Home Blog Page 131

Chitralekha Gujarati – 27 April, 2026

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

પંચાંગ 17/04/2026

આકરી ગરમી શરૂ થતાં જ AMC એક્શનમાં

અમદાવાદ: ગુજરાતના જુદા જુદા શહેરોમાં આકરી ગરમી શરૂ થઈ ગઈ છે. એમાંય તારીખ 14 થી 20 એપ્રિલ સવારના 8:30 વાગ્યા આકરી ગરમીની આગાહી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન ગરમીનો પારો 41 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. આગામી દિવસો દરમિયાન મહત્તમ તાપમાન 40 થી 41 ડિગ્રી રહેવાનું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હિટ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે શહેરના મોટા ટ્રાફિક સિગ્નલો પર ઝેબ્રા ક્રોસિંગ પાસે માંચડા તૈયાર કરી છાંયડો આવે એવી નેટ મુકવામાં આવી છે. સો દોઢસો સેકંડ પર સિગ્નલ ખુલવાની રાહ જોતાં વાહન ચાલકોને છાંયો મળે એવો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ટ્રાફિક જંકશનો પર ટ્રાફિક પોલીસની સાથે મળીને નિરાંત ચાર રસ્તા, સી.ટી.એમ.ચાર રસ્તા, વિક્ટોરિયા ગાર્ડન ચાર રસ્તા, પુષ્પકુંજ ચાર રસ્તા, જવાહર ચોક ચાર રસ્તા , મેમ્કો ચાર રસ્તા પર નેટ લગાવવામાં આવેલ છે.

શહેરમાં 78થી વધારે ટ્રાફિક જંકશનો ટ્રાફિક પોલીસ દ્વારા બ્લિન્કિંગ મોડ પર મૂકવામાં આવ્યા છે. જેથી વાહન ચાલકોને ગરમીમાં ઉભાં રહેવું ના પડે. આ સાથે એ.એમ.સી દ્વારા જુદા-જુદા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે. શહેરીજનો માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. શાળાઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બસ સ્ટેન્ડ બગીચા જેવા સ્થળોએ પણ નાગરિક સુવિધાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

LPG પછી હવે દવાઓના ભાવ 20 ટકા સુધી વધવાની શક્યતા

નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવની અસર હવે દવાઓના બિલ પર પણ પડશે. કાચા માલના વધતા ભાવ અને સપ્લાય ચેઇન ખોરવાઈ જવાને કારણે સરકાર જરૂરી દવાઓના ભાવમાં 10થી 20 ટકા સુધીનો તાત્કાલિક વધારો કરવાની વિચારણા કરી રહી છે, તેમાં કેન્સર જેવી ગંભીર બીમારીઓના ઈલાજમાં ઉપયોગ થતી દવાઓ અને એન્ટિબાયોટિક્સ પણ સામેલ છે.

દવાઓના ભાવ વધારવા કેમ જરૂરી બન્યું?

ફાર્મા કંપનીઓનું કહેવું છે કે દવાઓ બનાવવા માટે વપરાતા સોલ્વન્ટ્સ (કાચો માલ)ના સપ્લાય ગંભીર રીતે અસરગ્રસ્ત થઈ છે. મોટા ભાગનો કાચો માલ પેટ્રોકેમિકલ ઉત્પાદનો છે, જે ખાડી દેશોમાંથી આવે છે. યુદ્ધને કારણે તેમની કિંમતો વધી ગઈ છે અને સપ્લાયમાં અવરોધ આવ્યો છે. કંપનીઓ મુજબ ખર્ચ એટલો વધી ગયો છે કે જૂના દરે દવાઓ બનાવવી નુકસાનકારક બની રહી છે. જો ભાવ વધારવામાં નહીં આવે તો બજારમાં દવાઓની અછત સર્જાઈ શકે છે.

કઈ દવાઓ મોંઘી થશે?

