ર કુમારની “પંચાયત સીઝન 5”, અનન્યા પાંડેની “કોલ મી બે સીઝન 2”, સ્પર્શ શ્રીવાસ્તવની “ટુ-વ્હીલર સીઝન 2”, સોનાક્ષી સિંહાની “રોર સીઝન 2” અને અમોલ પરાશરની “ગ્રામ ચિકિત્સાલય સીઝન 2″નો સમાવેશ થાય છે.

પ્રાઇમ વિડીયોના સ્લેટમાં હિન્દી, તમિલ અને તેલુગુમાં સ્ક્રિપ્ટેડ અને અનસ્ક્રીપ્ટેડ શો છે. વાર્તાઓ વિવિધ શૈલીઓનો સમાવેશ કરે છે, જેમાં રોમાંસથી લઈને નાટક, થ્રિલરથી લઈને ક્રાઈમ ડ્રામાનો સમાવેશ થાય છે. ઋત્વિક રોશન, આલિયા ભટ્ટ, કુણાલ ખેમુ અને પ્રીતિ ઝિન્ટા જેવા ઉદ્યોગના દિગ્ગજ કલાકારો પણ નિર્માતા તરીકે પદાર્પણ કરી રહ્યા છે.

આ નવી સીરિઝ અને ફિલ્મોમાં નિખિલ અડવાણીની ‘ધ રિવોલ્યુશનરીઝ’નો સમાવેશ થાય છે, જેમાં ભુવન બામ, રોહિત સરાફ, પ્રતિભા રાંતા અને ગુરફતેહ પીરઝાદા અભિનિત છે. વિજય વર્માની ‘મટકા કિંગ’, અલી ફઝલ અને સોનાલી બેન્દ્રેની ‘રાખ’, યામી ગૌતમની ‘નયી નવેલી’ અને સાન્યા મલ્હોત્રાની ‘સુંદર પૂનમ’ છે.

(તમામ તસવીરો: માનસ સોમપુરા)

પંજાબ સરકારે રાજસ્થાન પાસેથી 1.44 લાખ કરોડ રૂપિયા કેમ માગ્યા?

નવી દિલ્હીઃ પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માને જણાવ્યું છે કે તેમની સરકાર રાજસ્થાન પાસેથી 1.44 લાખ કરોડ રૂપિયાની માગ કરશે. મુખ્ય મંત્રી માનના જણાવ્યા મુજબ રાજસ્થાને વર્ષ 1960થી અત્યાર સુધી પંજાબમાંથી 18,000 ક્યુસેક પાણી લીધું છે અને તેના બદલામાં કોઈ ચુકવણી કરી નથી. મુખ્ય મંત્રી માનનો દાવો છે કે દેશની આઝાદી પહેલાં એક જૂના કરાર હેઠળ રાજસ્થાન આ પાણી માટે ચુકવણી કરતું હતું. હવે આ કરારની ફરી સમીક્ષા કરવાની માગ કરવામાં આવી છે. તેમના નિવેદન પછી નદીઓના પાણીના વહેંચણી અને ઐતિહાસિક કરારોને લઈને ચાલતો વિવાદ ફરી તેજ બનવાની શક્યતા છે.

 1920નો કરાર શો હતો?

1920માં બિકાનેર રિયાસત અને બ્રિટિશ શાસન હેઠળના અવિભાજિત પંજાબ વચ્ચે એક કરાર થયો હતો. બિકાનેરના મહારાજા ગંગા સિંહે ફિરોઝપુર હેડવર્ક્સમાંથી નીકળતી ગંગા નહેર મારફતે સતલજ નદીનું પાણી મેળવવાનો અધિકાર મેળવ્યો હતો. આ એક પ્રકારનો વ્યાવસાયિક (કોમર્શિયલ) કરાર હતો, જે બિકાનેર રિયાસત અને બ્રિટિશ શાસન વચ્ચે થયો હતો. આ કરાર હેઠળ 1960 સુધી પાણીના ઉપયોગ બદલ ચુકવણી કરવામાં આવતી રહી હતી.

1960માં શું બદલાયું?

1960માં ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધિ થયા બાદ સ્થિતિ બદલાઈ. આ સંધિ મુજબ ભારતને પૂર્વીય નદીઓ — સતલજ, બિયાસ અને રાવી —ના પાણીના ઉપયોગનો સંપૂર્ણ અધિકાર મળ્યો. ત્યાર બાદ ભારતે આંતરિક સ્તરે પાણીના વહેંચણી માટે નવી વ્યવસ્થા બનાવી. પંજાબના પૂર્વ ચીફ એન્જિનિયર (નહેર વિભાગ) અમરજિત સિંહ દુલ્લેતના જણાવ્યા મુજબ આ સમયગાળામાં રોયલ્ટી આધારિત સિસ્ટમ બંધ કરી દેવામાં આવી અને પાણીના વહેંચણીને આંતર-રાજ્યીય વહેંચણી તરીકે માનવામાં આવ્યું. ત્યારથી રાજસ્થાને પાણી માટે ચુકવણી કરવી બંધ કરી દીધી.

ઇન્દિરા ગાંધીના સમયમાં શું બદલાયું?

વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના સમયમાં 1981માં પંજાબ, હરિયાણા અને રાજસ્થાન વચ્ચે ત્રિપક્ષી કરાર થયો. તે સમયે ત્રણેય રાજ્યો અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી. આ કરાર મુજબ રાવી-બિયાસ નદીના પાણીની ફરી વહેંચણી કરવામાં આવી, જે 17.17 મિલિયન એકર ફૂટ (MAF) પાણીની ઉપલબ્ધતા આધારે નક્કી થઈ હતી. આમાં રાજસ્થાનને 8.6 MAF જેટલો સૌથી મોટો હિસ્સો મળ્યો. ત્યાર બાદ ઇન્દિરા ગાંધી નહેર પ્રોજેક્ટનો વિસ્તાર થયો, જે પંજાબના તરન તારન જિલ્લાના હરિકે બેરેજથી થાર રણ સુધી પાણી પહોંચાડે છે.

