Home Blog Page 133

ઈન્સ્ટન્ટ બટેટા કચોરી

વણવા કે ભરવાની ઝંઝટ વગર બહુ જ સહેલાઈથી અને ઓછી મહેનતે બની જાય છે, ઘઉંના લોટ અને બટેટાની ક્રિસ્પી ઈન્સ્ટન્ટ કચોરી!

સામગ્રીઃ જીરૂ ¼ ટી.સ્પૂન, આખા ધાણા ¼ ટી.સ્પૂન, અજમો ¼ ટી.સ્પૂન, વરિયાળી ¼ ટી.સ્પૂન, મેથીના દાણા ¼ ટી.સ્પૂન, કાળા મરી 7-8 નંગ, આદુનો ટુકડો 1 ઈંચ, લસણની કળી 6-7, લીલા મરચાં 3-4, ઘઉંનો લોટ 1 કપ, તેલ તળવા માટે, કાંદો 1, કાશ્મીરી મરચાં પાઉડર ½ ટી.સ્પૂન, ગરમ મસાલો ½ ટી.સ્પૂન,, સ્વાદ મુજબ મીઠું, બાફેલા બટેટા 3, ધોઈને સમારેલી કોથમીર 1 કપ, ફુદીનાના પાન ધોઈને સમારેલા 2 ટે.સ્પૂન, સફેદ તલ 2 ટે.સ્પૂન

રીતઃ જીરૂ, આખા ધાણા, અજમો, વરિયાળી, મેથીના દાણા, કાળા મરીને અધકચરા વાટી લો.

આદુ-મરચાં તેમજ લસણને પણ અધકચરા વાટી લો. કાંદો ઝીણો સમારી લો.

એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ, વરિયાળીનો ભૂકો એકાદ મિનિટ શેકી લો. ત્યારબાદ આદુ-લસણ-મરચાંની પેસ્ટને સાંતળીને કાંદો પણ તેમાં સાંતળી લો. હવે તેમાં ગરમ મસાલો, મરચાં પાઉડર તેમજ સ્વાદ મુજબ મીઠું ઉમેરો. બાફેલા બટેટાને ખમણીને મેળવીને સાથે સફેદ તલ, સમારેલી કોથમીર તેમજ સમારેલાં ફુદીનાના પાન મેળવી દો. હવે તેમાં અડધો કપ પાણી મેળવીને ચમચા વડે બધી સામગ્રી એકસરખી મેળવીને ગેસની આંચ ધીમી કરી દો. હવે તેમાં ઘઉંનો લોટ ચમચા વડે સરખો મેળવી દો અને 2-3 મિનિટ સુધી પેન ઢાંકીને લોટને સરખો ચઢવા દો. ત્યારબાદ ગેસ બંધ કરીને આ લોટનું મિશ્રણ ઠંડું થવા દો.

લોટ ઠંડો થાય એટલે થોડું તેલનું મોણ દઈને લોટને કુણી લો. હાથને તેલવાળા કરીને આ લોટમાંથી લીંબુની સાઈઝના ગોળા લઈ તેને ગોળ અથવા ચપટો આકાર આપીને એક પ્લેટમાં ગોઠવી દો. બધા ગોળા વાળી લો એટલે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે ગેસની આંચ મધ્યમ કરીને તેમાં આવે તેટલા ગોળા ઉમેરીને સોનેરી રંગના તળી લો.

તૈયાર સમોસા કચોરીને ટોમેટો કેચ-અપ કે લીલી ચટણી સાથે પીરસો.

સમ્રાટ ચૌધરીનું રાજતિલક

બિહારમાં રાજકીય ઉલટફેર બાદ ભાજપના નેતા સમ્રાટ ચૌધરી બુધવારે સવારે ૧૧ વાગ્યે મુખ્યમંત્રી પદના શપથ લેશે. તેઓ બિહારના પ્રથમ ભાજપના મુખ્યમંત્રી બનશે. તેમની સાથે જેડીયુના વિજય ચૌધરી અને વિજેન્દ્ર યાદવ પણ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લે તેવી પ્રબળ શક્યતા છે. નીતિશ કુમારના રાજીનામા બાદ એનડીએ દ્વારા સમ્રાટ ચૌધરીને નેતા પસંદ કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે.

તારાપુરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા સમ્રાટ ચૌધરીએ મંગળવારે સાંજે રાજ્યપાલ સૈયદ અતા હસનૈન સાથે મુલાકાત કરીને સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો. બિહારમાં ભાજપના અસ્તિત્વ કાળથી અત્યાર સુધી પક્ષ હંમેશા સહયોગી તરીકે જ રહ્યો છે, પરંતુ આ વખતે જે પ્રકારે સમીકરણો બદલાયા છે તેણે સમ્રાટ ચૌધરીને મુખ્યમંત્રીની ખુરશી સુધી પહોંચાડ્યા છે. આ રાજકીય ઘટનાક્રમ માત્ર બિહાર જ નહીં પરંતુ રાષ્ટ્રીય રાજકારણ માટે પણ મહત્વનો માનવામાં આવી રહ્યો છે.