આ વધારો ‘પ્રાઇસ કન્ટ્રોલ’ હેઠળ આવતી દવાઓ પર લાગુ થઈ શકે છે:

* કેન્સરની દવાઓ: ગંભીર બીમારીઓના ઈલાજ માટેના ઇન્જેક્શન અને ગોળીઓ

* એન્ટિબાયોટિક્સ: ચેપ અટકાવતી જરૂરી દવાઓ

* ઇન્જેક્શન: હોસ્પિટલોમાં વપરાતા જીવનરક્ષક ઇન્જેક્શન

આ વધારો તાત્કાલિક રહેશે

સરકાર આ વધારો ટૂંકા ગાળાના ઉપાય તરીકે જોઈ રહી છે. ચર્ચા છે કે આ વધારો ઓછામાં ઓછા ત્રણ મહિના માટે લાગુ થઈ શકે છે. જેમ જ ખાડી દેશોમાંથી સપ્લાય સામાન્ય થશે અને કાચા માલના ભાવ ઘટશે, દવાઓના ભાવ ફરી જૂના સ્તરે લાવવામાં આવશે. કેટલીક કંપનીઓએ 50 ટકા સુધી ભાવ વધારાની માગ કરી હતી, પરંતુ સરકાર માત્ર 10-20%નો નિયંત્રિત વધારો કરવા માગે છે.કંપનીઓ સામે સ્ટોકની પડકાર

કંપનીઓ સોલ્વન્ટ્સનો મોટો સ્ટોક રાખી શકતી નથી, કારણ કે આ કેમિકલ્સ જ્વલનશીલ અને જોખમી હોય છે. સરકાર જાહેર હિતને ધ્યાનમાં રાખીને અસાધારણ પરિસ્થિતિઓમાં ભાવમાં ફેરફાર કરી શકે છે. એક મોટો પ્રશ્ન એ પણ છે કે જ્યારે ભાવ પાછા ઘટાડવામાં આવશે ત્યારે ઊંચા ભાવે બનેલા જૂના સ્ટોકનું શું થશે—આ મુદ્દે હજુ સ્પષ્ટતા નથી.

લાહોરમાં લશ્કરના સ્થાપક અમીર હમઝા પર લોહિયાળ હુમલો

લશ્કર-એ-તૈયબાના સ્થાપક સભ્ય અને ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફિઝ સઈદના જમણા હાથ ગણાતા અમીર હમઝા પર લાહોરમાં અજ્ઞાત હુમલાખોરોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું છે. હમઝાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અમીર હમઝા ૨૦૦૫ના બેંગલુરુ આઈએઆઈએસસી (IISc) હુમલા સહિત અનેક આતંકી ગતિવિધિઓમાં સામેલ રહ્યો છે. પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી ભારત વિરોધી આતંકવાદીઓની જે રીતે ‘ટાર્ગેટ કિલિંગ’ થઈ રહી છે, તેમાં આ વધુ એક મોટો કિસ્સો છે.

અમીર હમઝા પર થયેલો આ હુમલો અત્યંત સુનિયોજિત હોવાનું મનાય છે. પાકિસ્તાની સુરક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર, હમઝા જ્યારે રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે હુમલાખોરોએ તેને નિશાન બનાવ્યો હતો. જે રીતે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે તે દર્શાવે છે કે હુમલાખોરોને તેની હિલચાલ વિશે ચોક્કસ માહિતી હતી. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ હુમલા બાદ સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે અને પોલીસ હુમલાખોરોની શોધખોળ કરી રહી છે, પરંતુ અત્યાર સુધી કોઈની ધરપકડ થઈ શકી નથી.

કોણ છે અમીર હમઝા, તે જાણવું પણ જરૂરી છે. લશ્કર-એ-તૈયબાની સ્થાપના કરનાર પ્રથમ ૧૭ સભ્યોની યાદીમાં અમીર હમઝાનું નામ સામેલ છે. તે હાફિઝ સઈદનો માત્ર નજીકનો સાથી જ નથી, પરંતુ સંગઠનની વિચારધારા ફેલાવવામાં તેની ભૂમિકા પાયાની રહી છે. હમઝા લશ્કરના પ્રોપેગન્ડા વિંગ અને તેના પ્રકાશન વિભાગની જવાબદારી સંભાળતો હતો. તેણે લશ્કર માટે અનેક સામયિકો અને પુસ્તકોનું સંપાદન પણ કર્યું છે. વર્ષ ૨૦૧૨માં અમેરિકાએ તેને વૈશ્વિક આતંકવાદી (Global Terrorist) જાહેર કર્યો હતો, જે તેની ખતરનાક ગતિવિધિઓનો પુરાવો છે.