પશ્ચિમ બંગાળમાં અઘોષિત ઇમર્જન્સી અને રાષ્ટ્રપતિ શાસન જેવી સ્થિતિઃ CM મમતા

કોલકાતાઃ પશ્ચિમ બંગાળનાં CM મમતા બેનર્જીએ SIR  જેવી જ રીતે ચૂંટણી પંચની કામગીરીને એક સુનિયોજિત કાવતરાનો ભાગ ગણાવી છે અને તેને અસ્થિરતા, ગેરસમજ અને અયોગ્યતા તરીકે વર્ણવી છે. તેમના મત મુજબ આ બધાનો હેતુ સંસ્થાઓ મારફતે પશ્ચિમ બંગાળને નિયંત્રિત કરવાનો છે.

તેમનો દાવો છે કે ચૂંટણીના સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવે એ પહેલાં જ મુખ્ય સચિવ, ગૃહ સચિવ, ડીજીપી, એડીજી, આઈજી, ડીઆઈજી, જિલ્લા કલેક્ટર અને એસપી સહિત 50થી વધુ વરિષ્ઠ અધિકારીઓને એકતરફી અને મનસ્વી રીતે હટાવી દેવામાં આવ્યા છે.

તેમણે આરોપ લગાવ્યો છે કે લોકોનો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ ગયેલો ભાજપ હવે દબાણ, ભય અને સંસ્થાઓના દુરુપયોગ દ્વારા પશ્ચિમ બંગાળમાં સત્તા મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

 મમતાએ ચૂંટણી પંચને લખ્યો પત્ર

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલાં ટોચના બ્યુરોક્રેટ્સ અને IPS અધિકારીઓના અચાનક ટ્રાન્સફર મુદ્દે ચૂંટણી પંચની ટીકા કર્યા બાદ મુખ્ય મંત્રી મમતા બેનર્જીએ મુખ્ય ચૂંટણી પંચ જ્ઞાનેશકુમારને પત્ર લખીને ECIના કાર્ય પ્રત્યે ગંભીર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. મુખ્ય ચૂંટણી કમિશનરને લખાયેલા પોતાના આઠમા પત્રમાં બેનર્જીએ આરોપ લગાવ્યો કે પંચે શિસ્ત અને બંધારણીય મર્યાદાની તમામ હદો પાર કરી દીધી છે.

મુખ્યમંત્રીએ SIR પ્રક્રિયા શરૂ થયા પછીથી ચૂંટણી આયોગ પર પક્ષપાતપૂર્ણ વલણ અપનાવવાનો અને રાજ્ય સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ અવગણવાનો આરોપ મૂકતાં. લખ્યું હતું કે ચૂંટણી પંચના કાર્યથી હું સ્તબ્ધ છું. મારા મત મુજબ આ વર્તન શાલિનતા અને બંધારણીય યોગ્યતાની તમામ મર્યાદાઓ પાર કરે છે. પંચે સ્પષ્ટપણે પક્ષપાતપૂર્ણ વલણ અપનાવ્યું છે અને જમીન સ્તરની હકીકતો અથવા જનકલ્યાણની કોઈ ચિંતા દેખાતી નથી.

હવે ચૂંટણીની જાહેરાત પછી એ જ પંચ પશ્ચિમ બંગાળની બ્યુરોક્રસીનું પણ ‘SIR’ કરી રહ્યો છે, એટલે કે કેટલાક અધિકારીઓના બદલી આદેશ આપી રહ્યો છે, જેથી ચૂંટણી નિષ્પક્ષ અને હિંસામુક્ત રીતે યોજી શકાય. મમતા બેનર્જીને પહેલું SIR પણ પસંદ આવ્યું નહોતું અને હવે બીજું પણ પસંદ આવી રહ્યું નથી. વિધાનસભા ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ ચૂંટણી પંચ વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો અને મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. ચૂંટણીની જાહેરાત પછી હવે આ લડતનો બીજો અધ્યાય શરૂ થયો છે. અધિકારીઓના બદલી મુદ્દે મમતા બેનર્જીએ ચૂંટણી પંચને નવો પત્ર લખ્યો છે અને આ સ્થિતિને ‘અઘોષિત ઇમર્જન્સી’ તેમ જ ‘રાષ્ટ્રપતિ શાસન જેવી પરિસ્થિતિ’ સાથે સરખાવી છે.

PACL કૌભાંડ કેસઃ EDએ રૂ. 5046 કરોડની સંપત્તિ જપ્ત

નવી દિલ્હીઃ EDએ મોટા આર્થિક કૌભાંડ સાથે જોડાયેલા PACL લિ.. કેસમાં મોટી કાર્યવાહી કરી છે. EDએ રૂ. 5046.91 કરોડની કુલ 126 સંપત્તિઓ જપ્ત કરી છે. આ સંપત્તિઓ દિલ્હી અને પંજાબમાં સ્થિત છે. આ કેસ એક નકલી રોકાણ યોજનાથી સંબંધિત છે, જેમાં કંપનીએ લોકોને જમીન આપવાની લાલચ આપી દેશભરના લાખો રોકાણકારો પાસેથી અંદાજે રૂ. 48,000 કરોડ એકત્ર કર્યા હતા, પરંતુ મોટા ભાગના રોકાણકારોને ના તો જમીન મળી અને ના તેમના પૈસા પરત મળ્યા.