સમ્રાટ ચૌધરીની સાથે જેડીયુના બે દિગ્ગજ નેતાઓ વિજય ચૌધરી અને વિજેન્દ્ર યાદવ પણ શપથ લેશે તેવી માહિતી મળી રહી છે. વિજય ચૌધરી નીતિશ કુમારના અત્યંત નજીકના માનવામાં આવે છે અને તેઓ અગાઉ વિધાનસભા અધ્યક્ષ તેમજ મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. જો તેઓ ડેપ્યુટી સીએમ બનશે તો તે તેમની કારકિર્દીનો નવો પડાવ હશે. તેવી જ રીતે વિજેન્દ્ર યાદવ પણ ૧૯૯૦થી રાજકારણમાં સક્રિય છે અને ઉર્જા મંત્રી જેવી મહત્વની જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે. આ ત્રણેય નેતાઓ વચ્ચે એક ખાસ સમાનતા એ છે કે તેઓએ પોતાના રાજકીય સફરની શરૂઆત અન્ય પક્ષોથી કરી હતી અને સમય જતાં વર્તમાન પક્ષમાં જોડાયા છે.

સમ્રાટ ચૌધરીના રાજકીય સફર પર નજર કરીએ તો તેમણે આરજેડી (RJD) થી શરૂઆત કરી હતી અને ત્યારબાદ ‘હમ’ પાર્ટી અને જેડીયુમાં રહ્યા બાદ ભાજપમાં જોડાયા હતા. વિજય ચૌધરીએ કોંગ્રેસથી શરૂઆત કરી હતી, જ્યારે વિજેન્દ્ર યાદવે અવિભાજિત જનતા દળથી સફર શરૂ કર્યો હતો. આ ત્રણેય નેતાઓનો બહોળો વહીવટી અનુભવ નવી સરકાર માટે પાયારૂપ સાબિત થશે. શરૂઆતમાં માત્ર આ ત્રણ નેતાઓ જ શપથ લેશે અને ત્યારબાદ મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે જેમાં ભાજપ અને જેડીયુના અન્ય સભ્યોને સ્થાન અપાશે.

IPL 2026 : ચેન્નાઈએ કોલકાતાને 32 રને હરાવ્યું

આઈપીએલ 2026ની 22મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 32 રને હરાવ્યું છે. ચેન્નઈએ પ્રથમ બેટિંગ કરતા 192 રન બનાવ્યા હતા, જેમાં સંજુ સેમસનના 48 અને ડેવાલ્ડ બ્રેવિસના 41 રન મુખ્ય હતા. લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી કેકેઆરની ટીમ માત્ર 160 રન જ બનાવી શકી હતી. સીએસકેની આ જીતનો અસલી હીરો નૂર અહમદ રહ્યો હતો, જેણે માત્ર 7 બોલના ગાળામાં 3 મુખ્ય વિકેટો ઝડપીને મેચનો પાસો પલટી નાખ્યો હતો.

મેચની શરૂઆત ચેન્નઈ માટે આશાસ્પદ રહી નહોતી કારણ કે કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ માત્ર 7 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. જોકે, ત્યારબાદ સંજુ સેમસન અને યુવા ખેલાડી આયુષ મ્હાત્રેએ વિસ્ફોટક બેટિંગ કરીને પાવરપ્લેમાં જ સ્કોરને વેગ આપ્યો હતો. આયુષ મ્હાત્રેએ માત્ર 17 બોલમાં અણનમ 38 રનની તોફાની ઇનિંગ રમી હતી, જ્યારે સંજુ સેમસને 32 બોલમાં 48 રન બનાવીને મજબૂત પાયો નાખ્યો હતો. મિડલ ઓર્ડરમાં ડેવાલ્ડ બ્રેવિસે 41 રન અને સરફરાઝ ખાને 23 રનનું યોગદાન આપ્યું હતું, જેના કારણે ચેન્નઈ 20 ઓવરમાં 192 રનના પડકારજનક સ્કોર સુધી પહોંચી શક્યું હતું. શિવમ દુબેએ પણ અંતમાં 13 રન ઉમેર્યા હતા.

