છેવટે ગુડી પાડવા અને ઉગાડી જેવા સપરમા દિવસોમાં ભારતીય સિનેમાઈતિહાસનો ભાગ બીજો, ‘ધુરંધરઃ ધ
રિવેન્જ’ રિલીઝ થઈ ગયો. છેલ્લા બે દિવસથી ફિલ્મ ચર્ચા એ રીતે થઈ રહી છે, જાણે આ એક મહત્વનો રાષ્ટ્રીય મુદ્દો હોય. ટિન્સેલ અને ગ્લિસેરિનની દુનિયાના જે બાશિંદા પહેલા પાર્ટ વિશે કંઈ પણ બોલવાથી દૂર રહેલા એ, ક્યાંક દેશદ્રોહી ઠેરવી ન દેવામાં આવે એવા ડરથી, સેકન્ડ પાર્ટ વિશે ઊછળી ઊછળીને બોલી રહ્યા છે.
એક સમય હતો, જ્યારે ક્રિટિક્સ માટે ફિલ્મ સારી અથવા ખરાબ હતી. હવે આમાં પ્રોપગેન્ડા નામનું રેટિંગ ઉમેરાયું છે. અલે ભાઈ, તમને ફિલ્મ ગમે તો વખાણો, ન ગમે તો શું કામ ન ગમી એ લખો. ફિન્નિશ. ફિલ્મ જો સત્ય ઘટના આધારિત હોય તો લખો કે અમુક ફૅક્ટ્સ સાથે ચેડાં થયાં છે અથવા અમુકમાં અતિશયોક્તિ છે અથવા અમુક એ ઘટના દેખાડવામાં આવી છે જે બની જ નથી. સિમ્પલ. પ્રોપગેન્ડા ફિલ્મ એટલે શું? કેમ ભલા, દેશ-દુનિયાને હચમચાવી દેનારી ઘટનાઓ, સાંપ્રત વિષયો, જિઓપોલિટલ સિનારિયો પર ફિલ્મ જ નહીં બનાવવાની?

તો, રણવીર સિંહ, અર્જુન રામપાલ, સંજય દત્ત, રાકેશ બેદી, આર. માધવન, સારા અર્જુન અભિનિત, આદિત્ય ધર દિગ્દર્શત સેકન્ડ પાર્ટની વાર્તાનો સાર કંઈ આવો છેઃ રેહમાન ડકેત (અક્ષય ખન્ના)ના મોત બાદ, હમઝા અલી મઝારી (રણવીરસિંહ), અથવા જસકીરતસિંહ રંગી હવે પાકિસ્તાનની અંધારી આલમ અને ત્યાંના રાજકારણમાં શિખરે પહોંચે છે. જો કે, હમઝાની મહત્વકાંક્ષા આ બધાથી ઘણી આગળ છે.
અગાઉના ભાગ કરતાં ૧૫ મિનિટ વધુ, ત્રણ કલાક ને ઓગણપચાસ મિનિટના રનટાઈમવાળી ફિલ્મની શરૂઆત દિમાગ હલાવી દે એવા ઍક્શન સીન્સથી થાય છે, જે આગળ જતાં ભયાનક રક્તપાતમાં ફેરવાય છે. ઈન્ટરવલ પહેલાં ફિલ્મ પ્રેક્ષક પર એવી મજબૂત પકડ જમાવે છે કે પલક ઝપકાવવાનો ટાઈમ પણ મળતો નથી, પરંતુ ઈન્ટરવલ બાદ ફિલ્મ આમતેમ ફંટાય છે. આ હું “પૂરા હોશોહવાસ”માં કહું છું. છતાં ‘ધુરંધર પાર્ટ ટુ’ જોવી જ જોઈએ એવી ફિલ્મ છે.
જો કે અહીં જરા જુદી વાત કરવી છે. જ્યારે કોઈ ઍક્શન ફિલ્મમાં બૉમ્બધડાકા થતા હોય, આગના-ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઊંચે જતા હોય અથવા અમુક ચોક્કસ દેશ કે વિસ્તારનું આબેહૂબ ચિત્રણ થયું હોય ત્યારે લાગે કે આ તો કમ્પ્યુટરની કમાલ હશે, પણ ‘ધુરંધર’ ફ્રેન્ચાઈઝીની વાત જરા અલગ છે. બન્ને પાર્ટનું પ્રોડક્શન-ડિઝાઈનિંગ કમાલનું છે. હમણાં ઍક્શન ડાયરેક્ટર એજાઝ ગુલાબે કેટલીક એવી વાતો શૅર કરી, જે જાણીને આપણને થાય, “મારું બેટું… આવું સૅટિંગ?”
જેમ કે, ફિલ્મમાં કરાચીનો ખતરનાક ગલીઓવાળો લ્યારી વિસ્તાર બતાવવામાં આવ્યો છે એ બેંગકોક છે. થાઈલેન્ડના આ શહેરની ગલીઓનું એવી રીતે ડિઝાઈનિંગ કરવામાં આવ્યું કે એ આબેહૂબ કરાચી લાગે. વિચાર કરો, શૂટિંગ થાય છે થાઈલેન્ડમાં અને આપણને લાગે છે કે આપણે પાકિસ્તાનની ગલીઓમાં રખડી રહ્યા છીએ. લોકેશન મેનેજરને ૧૦૦ તોપોની સલામી આપવી પડે.
પાકિસ્તાનનાં લોકેશન્સ બતાવવા સર્જકોઓ લુધિયાણા, અમૃતસર, ચંડીગઢ અને પતિયાલાનો ઉપયોગ કર્યો છે. પંજાબનાં આ શહેરોમાં પાકિસ્તાન જેવું વાતાવરણ મળી રહેતું હોવાથી મોટા ભાગના એક્સટિરિયર શૉટ્સ (બહારી દશ્યો) અહીં ઝડપવામાં આવ્યા.

આટલું જ નહીં, થોડું કામ મુંબઈમાં પણ થયું છે. જેમ કે, રહેમાન ડકૈત (અક્ષય ખન્ના) બ્રિજ પર સરન્ડર કરે છે એ સીન. આનું શૂટિંગ મુંબઈની પાદરે આવેલા એક પૂલ પર શૂટ થયું. અને, જો તમને ફિલ્મમાં હિંસા વધુ લાગી હોય તો એનું કારણ પણ મળી ગયું છે. એજાઝે ખુલાસો કર્યો કે પાંચસો લિટરથી વધુ નકલી લોહી વાપરવામાં આવ્યું છે.
પાંચસો લિટર લોહી? ભાઈ, આટલામાં તો આખા મુંબઈનો બ્લડ ડોનેશન કૅમ્પ ભરાઈ જાય, પણ ઍક્શનને રિયલ બતાવવા આટલી ખૂનામરકી તો કરવી જ પડે…
-અને હવે હમઝા પોતે ગેંગ-લીડર બની ગયો છે એટલે એણે પોલીસ અને દુશ્મન ગેંગ બંને સાથે લડવાનું છે. મતલબ કે, ઍક્શનનો ડોઝ ડબલ છે. એટલે પહેલા ભાગમાં પાંચસો લિટર લોહી વાપરવામાં આવ્યું તો બીજા ભાગમાં મેકર્સે ટૉમેટો કૅચઅપનું કારખાનું જ ખાલી કરી કાઢ્યું હશે.
-લેખનો રસપ્રદ પાર્ટ-ટુ આવતા અઠવાડિયે…