2014માં CBIએ શરૂ કરી હતી તપાસ

આ કૌભાંડની તપાસ 2014માં CBIએ શરૂ કરી હતી. ત્યાર બાદ EDએ મની લોન્ડરિંગ હેઠળ કેસ નોંધ્યો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે કંપનીએ અનેક ફેક કંપનીઓ અને કાગદી લેવડદેવડ દ્વારા પૈસાની હેરફેર કરી હતી.

અત્યાર સુધી રૂ. 22,000 કરોડથી વધુ સંપત્તિ જપ્ત

સુપ્રીમ કોર્ટે 2016માં રોકાણકારોના પૈસા પરત આપવા માટે એક કમિટી પણ રચી હતી. છતાં કંપનીની સંપત્તિઓની ગેરકાયદે વેચાણ અને ગોટાળા ચાલુ રહ્યા હતા. EDના જણાવ્યા મુજબ અત્યાર સુધી આ કેસમાં કુલ રૂ. 22,656 કરોડથી વધુની સંપત્તિઓ જપ્ત કરવામાં આવી છે. હાલ તપાસ ચાલુ છે.

 PACL કૌભાંડ શું છે?

PACL (Pearls Agrotech Corporation Limited) સ્કેમ ભારતની સૌથી મોટા નાણાકીય છેતરપિંડી અને પોન્ઝી સ્કીમ કેસોમાંની એક માનવામાં આવે છે. આ એક Collective Investment Scheme હતી, જેમાં PACLએ કૃષિ અને રિયલ એસ્ટેટ વિકાસને નામે રોકાણકારોને પૈસા ડબલ કરવાની અથવા જમીન આપવાની લાલચ આપી હતી.

 પોન્ઝી સ્કીમમાં કેવી રીતે થતો હતો કૌભાંડ

પ્રાપ્ત માહિતી મુજબ PACL કંપની પોન્ઝી સ્કીમ તરીકે કાર્યરત હતી, જેમાં નવા રોકાણકારોથી લેવામાં આવેલ પૈસા જૂના રોકાણકારોને ચુકવણી કરવા અને એજન્ટોને ભારે કમિશન આપવા માટે વપરાતા હતા. આ કૌભાંડ પાછળ પર્લ ગ્રુપના સ્થાપક નિર્મલ સિંહ ભંગુનું નામ સામે આવ્યું હતું, જેમનું ઓગસ્ટ, 2024માં નિધન થયું હતું.

ઘટતો આત્મવિશ્વાસ અને વાસ્તુનો પ્રભાવ

જેમ જેમ સુવિધાઓ વધતી જાય છે તેમ તેમ માણસની ધીરજ અને સહનશક્તિ ઘટતી જાય છે. એ ઉપરાંત મન વધુ આળું બનતું જાય છે. કોઈ જરાક કંઈ કહે તો સીધો સામે પ્રહાર કરવાની વૃત્તિ આવી રહી છે. કોઈ વખાણ કરે તો પણ શંકા થાય કે ક્યાંક વ્યંગ તો નથી ને? તેનો અર્થ એ કે માણસનો આત્મવિશ્વાસ ઘટી રહ્યો છે. આત્મવિશ્વાસ વિના જીવન શક્ય જ નથી. જો સામાન્ય વાતમાં પણ ભૂલો દેખાય કે અન્ય નકારાત્મક અર્થ દેખાય, તો પોતાની જગ્યાનું વાસ્તુ તપાસવું જરૂરી છે, કારણ કે આવી નકારાત્મકતા વ્યક્તિનું પોતાનું જ નુકસાન કરે છે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો નીચે આપેલા ઈમેઈલ પર પૂછો.

સવાલ: મને ક્યારેક જીવનલક્ષી પ્રયોગો કરવાની ટેવ છે. એક વાર મેં બધાને કારણ વિના “હેપી બર્થડે” લખ્યું, તો છેલ્લા બે વર્ષથી જે લોકો કંઈ જ બોલતા નહોતા, એમના પણ મેસેજ આવ્યા કે “આ શું હતું?” ત્યારબાદ મેં એમ જ એક વખાણ કરતો મેસેજ કર્યો, ત્યારે પણ આવું જ થયું. તો સવાલ ઉદ્ભવે છે કે શું લોકોને આપણી ભૂલોમાં જ રસ છે? આટલા સમયથી જે માહિતી આપતા મેસેજ જાય છે તેનું કંઈ નથી?

જવાબ: સ્વીકારવું એ શ્રેષ્ઠ ઘટના છે. લોકો તમને સ્વીકારી લીધા હોય એટલે એ દરરોજ વખાણ નથી કરતા. એમને વિશ્વાસ હોય છે કે તમે સારું જ બોલશો. એટલે વખાણ ન કરે, પરંતુ જ્યારે તમે કંઈક એવું કરો કે જેની અપેક્ષા ન હોય, ત્યારે તેઓ પૂછે — એ સ્વાભાવિક છે. એક સારી વાત એ છે કે લોકો તમને ધ્યાનથી સાંભળે છે. જો સાંભળતા ન હોય, તો સવાલ જ ન ઉદ્ભવે. તમે ખુશ થવાનું બદલે દુઃખી થાઓ છો. તમે જે કરો છો તે કરતા રહો. બધા જાણે છે કે તમે એમને ટાર્ગેટ કરીને નથી બોલતા — એ અગત્યનું છે.

સવાલ: તમે વાસ્તુના નિષ્ણાત છો, એવું સાંભળ્યું છે. તો મારા એક સવાલનો જવાબ આપો — છોકરો ભણતો ન હોય તો વાસ્તુમાં કયા ફેરફાર કરીએ?