193 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી કોલકાતા નાઈટ રાઈડર્સની રણનીતિ ફરી એકવાર નિષ્ફળ સાબિત થઈ હતી. કેકેઆરે આ મેચમાં પોતાની ઓપનિંગ જોડી બદલી હતી, પરંતુ પરિણામમાં કોઈ ફેરફાર થયો નહીં. ફિન એલન માત્ર 1 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. અજિંક્ય રહાણેની જગ્યાએ ઓપનિંગમાં આવેલા સુનિલ નરેને 17 બોલમાં 24 રન ફટકાર્યા હતા, જ્યારે કેપ્ટન રહાણેએ 22 બોલમાં 27 રન બનાવ્યા હતા. અંગકૃષ રઘુવંશીએ 19 બોલમાં 27 રન બનાવીને થોડી આશા જગાડી હતી, પરંતુ મિડલ ઓવર્સમાં કેકેઆરની બેટિંગ લાઈનઅપ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી.

મેચનો ટર્નિંગ પોઈન્ટ 11મી ઓવરમાં આવ્યો જ્યારે અફઘાનિસ્તાનના સ્પિનર નૂર અહમદે પોતાની જાદુઈ બોલિંગથી કેકેઆરને ચોંકાવી દીધું હતું. 11મી ઓવરના પ્રથમ બોલે નૂર અહમદે સેટ બેટ્સમેન અને કેકેઆરના કેપ્ટન અજિંક્ય રહાણેને આઉટ કર્યો હતો. ત્યારબાદ બીજા જ બોલે રાઉન્ડ ધ વિકેટ આવીને કેમેરોન ગ્રીનને ક્લીન બોલ્ડ કરીને સીએસકેને મોટી સફળતા અપાવી હતી. નૂર અહમદની ઘાતક બોલિંગ અહીં જ ન અટકી, તેણે 13મી ઓવરમાં વિસ્ફોટક બેટ્સમેન રિંકુ સિંહને પણ આઉટ કરીને કેકેઆરની જીતની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું. નૂર અહમદે તેના 4 ઓવરના સ્પેલમાં માત્ર 21 રન આપીને 3 મહત્વની વિકેટો ઝડપી હતી.

આ જીત સાથે ચેન્નઈ સુપર કિંગ્સે સાબિત કરી દીધું છે કે તેઓ કેમ આ ટુર્નામેન્ટની સૌથી સફળ ટીમોમાંની એક છે. નૂર અહમદના તે ‘7 બોલ’ જેમાં તેણે 3 વિકેટ ઝડપી, તે આખી મેચનું પરિણામ બદલવા માટે પૂરતા હતા. બીજી તરફ કોલકાતા માટે હવે પ્લેઓફની રેસ અત્યંત મુશ્કેલ બની ગઈ છે. કેકેઆરના બેટ્સમેનો સ્પિન સામે લાચાર દેખાયા હતા અને મોટી ભાગીદારી નોંધાવવામાં નિષ્ફળ રહ્યા હતા. હવે જોવાનું એ રહેશે કે આગામી મેચોમાં કેકેઆર કેવી રીતે વાપસી કરે છે અને ચેન્નઈ પોતાની આ જીતનો સિલસિલો જાળવી રાખવામાં સફળ થાય છે કે કેમ.

યુદ્ધથી દુનિયાની આર્થિક ગાડી પાટા પરથી ઉતારી, IMFની ચેતવણી

આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ (IMF) એ ચેતવણી આપી છે કે ઈરાન યુદ્ધને કારણે વિશ્વની આર્થિક વૃદ્ધિ પર બ્રેક વાગી છે. IMF એ 2026 માટે વૈશ્વિક વિકાસ દરનો અંદાજ ઘટાડીને 3.1% કર્યો છે. ઈરાનના હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી નાકેબંધી અને તેલ રિફાઈનરીઓ પરના હુમલાને કારણે તેલ અને ગેસના ભાવ આસમાને પહોંચ્યા છે, જેનાથી વૈશ્વિક ફુગાવો4.4% સુધી વધવાની શક્યતા છે. યુરોપ અને ગરીબ દેશો પર તેની સૌથી ખરાબ અસર પડશે, જ્યારે રશિયા જેવા ઉર્જા નિકાસકારોને ઊંચા ભાવથી આંશિક લાભ મળી શકે છે.

વૈશ્વિક અર્થતંત્રમાં આ કડાકા પાછળનું મુખ્ય કારણ તેલ અને ગેસના ભાવમાં થયેલો તોતિંગ વધારો છે. અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલા અને તેના જવાબમાં ઈરાન દ્વારા સ્ટ્રેટ ઓફ હોર્મુઝને આંશિક રીતે બંધ કરવાથી વિશ્વભરમાં ઉર્જા પુરવઠો ખોરવાયો છે. પાડોશી દેશોના તેલ અને ગેસના માળખાગત સુવિધાઓ પર થયેલા હુમલાઓએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. આના પરિણામે, આઇએમએફએ વર્ષ 2026 માટે વૈશ્વિક મોંઘવારીનો દર વધારીને 4.4 ટકા કર્યો છે, જે અગાઉ 3.8 ટકા રહેવાનો અંદાજ હતો. આ મોંઘવારી માત્ર પેટ્રોલ-ડીઝલ સુધી સીમિત નહીં રહે, પરંતુ તેની અસર પરિવહન અને ઉત્પાદન ખર્ચ પર પણ પડશે, જેનાથી જીવનજરૂરી વસ્તુઓ મોંઘી થશે.