જવાબ: સંતાન અભ્યાસ ન કરે એ માટે અનેક કારણો હોઈ શકે છે. તેના માટે એક આખું પુસ્તક લખાય એટલી વિગત છે.

તમારું બાળક પશ્ચિમના રૂમમાં પશ્ચિમમુખી બેસીને અભ્યાસ કરે છે, જેના કારણે તેને વાંચેલું યાદ નથી રહેતું. ઉપરાંત, તમારી પૂર્વ દિશાની દીવાલ કોમન દીવાલ છે. ગભરાઈને ઘર બદલવાની કે તોડફોડ કરવાની જરૂર નથી, કારણ કે ભારતીય વાસ્તુમાં તોડફોડનો નિષેધ છે.

તમારા ઘરના ઈશાન ખૂણાના રૂમમાં બાળકને પૂર્વમુખી બેસાડી અભ્યાસ કરાવો — ચોક્કસ ફાયદો થશે. ઉપરાંત, પૂર્વની દીવાલ પર લેમન યેલો (લીંબુ જેવો પીળો) રંગ કરાવો. બાળકને વહેલું ઉઠવાની ટેવ પાડો અને સૂતા પહેલા ટીવી જોવાનું બંધ કરાવો. આ બદલાવથી ચોક્કસ લાભ મળશે.

સૂચન: જે કામ પશ્ચિમ તરફ મુખ રાખીને કરવામાં આવે છે તેમાં ઇચ્છિત પરિણામ મળતા નથી અને અટકાવાની લાગણી થાય છે. તેથી આવી વ્યવસ્થા ટાળવી જોઈએ.

(આપના સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com )

ગાંધીનગરના ‘સ્પેરો મેન’ સમીરભાઈ રામીની પર્યાવરણ જતન માટે અનોખી પહેલ

ગાંધીનગર: તમે સુપરમેન, સ્પાઇડરમેન કે બેટમેન જેવા પાવરફુલ કેરેક્ટર્સને હંમેશા ટેલિવિઝન કે મોબાઈલ સ્ક્રીન પર દુનિયા બચાવતા જોયા હશે. સિનેમાના આ હીરો પાસે તો કાલ્પનિક શક્તિઓ છે, પરંતુ શું તમે જાણો છો આપણા પાટનગરમાં એક એવા ‘રિયલ લાઈફ હીરો’ છે, જેમની પાસે કોઈ સુપરપાવર નથી. છતાં તેઓ એક આખી પ્રજાતિને બચાવવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે!હા, તમે બરાબર વાંચ્યું! અમે વાત કરી રહ્યા છીએ ગાંધીનગરના “સ્પેરો મેન” તરીકે જાણીતા સમીરભાઈ રામીની.જ્યારે આધુનિક કોંક્રિટના જંગલો અને મોબાઈલ ટાવરોના રેડિયેશનમાં ચકલીઓનો મધુર કલરવ ખોવાઈ રહ્યો છે. ત્યારે સમીરભાઈએ પોતાના ‘હેપ્પી ચકલી ઘર’ અભિયાન દ્વારા આ નાનકડા પક્ષીઓને ફરીથી આપણા આંગણામાં લાવવાનું બીડું ઝડપ્યું છે. ૨૦ માર્ચ ‘વિશ્વ ચકલી દિવસ’ નિમિત્તે, પ્રકૃતિના આ સાચા સંરક્ષકની અનોખી સફર વિશે જાણવું ખરેખર પ્રેરણાદાયી છે.બાળપણની યાદોથી ‘સ્પેરો મેન’ સુધીની સફર

હેપ્પી હેલ્થ ક્લબના પ્રેરક સમીરભાઈ રામીનો પ્રકૃતિ અને અબોલ પક્ષીઓ પ્રત્યેનો આ લગાવ કંઈ આજકાલનો નથી. ગામડાની ધૂળની ડમરીઓ અને ઘરના મોભારે ચકલીઓના માળા જોતાં-જોતાં ઉછરેલા સમીરભાઈને જ્યારે શહેરીકરણ વચ્ચે ચકલીઓની ઘટતી સંખ્યા દેખાઈ, ત્યારે તેમનું હૃદય દ્રવી ઉઠ્યું. આ જ સંવેદનામાંથી વર્ષ ૨૦૧૬માં જન્મ થયો એક નાનકડી પહેલનો, જે આજે એક વટવૃક્ષ બની ગઈ છે. જ્યારે તેમણે શરૂઆત કરી ત્યારે તેમની સાથે આશરે ૧૫ જેટલાં સ્વયંસેવકો જોડાયેલા હતા અને આજે તેની સંખ્યા ૭૦ એ પહોંચી છે.હેપ્પી ચકલી ઘરની વિશેષતા એ છે કે, સામાન્ય માળા કરતાં અલગ, મજબૂત બનાવટ અને સુરક્ષિત પ્રવેશદ્વાર ધરાવતા ખાસ ડિઝાઇન કરેલા માળા છે.વર્ષ ૨૦૨૪માં ૬,૦૦૦ અને ૨૦૨૫માં ૧૦,૦૦૦થી વધુ ચકલી ઘરોનું વિતરણ કરી પર્યાવરણ જતનનો એક નવતર પ્રયોગ સમીરભાઈ કરી ચૂક્યા છે. જ્યારે આ વર્ષે તેઓએ આશરે ૧૨૦૦૦ ચકલી ઘર તૈયાર કર્યા છે.આ સિવાય નવી પેઢીને પ્રેરણા આપવા તેઓ શાળાઓમાં જઈને બાળકોને વેસ્ટમાંથી બેસ્ટ, નકામા ખોખામાંથી ચકલી ઘર બનાવવાની તાલીમ પણ આપે છે. સમીરભાઈ કહે છે કે, “ચકલી લુપ્ત નથી થઇ પરંતુ તે માત્ર આપણાંથી દૂર થઇ ગઈ છે. ચકલી આપણી આસપાસ જ છે, ચકલી ઘર યોગ્ય રીતે લગાડીએ અને નજીકમાં તેના માટે ચણ-પાણીની વ્યવસ્થા કરીએ તો ચકલી જરૂર આવે છે.તેઓ માત્ર ચકલી ઘર જ નહીં, પણ વૃક્ષારોપણ, પક્ષી રેસ્ક્યુ, રકતદાન, પક્ષીઓ માટે પાણીના કુંડાની વ્યવસ્થા અને વ્યસનમુક્તિ જેવી સામાજિક પ્રવૃત્તિઓમાં પણ અગ્રેસર છે‌‌.