રસપ્રદ વાત એ છે કે, આ યુદ્ધ શરૂ થયું તે પહેલા વિશ્વની અર્થવ્યવસ્થા અત્યંત મજબૂત સ્થિતિમાં હતી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રક્ષણવાદી નીતિઓ અને આયાત વેરાના અવરોધો છતાં, ડેટા સેન્ટર્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) માં થયેલા જંગી રોકાણે ઉત્પાદકતામાં વધારો કર્યો હતો. ટેકનોલોજી ક્ષેત્રની આ તેજીએ અર્થતંત્રને સ્થિર રાખવામાં મદદ કરી હતી. આઇએમએફના મુખ્ય અર્થશાસ્ત્રી પિયરે-ઓલિવિયર ગૌરિંચાસે જણાવ્યું છે કે પશ્ચિમ એશિયાના યુદ્ધે આ તેજીની ગતિને અચાનક રોકી દીધી છે. જો આ ઉર્જા સંકટ આવતા વર્ષ સુધી ચાલુ રહેશે, તો કેન્દ્રીય બેંકોએ ફુગાવાને ડામવા માટે વ્યાજદરમાં વધારો કરવો પડશે, જેનાથી વૈશ્વિક વિકાસ દર 2026 અને 2027માં ઘટીને માત્ર 2 ટકા પર આવી શકે છે.

દેશવાર સ્થિતિની વાત કરીએ તો, અમેરિકાનો વિકાસ દર અંદાજ ઘટીને 2.3 ટકા થયો છે. યુરોપના ૨૧ દેશો કે જેઓ યુરો ચલણનો ઉપયોગ કરે છે, તેમનો સામૂહિક વિકાસ દર માત્ર 1.1 ટકા રહેવાની સંભાવના છે, કારણ કે યુરોપ કુદરતી ગેસની વધતી કિંમતોથી સૌથી વધુ પ્રભાવિત થયું છે. બીજી તરફ, દેવાદાર અને ઉર્જા આયાત કરનારા ગરીબ દેશોની સ્થિતિ અત્યંત ગંભીર બની શકે છે, કારણ કે તેમની પાસે અર્થતંત્રને ટેકો આપવા માટે પૂરતું ભંડોળ નથી. જોકે, આ સંકટમાં રશિયા એક અપેક્ષિત વિજેતા તરીકે ઉભરી શકે છે. ઉર્જા નિકાસકાર હોવાને કારણે રશિયાને તેલના ઊંચા ભાવોનો સીધો ફાયદો મળશે, જેના કારણે આઇએમએફએ રશિયાનો વૃદ્ધિ દરનો અંદાજ વધારીને 1.1 ટકા કર્યો છે.

આઇએમએફના રિપોર્ટ મુજબ, ભલે હાલમાં અસ્થાયી યુદ્ધવિરામની વાતો ચાલી રહી હોય, પરંતુ અર્થતંત્રને જે નુકસાન થવાનું હતું તે થઈ ચૂક્યું છે. વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા અને સપ્લાય ચેઈનમાં અવરોધો હજુ પણ યથાવત છે. જો આ યુદ્ધ લાંબુ ખેંચાશે, તો વિશ્વએ દાયકાના સૌથી મોટા આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે. મોંઘવારી વધતા સામાન્ય જનતાની ખરીદશક્તિ ઘટશે અને ઉદ્યોગોનું ઉત્પાદન પણ પ્રભાવિત થશે, જે લાંબા ગાળે બેરોજગારી અને આર્થિક મંદી તરફ દોરી શકે છે.

હોર્મુઝ બાદ હવે બાબ અલ-મંડેબ પર સંકટનાં ઘેરાયાં વાદળો

નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે સાઉદી અરેબિયાએ હવે અમેરિકાના આકરા વલણ અંગે ચિંતા વ્યક્ત કરી છે. સાઉદી અરેબિયાએ અમેરિકા પર દબાણ કર્યું છે કે તે સ્ટ્રેટ ઓફ હોર્મુઝની સમુદ્રી નાકાબંધી તરત જ હટાવે અને ઇરાન સાથે ફરી ચર્ચા શરૂ કરે. સાઉદી અરેબિયાને મતે અમેરિકાની આ કાર્યવાહી આગમાં ઘી નાખવા જેવી છે અને તે વૈશ્વિક શિપિંગ રુટ્સ માટે મોટો ખતરો ઊભો કરી રહી છે.