ચૈત્ર મહિનામાં અલૂણાંનું મહત્ત્વ

ચૈત્ર મહિનાની શરૂઆત થઈ છે.  મહારાષ્ટ્રમાં ગુડી પડવાની ઉજવણી સાથે આ હિંદુ નવવર્ષની શરૂઆત થાય છે. વ્રત ઉપવાસના આ મહિનામાં આ સાથે નવરાત્રિ પણ શરૂ થાય છે. આ એ જ મહિનો છે જ્યારે અલૂણાં વ્રત કરાય છે. અલૂણાં એટલે કે મીઠા (નમક) વગરનો આહાર લેવો. એ વિશે આપણામાંથી ઘણાને માહિતી હશે જ, પરંતુ ક્યારેય એવું વિચાર્યું છે કે આખા વર્ષમાં ફક્ત આ ચૈત્ર મહિનામાં જ નમકની પરેજી શા માટે રાખવામાં આવે છે? આ જ મહિનામાં ઘણા લોકો લીમડાનાં પાનનો રસ પણ પીવે છે. કહેવાય છે કે આ દિવસોમાં લીમડાનાં પાનનો રસ પીવાથી આખું વર્ષ સ્વાસ્થ્ય સારું રહે છે. આ વાતમાં કેટલું તથ્ય છે?

ખરેખર જોવા જઈએ તો આપણી ભારતીય પરંપરા કોઈ આધુનિક વિજ્ઞાનથી લગીરે ઊતરતી નથી. જો કે આ હકીકત આપણે ત્યારે જ જાણી શકીએ જ્યારે આપણે આ બધી પરેજી તેમ જ આહારવિજ્ઞાનને જાણવાનો પ્રયત્ન કરીએ.

માર્ચ મહિનાથી લઈને એપ્રિલ સુધીનો સમયગાળો કે જે વખતે ચૈત્રી નવરાત્રિ કે અલૂણાં વ્રત આવે છે, એને અગર ઉનાળાની શરૂઆત સાથે એકરૂપ કરવામાં આવે તો સાયન્ટિફિક રીતે જાણી શકાય કે ઓછું નમક એ શરીરમાં આ સમયે ઉત્પ્ન્ન થતી વધુપડતી ગરમી તેમ જ ડિહાઈડ્રેશન સામે રક્ષણ આપે છે. વધુપડતું નમક શરીરનું તાપમાન વધારી શકે છે, જેને કારણે હીટ સ્ટ્રોકના ચાન્સ પણ વધે છે.

આ સમયે મીઠાનો નિયંત્રિત ઉપયોગ શરીરને ડિટોક્સિફાય (શરીરમાંથી હાનિકારક તત્ત્વોનો નિકાલ) કરવામાં મદદ કરે છે. આ એક એવી પ્રક્રિયા છે જે લોહી કે લીવરમાંથી હાનિકારક ટોક્સિન્સને દૂર કરીને શરીરને સ્વસ્થ અને શુદ્ધ બનાવે છે. આ એવો સમય છે કે જ્યારે ગરમીની શરૂઆત થતી હોવાને કારણે પિત્ત, ઍસિડિટી જેવી તકલીફો વધે છે. આથી જ આપણી પરંપરા મુજબ ઓછા મીઠાયુક્ત હળવો તેમ જ સાત્ત્વિક હોવાની સાથે ઠંડક પ્રદાન કરે એવો આહાર આ સીઝનમાં આયુર્વેદ દ્વારા સૂચવવામાં આવ્યો છે.

મીઠાનો ઉપયોગ ગરમીમાં ઓછો કરવાનાં મુખ્ય કારણોમાં સૌપ્રથમ તો છે ગરમી સામે રક્ષણ મેળવવું એટલે કે હીટ મૅનેજમેન્ટ. નમક શરીરમાં પ્રવાહી તથા ગરમી જાળવી રાખવાનું કામ કરે છે. આથી જ એનું પ્રમાણ ઘટાડવાથી હીટ સ્ટ્રોકની શક્યતા અને શરીરની અંદરના તાપમાનને વધતાં અટકાવી શકાશે. મીઠાનો નિયંત્રિત ઉપયોગ પાચન પણ સુધારી શકશે. ગરમીને કારણે પાણી ઓછું લેવાય તો આ સમયગાળા દરમિયાન પાચનને લગતી સમસ્યા પણ વધે છે. આથી જ ચૈત્ર માસમાં સાત્ત્વિક આહારને મહત્ત્વ આપવામાં છે, જેના દ્વારા બૉડી ડિટોક્સ થઈ શકે છે તેમ જ પાચન પણ સુધરે છે. સિંધવ નમક અથવા રૉક સૉલ્ટના નિયંત્રિત ઉપયોગથી કિડની પર પણ ઓછો ભાર લાગે છે.