 સાઉદી અરેબિયા કેમ ડરી રહ્યું છે?

સાઉદી અરેબિયાની સૌથી મોટી ચિંતા એ છે કે જો ઈરાનને હોર્મુઝમાં દબાવવામાં આવશે, તો તે જવાબી પગલાં તરીકે રેડ સીને નિશાન બનાવી શકે છે. હોર્મુઝની નાકાબંધી બાદ સાઉદી અરેબિયાએ ઓઇલ સપ્લાય પાઇપલાઇન મારફતે રેડ સી તરફ ફેરવી છે. હવે તેને ભય છે કે ઈરાન પોતાના સહયોગી હુતી બળવાખોરો દ્વારા બાબ અલ-મંડેબને નિશાન બનાવી શકે છે. જો આ માર્ગ બંધ થઈ જાય તો સાઉદી અરેબિયાને તેલ નિકાસ માટે કોઈ સુરક્ષિત રસ્તો નહીં રહે.

સાઉદી અરેબિયાની બેવડી વ્યૂહરચના

હાલના સમયે સાઉદી અરેબિયા ખૂબ જ સાવધાનીથી પગલાં ભરી રહ્યું છે. એક તરફ તે અમેરિકા સાથે ચર્ચા કરવાની વાત કરી રહ્યું છે, તો બીજી તરફ તે હુતી બળવાખોરો સાથે પણ સંપર્કમાં છે જેથી રેડ સી વિસ્તારમાં તેના જહાજો પર હુમલા ન થાય. સાઉદી અરેબિયા એવું પણ નથી ઇચ્છતું કે યુદ્ધ એ રીતે સમાપ્ત થાય કે ઇરાન ને હોર્મુઝ પર સંપૂર્ણ નિયંત્રણ મળી જાય. તે એવો ઉકેલ ઇચ્છે છે જ્યાં સમુદ્રી માર્ગો સૌ માટે સુરક્ષિત રહે.

હોર્મુઝ અને બાબ અલ-મંડેબનું મહત્વ

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ દુનિયાના સૌથી મહત્વના ઊર્જા માર્ગોમાંનું એક છે, જ્યાંથી વૈશ્વિક તેલનો મોટો હિસ્સો પસાર થાય છે. જ્યારે બાબ અલ-મંડેબ સ્વેઝ નહેર મારફતે એશિયા અને યુરોપ વચ્ચેના વેપાર માટે મુખ્ય માર્ગ છે. અહીંથી દરરોજ અંદાજે 93 લાખ બેરલ તેલ અને પેટ્રોલિયમ ઉત્પાદનો પસાર થાય છે.

CM નીતીશકુમારે રાજ્યપાલને રાજીનામું સુપરત કર્યું

પટનાઃ બિહારના નવા મુખ્ય મંત્રીના એલાન માટે હવે માત્ર થોડા જ કલાકો બાકી રહ્યા છે. તે પહેલાં મુખ્ય મંત્રી તરીકે નીતીશકુમારે આંબેડકરની જયંતી પર તેમની પ્રતિમાને ફૂલમાળા અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.  ત્યાર બાદ પોતાના મંત્રીઓ સાથે બેઠક યોજી. કેબિનેટ બેઠક બાદ તેમણે મંત્રિમંડળ વિઘટિત કરવાની ભલામણ પણ કરી છે. મુખ્ય મંત્રી નીતીશકુમારે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપ્યું છે અને સાંજે NDA વિધાનમંડળ દળની બેઠક યોજાશે.

મુખ્યમંત્રી પદની દોડમાં સમ્રાટ ચૌધરી સૌથી આગળ માનવામાં આવી રહ્યા છે, પરંતુ અંતિમ નિર્ણય NDA વિધાનમંડળ દળની બેઠકમાં જ લેવાશે. મુખ્ય મંત્રીના નામની જાહેરાત થયા બાદ શપથવિધિની પ્રક્રિયા શરૂ થશે, જે 15 એપ્રિલે યોજાશે

બિહાર પર હવે ગુજરાતનું શાસનઃ તેજસ્વી યાદવ

RJD નેતા તેજસ્વી યાદવે કહ્યું હતું કે જો નીતીશકુમાર મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપી રહ્યા છે, તો તેઓ મહાત્મા ગાંધીની હત્યા કરનારાઓની વિચારધારા ધરાવતી પાર્ટીને સ્થાપિત કરી રહ્યા છે. પહેલાં મુખ્ય મંત્રી પદ માટે બાપુનું નામ લેવામાં આવતું હતું, પરંતુ હવે તેઓ ભાજપને તક આપી રહ્યા છે. તેમણે નાથુરામ ગોડસેની વિચારધારા ધરાવતી પાર્ટીને તક આપી છે. તેઓ કર્પૂરીજીને અપમાન કરનારાઓને સ્થાપિત કરી રહ્યા છે. જે કોઈ સરકાર બનાવશે અને મુખ્ય મંત્રી બનશે, તે જનતાની પસંદ નહીં હોય. મુખ્ય મંત્રી કોઈ પણ બને, હવે બિહાર પર ગુજરાતનું શાસન રહેશે.