ચૈત્ર મહિનામાં એટલે કે માર્ચ-એપ્રિલના સમય દરમિયાન લીમડાનાં પાનનો રસ સવારના સમયે ભૂખ્યા પેટે પીવાથી શરીરને અનેક ફાયદા મળી શકે છે. લીમડાનાં કૂણાં પાંદડાં અને એનાં નાનાં સફેદ રંગનાં ફૂલમાંથી રસ બનાવવામાં આવે છે. આ એક પારંપરિક આયુર્વેદિક આદત છે, જે શરીરમાં રહેલાં ઝેરી-હાનિકારક તત્ત્વોનો નિકાલ કરીને આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને શરીરનું તાપમાન ઘટાડે છે, જેથી ઠંડક પ્રદાન થાય છે. આ રસ આપણા શરીરમાંથી કફ, પિત્ત દોષ જેવી પાચનને લગતી સમસ્યા દૂર કરી શકે છે, ત્વચા ચોખ્ખી કરે છે તથા આ બદલાતી ઋતુમાં લીવરને એનું કાર્ય કરવામાં સહાય કરે છે. આ પ્રકારના રસનું સેવન ચૈત્ર માસની શરૂઆતથી લઈને લગભગ 10થી 15 દિવસ સુધી રોજ કરવાથી વર્ષ દરમિયાન હેલ્થ સારી રહે છે. સવારના સમયે આ રસ લીધા બાદ એક કલાક સુધી કાંઈ ખાવું નહીં. એની મદદથી સીઝનલ ઈન્ફેક્શન તેમ જ એલર્જી સામે રક્ષણ મળે છે અને મેટાબોલિઝમ સુધરે છે. આ કડવો, પણ ગુણકારી રસ લોહીના શુદ્ધીકરણમાં પણ ફાળો આપે છે. એટલે જ નવા વર્ષની શરૂઆતમાં હેલ્થ સારી રાખવા માટે કડવાશયુક્ત આયુર્વેદિક ઉપાય તરીકે લીમડાનો રસ અજમાવી શકાય.

ગરમીની શરૂઆતમાં શરીરને ઠંડું રાખવા માટે પ્રવાહી પૂરતા પ્રમાણમાં લેવું. મધ્યાહ્ન પહેલાં નાળિયેરપાણીમાં તુલસીનાં બીજ નાખીને લઈ શકાય. બપોરના જમવામાં દહીં કે છાશનો ઉપયોગ ચોક્કસ કરવો, જેમાં તાજાં શેકાયેલાં જીરુંનો ભૂકો ઉમેરવો, જે આપણને ઠંડક તો આપે જ છે, સાથે સાથે પાચનમાં મદદ કરે છે. સાંજના સમયે અથવા રાત્રે જમવાની સાથે કેળાં લઈ શકાય, કારણ કે કેળાં પણ પેટને લગતી સમસ્યા નિવારનાર તેમ જ ઠંડક પ્રદાન કરનાર છે. સોડિયમ તેમ જ પોટેશિયમ જેવાં સત્ત્વો સારા પ્રમાણમાં રહેલાં હોવાથી કેળાં શરીરના ઈલેક્ટ્રોલાઈટ્સનું સંતુલન જાળવવા પણ ઉપયોગી છે. ગરમીમાં ઈલેક્ટ્રોલાઈટનું અસંતુલન થવાના ચાન્સ વધુ રહે છે. તો આ સીઝનમાં નમકનો ઉપયોગ ઘટાડવો જરૂરી છે એટલું જ જરૂરી ઠંડક આપે એવાં ખાદ્યો કે પ્રવાહીનો નિયમિત ઉપયોગ કરવો, સાથે સાથે લીમડાનાં પાનના રસનું સેવન અચૂક કરવું.

કાળઝાળ ગરમીના દિવસોમાં શરીર ઠંડું રાખવા મીઠું ઓછું લો… અને લીમડાનો રસ પીઓ.

(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)

કેવો છે ધુરંધરનો રિવેન્જ ડ્રામા…  કેવી રીતે સર્જાઈ આ માયાવી સૃષ્ટિ?

છેવટે ગુડી પાડવા અને ઉગાડી જેવા સપરમા દિવસોમાં ભારતીય સિનેમાઈતિહાસનો ભાગ બીજો, ‘ધુરંધરઃ ધ રિવેન્જ’ રિલીઝ થઈ ગયો. છેલ્લા બે દિવસથી ફિલ્મ ચર્ચા એ રીતે થઈ રહી છે, જાણે આ એક મહત્વનો રાષ્ટ્રીય મુદ્દો હોય. ટિન્સેલ અને ગ્લિસેરિનની દુનિયાના જે બાશિંદા પહેલા પાર્ટ વિશે કંઈ પણ બોલવાથી દૂર રહેલા એ, ક્યાંક દેશદ્રોહી ઠેરવી ન દેવામાં આવે એવા ડરથી, સેકન્ડ પાર્ટ વિશે ઊછળી ઊછળીને બોલી રહ્યા છે.

એક સમય હતો, જ્યારે ક્રિટિક્સ માટે ફિલ્મ સારી અથવા ખરાબ હતી. હવે આમાં પ્રોપગેન્ડા નામનું રેટિંગ ઉમેરાયું છે. અલે ભાઈ, તમને ફિલ્મ ગમે તો વખાણો, ન ગમે તો શું કામ ન ગમી એ લખો. ફિન્નિશ. ફિલ્મ જો સત્ય ઘટના આધારિત હોય તો લખો કે અમુક ફૅક્ટ્સ સાથે ચેડાં થયાં છે અથવા અમુકમાં અતિશયોક્તિ છે અથવા અમુક એ ઘટના દેખાડવામાં આવી છે જે બની જ નથી. સિમ્પલ. પ્રોપગેન્ડા ફિલ્મ એટલે શું? કેમ ભલા, દેશ-દુનિયાને હચમચાવી દેનારી ઘટનાઓ, સાંપ્રત વિષયો, જિઓપોલિટલ સિનારિયો પર ફિલ્મ જ નહીં બનાવવાની?

તો, રણવીર સિંહ, અર્જુન રામપાલ, સંજય દત્ત, રાકેશ બેદી, આર. માધવન, સારા અર્જુન અભિનિત, આદિત્ય ધર દિગ્દર્શત સેકન્ડ પાર્ટની વાર્તાનો સાર કંઈ આવો છેઃ રેહમાન ડકેત (અક્ષય ખન્ના)ના મોત બાદ, હમઝા અલી મઝારી (રણવીરસિંહ), અથવા જસકીરતસિંહ રંગી હવે પાકિસ્તાનની અંધારી આલમ અને ત્યાંના રાજકારણમાં શિખરે પહોંચે છે. જો કે, હમઝાની મહત્વકાંક્ષા આ બધાથી ઘણી આગળ છે.

અગાઉના ભાગ કરતાં ૧૫ મિનિટ વધુ, ત્રણ કલાક ને ઓગણપચાસ મિનિટના રનટાઈમવાળી ફિલ્મની શરૂઆત દિમાગ હલાવી દે એવા ઍક્શન સીન્સથી થાય છે, જે આગળ જતાં ભયાનક રક્તપાતમાં ફેરવાય છે. ઈન્ટરવલ પહેલાં ફિલ્મ પ્રેક્ષક પર એવી મજબૂત પકડ જમાવે છે કે પલક ઝપકાવવાનો ટાઈમ પણ મળતો નથી, પરંતુ ઈન્ટરવલ બાદ ફિલ્મ આમતેમ ફંટાય છે. આ હું “પૂરા હોશોહવાસ”માં કહું છું. છતાં ‘ધુરંધર પાર્ટ ટુ’ જોવી જ જોઈએ એવી ફિલ્મ છે.

જો કે અહીં જરા જુદી વાત કરવી છે. જ્યારે કોઈ ઍક્શન ફિલ્મમાં બૉમ્બધડાકા થતા હોય, આગના-ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઊંચે જતા હોય અથવા અમુક ચોક્કસ દેશ કે વિસ્તારનું આબેહૂબ ચિત્રણ થયું હોય ત્યારે લાગે કે આ તો કમ્પ્યુટરની કમાલ હશે, પણ ‘ધુરંધર’ ફ્રેન્ચાઈઝીની વાત જરા અલગ છે. બન્ને પાર્ટનું પ્રોડક્શન-ડિઝાઈનિંગ કમાલનું છે. હમણાં ઍક્શન ડાયરેક્ટર એજાઝ ગુલાબે કેટલીક એવી વાતો શૅર કરી, જે જાણીને આપણને થાય, “મારું બેટું… આવું સૅટિંગ?”

જેમ કે, ફિલ્મમાં કરાચીનો ખતરનાક ગલીઓવાળો લ્યારી વિસ્તાર બતાવવામાં આવ્યો છે એ બેંગકોક છે. થાઈલેન્ડના આ શહેરની ગલીઓનું એવી રીતે ડિઝાઈનિંગ કરવામાં આવ્યું કે એ આબેહૂબ કરાચી લાગે. વિચાર કરો, શૂટિંગ થાય છે થાઈલેન્ડમાં અને આપણને લાગે છે કે આપણે પાકિસ્તાનની ગલીઓમાં રખડી રહ્યા છીએ. લોકેશન મેનેજરને ૧૦૦ તોપોની સલામી આપવી પડે.

પાકિસ્તાનનાં લોકેશન્સ બતાવવા સર્જકોઓ લુધિયાણા, અમૃતસર, ચંડીગઢ અને પતિયાલાનો ઉપયોગ કર્યો છે. પંજાબનાં આ શહેરોમાં પાકિસ્તાન જેવું વાતાવરણ મળી રહેતું હોવાથી મોટા ભાગના એક્સટિરિયર શૉટ્સ (બહારી દશ્યો) અહીં ઝડપવામાં આવ્યા.

આટલું જ નહીં, થોડું કામ મુંબઈમાં પણ થયું છે. જેમ કે, રહેમાન ડકૈત (અક્ષય ખન્ના) બ્રિજ પર સરન્ડર કરે છે એ સીન. આનું શૂટિંગ મુંબઈની પાદરે આવેલા એક પૂલ પર શૂટ થયું. અને, જો તમને ફિલ્મમાં હિંસા વધુ લાગી હોય તો એનું કારણ પણ મળી ગયું છે. એજાઝે ખુલાસો કર્યો કે પાંચસો લિટરથી વધુ નકલી લોહી વાપરવામાં આવ્યું છે.

પાંચસો લિટર લોહી? ભાઈ, આટલામાં તો આખા મુંબઈનો બ્લડ ડોનેશન કૅમ્પ ભરાઈ જાય, પણ ઍક્શનને રિયલ બતાવવા આટલી ખૂનામરકી તો કરવી જ પડે…

-અને હવે હમઝા પોતે ગેંગ-લીડર બની ગયો છે એટલે એણે પોલીસ અને દુશ્મન ગેંગ બંને સાથે લડવાનું છે. મતલબ કે, ઍક્શનનો ડોઝ ડબલ છે. એટલે પહેલા ભાગમાં પાંચસો લિટર લોહી વાપરવામાં આવ્યું તો બીજા ભાગમાં મેકર્સે ટૉમેટો કૅચઅપનું કારખાનું જ ખાલી કરી કાઢ્યું હશે.