;

બીજી તરફ, બિહારના ઉપ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને બિહાર ભાજપ અધ્યક્ષ સંજય સરાવગી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન સાથે મળવા માટે પટનામાં તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે.

બિહારના નવા મુખ્ય મંત્રી તરીકે સમ્રાટ ચૌધરીનું નામ ફાઇનલ થયું છે અને તેઓ બિહારના નવા મુખ્ય મંત્રી બનશે એવી માહિતી સૂત્રોએ આપી છે. આજે બિહારમાં નીતીશકુમારનો યુગ સમાપ્ત થશે.

ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી, ક્યારે ગાજવીજ સાથે પડશે માવઠું?

અમદાવાદ: એપ્રિલ મહિનાની શરૂઆતથી જ રાજ્યના હવામાનમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. એકતરફ મોટાભાગના શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર પહોંચતા કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, તો બીજી તરફ હવામાન વિભાગે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરીને ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે.40 ડિગ્રીથી વધુ તાપમાન અને ડિસકમ્ફર્ટ કન્ડિશન

હવામાન વિભાગ અનુસાર, આગામી સાત દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ઘટાડો થવાનો નથી. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ રહેશે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનોને કારણે 18મી એપ્રિલ સુધી લોકોએ ભારે ઉકળાટનો સામનો કરવો પડશે. 15મી એપ્રિલની રાતથી પશ્ચિમ હિમાલયના પ્રદેશોમાં એક નવું નબળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સંભાવના છે, જેની અસર ગુજરાતના હવામાન પર પણ જોવા મળશે.

કયા વિસ્તારોમાં ક્યારે પડશે વરસાદ?

હવામાન વિભાગ અનુસાર 19મી એપ્રિલના રોજ અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. 20મી એપ્રિલના રોજ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની શક્યતા છે. સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર સહિતના વિસ્તારોમાં ફરી વરસાદી માહોલ જોવા મળી શકે છે.

TCS નાસિક કેસ: ધર્માંતરણના આરોપોમાં સાતની ધરપકડ

નાસિકઃ TCSની નાસિક ઓફિસમાં કર્મચારીઓ પર યૌન શોષણ અને જબરદસ્તી ધર્માંતરણ જેવા ગંભીર આરોપો લાગ્યા છે. ફેબ્રુઆરીમાં મહારાષ્ટ્રના નાસિકમાં એક સ્થાનિક રાજકીય પક્ષના કાર્યકરે નાસિક શહેર પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ કરી હતી કે TCSના BPO યુનિટમાં કામ કરતી 20 વર્ષની હિંદુ યુવતી રમજાન દરમિયાન રોજા રાખી રહી હતી. આ મામલે તપાસ કરતા યૌન શોષણ અને ધર્માંતરણ સંબંધિત અનેક આરોપો સામે આવ્યા હતા. સોમવારે ટાટા સન્સના અધ્યક્ષ એન. ચંદ્રશેખરનએ જણાવ્યું હતું કે આ ઘટનાની તપાસ ચાલી રહી છે.

પોલીસના જણાવ્યા મુજબ કાર્યકરે તેમને જણાવ્યું હતું કે યુવતીને તેના કાર્યસ્થળે ઇસ્લામની શિક્ષાઓ અનુસરવા માટે પ્રભાવિત કરવામાં આવી હતી. જોકે પોલીસે એ ખુલાસો કર્યો નથી કે કાર્યકર કયા પક્ષ સાથે જોડાયેલા હતા. જ્યારે પોલીસે યુવતીના પરિવારનો સંપર્ક કર્યો ત્યારે તેનાં માતા-પિતાએ જણાવ્યું હતું કે યુવતીએ રોજા રાખવા અને ઇસ્લામિક રીતરિવાજો અપનાવવાનું શરૂ કર્યું ત્યારે તેમણે તેને કામ પર જવા રોકી હતી. તપાસ માટે નિયુક્ત ટીમના એક અધિકારીએ નામ ન જાહેર કરવાની શરતે જણાવ્યું હતું કે ત્યાર બાદ 147 કર્મચારીઓ ધરાવતા BPOમાં ચાલી રહેલી પ્રવૃત્તિઓની તપાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

અધિકારીએ જણાવ્યું હતું કે અમે કેટલાક કોન્સ્ટેબલોને ત્યાં હાઉસકીપિંગ સ્ટાફ તરીકે નિયુક્ત કર્યા હતા, જેથી તેઓ ત્યાંની પ્રવૃત્તિઓ પર નજર રાખી શકે. અમારા લોકો ત્યાં બે સપ્તાહ સુધી કામ કર્યા પછી અમને લાગ્યું કે તેમની તપાસ પરથી કાર્યવાહી કરવા પૂરતા પુરાવા મળી ગયા છે.

TCS કેસ: આ મુદ્દાઓમાં FIR નોંધાઈ

અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે રોજા રાખતી યુવતીના મામલે અમે બળાત્કારના આરોપ હેઠળ પહેલી FIR નોંધાવી હતી. તે ધરપકડ કરાયેલા આરોપી દાનિશ શેખ સાથે સંબંધમાં હતી, જેણે પોતાનાં લગ્ન થયાં હોવાની વાત છુપાવી હતી. FIR નોંધાયા પહેલાં ફેબ્રુઆરીમાં દાનિશની પત્નીએ યુવતીને મેસેજ કરીને અને પછી ફોન પર જણાવ્યું હતું કે તે લગ્નિત છે અને તેનાં બે બાળકો છે. અધિકારીએ કહ્યું હતું કે બળાત્કારનો કેસ એ કારણે નોંધાયો કે તેણે લગ્નનું વચન આપી યુવતી સાથે યૌન સંબંધ બનાવ્યા હતા. એ સાથે-સાથે યુવતીને પોતાનો ધર્મ અપનાવવા પ્રભાવિત કરવાનો આરોપ હોવાથી ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાની કલમ પણ ઉમેરાઈ હતી.

આ કેસમાં વિશેષ તપાસ ટીમ (SIT)નું નેતૃત્વ કરી રહેલા ACP (ક્રાઇમ) સંદીપ મિટકે જણાવ્યું કે તેમણે સૌથી પહેલા દાનિશ અને તેના મિત્ર તૌસીફ અત્તારને યુવતી સાથે યૌન સંબંધ બનાવવા દબાણ કરવાના આરોપમાં ધરપકડ કરી છે.

CM મમતાને આંચકોઃ EDએ I-PACના ડિરેક્ટર વિનેશ ચંદેલની કરી ધરપકડ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળ ચૂંટણી પહેલાં મુખ્ય મંત્રી મમતા બેનર્જીને મોટો આંચકો લાગ્યો છે. EDએ પોલિટિકલ કન્સલ્ટન્સી ફર્મ ઇન્ડિયન પોલિટિકલ એક્શન કમિટી (I-PAC)ના ડિરેક્ટર અને કો-ફાઉન્ડર વિનેશ ચંદેલને કથિત કોલસા કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ચંદેલને દિલ્હીમાં મની લોન્ડરિંગ પ્રતિબંધ અધિનિયમ (PMLA) હેઠળ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

દિલ્હીમાં ચંદેલનાં સ્થાનોઓ સિવાય, બેંગલુરુમાં I-PAC ના અન્ય સહ-સ્થાપક અને ડિરેક્ટર ઋષિ રાજ સિંહના પરિસર અને મુંબઈમાં આમ આદમી પાર્ટી (AAP) ના પૂર્વ સંચાર પ્રભારી વિજય નાયરનાં સ્થાનો પર બીજી એપ્રિલે EDએ દરોડા પાડ્યા હતા. આ મામલે કાર્યવાહી કરતાં EDએ 8 જાન્યુઆરીએ I-PAC ની ઓફિસ અને તેના સ્થાપકોમાંના એક પ્રતીક જૈનના કોલકાતા સ્થિત નિવાસ પર પણ દરોડા પાડ્યા હતા.

આ મામલે ત્યારે વિવાદ ઊભો થયો હતો જ્યારે પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનર્જી રાજ્ય સરકારના અધિકારીઓ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં. એ સમયે આક્ષેપ થયો હતો કે મુખ્ય મંત્રી તપાસ એજન્સીની કાર્યવાહી દરમિયાન કેટલીક મહત્વપૂર્ણ ફાઇલો સાથે ત્યાંથી નીકળી ગયાં હતાં. ચંદેલ કંપનીના સ્ટ્રેટેજિક ઓપરેશન્સ સાથે-સાથે પશ્ચિમ બંગાળમાં TMCના ચૂંટણી અભિયાનના સંચાલનમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા હતા.