-લેખનો રસપ્રદ પાર્ટ-ટુ આવતા અઠવાડિયે…

સંબંધોની મૂડી, સફળતાની સીડી

આજના આધુનિક યુગમાં આપણે સફળતાને ડિગ્રી, ટેકનોલોજી અને આર્થિક આંકડાથી માપીએ છીએ. સવારથી સાંજ સુધી આપણે આપણી બુદ્ધિશક્તિ અને કાર્યકૌશલ્યને ધારદાર બનાવવાની મથામણ કરીએ છીએ, પણ શું માત્ર મગજ ચલાવવાથી જ જીવનમાં સર્વોચ્ચ શિખરો સર કરી શકાય? કદાચ નહીં. ઈતિહાસ સાક્ષી છે કે દુનિયાના સૌથી પ્રભાવશાળી નેતા કે સફળ ઉદ્યોગપતિઓ માત્ર બુદ્ધિમતાના કારણે જ નહીં, પરંતુ લોકોનાં હૃદય જીતવાની કળાને કારણે મહાન બન્યા છે. જ્યારે આપણે સંબંધોના તાણાવાણા અને માનવીય સંવેદનાઓને સફળ મેનેજમેન્ટમાં ઉમેરીએ છીએ ત્યારે એક સામાન્ય કાર્ય અસામાન્ય સિદ્ધિમાં પરિવર્તિત થાય છે.

થોડા સમય પહેલાં અમેરિકાની કાર્નેગી યુનિવર્સિટીના અધિકારીઓએ માણસની સફળતા-નિષ્ફળતાના વિષયનો અભ્યાસ કરવા 10 હજાર વ્યક્તિઓની મુલાકાત લીધી. મુલાકાતોનું તારણ એ નીકળ્યું કે  માણસની સફળતાનો આધાર જ તેની બુદ્ધિ, કામ કરવાની આવડત અને હુન્નરીય કળા-કૌશલ્ય ઉપર છે. તે પછીના ક્રમે આવે છે તેના લોક– સંપર્કો પર, સંબંધો પર.

સંચાલન, વ્યવસ્થાપન કે પ્રબંધનનાક્ષેત્રમાં આગળ વધી રહેલા સંચાલકો, વ્યવસ્થાપકોને કદાચ આ તારણ ઘડીક આંચકો આપી જાય એવું છે. માણસ એ બુદ્ધિશાળી પ્રાણી છે. ભગવાને આપેલા બુદ્ધિશક્તિ જ તે પૃથ્વી પરનાં અન્ય પ્રાણીઓ કરતાં અલગ સાબિત થયો છે. વિશ્વના માનવઈતિહાસ સામે નજર કરીએ ત્યારે જણાય છે કે માનવજીવનને લગતાં તમામ ક્ષેત્રોમાં પોતાના બુદ્ધિબળ માણસ અનેકવિધ સંશોધનો કરી ખૂબ પ્રગતિ સાધી છે. પોતાની સંચાલન-વ્યવસ્થાપન શક્તિથી માણસે ઘણો વિકાસ પણ કર્યો છે.

ગામડાની છાપરાંવાળી પ્રાથમિક શાળાથી લઈ વિરાટ વિશ્વવિદ્યાલયોનું, નાની લુહારી કોઢથી મહાકાય કારખાનાં અને રિફાઈનરીઓનું, શેરીના પાનના ગલ્લાથી લઈ વિરાટકાય શૉપિંગમૉલનું સંચાલન કરવું તે આજે માણસ માટે ડાબા હાયની રમત છે. સાથે સાથે ખ્યાતનામ વિશ્વવિદ્યાલયોમાં અનુભવી અધ્યાપકો દ્વારા પીરસાતું સંચાલન કે પ્રબંધનનું જ્ઞાન જે તે વ્યક્તિની સંચાલનકળાને વધુ ધારદાર બનાવી રહ્યું છે. મેનેજમેન્ટ ક્ષેત્રમાં એક સાચી, પરંતુ કડવી વાસ્તવિક્તા સંચાલકોએ સ્વીકારવી પડી છે કે ધંધા-વ્યાપારમાં યંત્ર અને નાણાંના પ્રબંધન કરતાં માનવ-પ્રબંધનનું, હ્યમુન મૅનેજમેન્ટનું મહત્ત્વ વિશેષ છે.

એક વાર એક વિશાળ બહુરાષ્ટ્રીય કૉર્પોરેશનના પ્રમુખે કહેલું ‘હું કાંઈ વાહનો કે વ્હાઈટ ગુડ્સ બનાવતો નથી. હું તો માણસો તૈયાર કરું છું, કારણ કે માણસો આ બધી વસ્તુઓ બનાવે છે. કૉર્પોરેશનના સંચાલકની આ નિખાલસ કબૂલાત જ જણાવે છે કે પ્રબંધનમાં માનવનું અસ્તિત્વ મહત્ત્વનું છે. મહાપુરુષોનાં જીવનમાં ડોકિયું કરીએ તો તેમણે આ વાસ્તવિકતાને ક્યારેય વિસારી નથી.

અમેરિકન પ્રમુખ રુઝવેલ્ટે કહ્યું છે કે, સફ્ળતાના સૂત્રમાં મહત્ત્વનું તત્ત્વ જો કોઈ હોય તો તે માણસ સાથે કઈ રીતે રહેવું, એની સાથે કાર્ય કેવી રીતે એ છે.

સંચાલનની સાચી સફળતા માનવીની સારસંભાળમાં છે. એક ચિંતકે કહ્યું છે એમ, ‘નોબડી કૅર્સ હાઉ મચ યુ નો, અન્ટિલ ધે નો હાઉ મચ યુ કૅર અર્થાત્ તમે કેટલી દરકાર કરો છો એની જાણ ન થાય ત્યાં સુધી તમે કેટલા જ્ઞાની છો એની કોઈને પડી નથી.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)