શો છે આખો મામલો?

ED નો આ કેસ નવેમ્બર 2020માં CB) દ્વારા નોંધાયેલી FIR પર આધારિત છે. તેમાં પશ્ચિમ બંગાળના આસનસોલ અને આસપાસના વિસ્તારો -ખાસ કરીને કુનુસ્તોરિયા અને કજોરા વિસ્તારોમાં ઇસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડ દ્વારા સંચાલિત ખાણોમાંથી કરોડો રૂપિયાના કથિત કોલસા ચોરી કૌભાંડના આરોપો છે. EDના નિવેદન મુજબ આ કથિત કોલસા તસ્કરી સિન્ડિકેટ સાથે જોડાયેલા એક ‘હવાલા’ ઓપરેટરે I-PAC ની રજિસ્ટર્ડ યુનિટ ઇન્ડિયન PAC કન્સલ્ટિંગ પ્રાઇવેટ લિમિટેડ માટે કરોડો રૂપિયાની લેવડદેવડમાં મદદ કરી હતી.

10 દિવસની ED કસ્ટડી

અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે દિલ્હીની વિશેષ અદાલતે I-PAC ના સહ-સ્થાપક અને ડિરેક્ટર વિનેશ ચંદેલને મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા ધરપકડ કર્યા બાદ 10 દિવસની ED કસ્ટડીમાં મોકલ્યા છે.

બિહારના નવા મુખ્ય મંત્રી માટે સમ્રાટ ચૌધરીનું નામ ફાઇનલઃ સૂત્ર

પટનાઃ બિહારના નવા મુખ્ય મંત્રી તરીકે સમ્રાટ ચૌધરીનું નામ ફાઇનલ થયું છે અને તેઓ બિહારના નવા મુખ્ય મંત્રી બનશે એવી માહિતી સૂત્રોએ આપી છે. આજે બિહારમાં નીતીશકુમારનો યુગ સમાપ્ત થશે.  નીતીશકુમાર આજે મુખ્ય મંત્રી પદેથી રાજીનામું આપવાના છે. ગઈ કાલે રાત્રે ઉપ-મુખ્ય મંત્રી સમ્રાટ ચૌધરીના નિવાસસ્થાનની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. તેમના ઘર આસપાસ 50 મીટરના વિસ્તાર સુધી પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ત્યાં બેરિકેડિંગ કરી પોલીસ તહેનાત કરવામાં આવી છે.

ગઈ કાલે મુખ્ય મંત્રીના રાજકીય સલાહકાર દીપક કુમાર સહિત ઘણા મોટા અધિકારીઓએ સમ્રાટ ચૌધરી સાથે મુલાકાત કરી હતી. સૂત્રો મુજબ તેમનું નામ ફાઇનલ થઈ ગયું છે અને તેઓ જ બિહારના નવા મુખ્ય મંત્રી તરીકે શપથ લેશે.

નીતીશકુમાર આજે આપશે રાજીનામું

નીતિશ કુમાર આજે રાજ્યપાલને મળી પોતાનું રાજીનામું સોંપશે. 14 એપ્રિલે તેઓ પોતાની સરકારની કેબિનેટની છેલ્લી બેઠક કરશે અને પછી રાજીનામું આપશે.

15 એપ્રિલે શપથ ગ્રહણ

નીતીશકુમારના રાજીનામા બાદ 15 એપ્રિલે ગાંધી મેદાનમાં ભાજપના મુખ્ય મંત્રીના નેતૃત્વ હેઠળ એનડીએની નવી સરકારનું ગઠન થશે અને નવા મુખ્ય મંત્રી શપથ લેશે. 16 એપ્રિલથી સંસદનું ત્રણ દિવસનું વિશેષ સત્ર શરૂ થવાનું છે, જેમાં મહિલાઓને આરક્ષણ આપવા મુદ્દે ચર્ચા થશે. નીતીશકુમાર આ સત્રમાં ભાગ લેશે અને તે પહેલાં બિહારમાં સરકાર પરિવર્તનની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દેશે.

મોટો રાજકીય બદલાવ

બિહારના રાજકારણમાં ફરી એક વાર મોટા ફેરફારના સંકેતો દેખાઈ રહ્યા છે। પટનાનાં રાજકીય વર્તુળોમાં ચહલપહલ ત્યારે વધી ગઈ જ્યારે રવિવારે 20 કલાકમાં સમ્રાટ ચૌધરીએ મુખ્ય મંત્રી નીતીશકુમાર સાથે બીજી વાર મુલાકાત કરી હતી આ હાઇ-પ્રોફાઇલ બેઠક પછી રાજ્યમાં નવી સરકારના ગઠનની પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી ગઈ હોવાનું માનવામાં આવે છે.