ડ્રેસ કોડ વિવાદઃ બિંદી-તિલક પર પ્રતિબંધ, પરંતુ હિજાબને મંજૂરી?

નવી દિલ્હીઃ લેન્સકાર્ટ(Lenskart)ના ઓફિસ ડ્રેસ કોડ સાથે જોડાયેલો એક દસ્તાવેજ લીક થતાં ભારે વિવાદ ઊભો થયો હતો. લોકોનો આરોપ હતો કે આ દસ્તાવેજ મુજબ ઓફિસમાં બિંદી અને તિલક લગાવવાની મંજૂરી નથી, જ્યારે હિજાબને મંજૂરી આપવામાં આવી છે. આ મામલો વધતાં કંપનીના ફાઉન્ડર અને CEO પીયૂષ બંસલે સ્પષ્ટ કર્યું છે કે આ દસ્તાવેજ ખોટો છે અને કંપનીની હાલની નીતિઓ દર્શાવતો નથી.

લેનસ્કાર્ટ આઈવેર (ચશ્માં) ઉદ્યોગની મોટી કંપની છે, જે સસ્તા ભાવે ચશ્માં ઉપલબ્ધ કરાવે છે. કંપની પોતે ફ્રેમ અને લેન્સ બનાવે છે અને મધ્યસ્થીઓને દૂર કરીને ખર્ચ ઘટાડે છે. આ સ્ટાર્ટઅપ 2019માં યુનિકોર્ન બન્યું હતું અને હાલમાં લગભગ 5.6 અબજ ડોલરના મૂલ્યાંકન સાથે IPOની તૈયારીમાં છે.

એ દરમિયાન  ઓફિસ ડ્રેસ કોડ સાથે જોડાયેલો દસ્તાવેજ લીક થતા કંપનીને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો. સિંદૂર, જે વિવાહિત હિંદુ મહિલાઓની ઓળખ માનવામાં આવે છે, તેના વિશે દસ્તાવેજમાં લખવામાં આવ્યું હતું કે સિંદૂર ઓછામાં ઓછું લગાવવું જોઈએ અને તે કપાળ પર ન ફેલાવું જોઈએ. બિંદી લગાવવાની મંજૂરી નથી.

આ દસ્તાવેજમાં આગળ લખ્યું હતું કે હિજાબની મંજૂરી છે અને મુસ્લિમ મહિલાઓ માટે માથા પર પહેરાતા સ્કાર્ફ વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

ઓનલાઇન શેર કરાયેલા દસ્તાવેજ મુજબ હિજાબ,પઘડી પહેરતી વખતે તેનો રંગ કાળો હોવો જોઈએ. હિજાબ છાતીના મધ્ય ભાગ સુધી આવવો જોઈએ અને કંપનીના લોગોને ઢાંકી ન દેવો જોઈએ. સ્ટોરમાં બુરખા પહેરવા પર પ્રતિબંધ છે. આ લીક દસ્તાવેજમાં એ પણ જણાવવામાં આવ્યું હતું કે બિંદી/ક્લચર (હેર ક્લિપ)ની મંજૂરી નથી અને ધાર્મિક દોરા અથવા હાથમાં પહેરાતા કલાવાને દૂર કરવા કહેવામાં આવ્યું હતું.

આ મુદ્દે લેખિકા અને કાર્યકર શૈફાલી વૈદ્યે X પર પીયૂષ બંસલને ટેગ કરીને પ્રશ્ન પૂછ્યો હતો કે હિજાબને મંજૂરી છે, પરંતુ બિંદી/કલાવાને કેમ નહીં?

એના જવાબમાં બન્સલે જણાવ્યું હતું કે આ લીક થયેલો દસ્તાવેજ કંપનીની હાલની નીતિઓને દર્શાવતો નથી. તેમણે લખ્યું હતું કે હું સ્પષ્ટ કહેવા માગું છું કે આ અમારી વર્તમાન નીતિઓ નથી.. અમારી ગ્રુમિંગ પોલિસી સમય સાથે બદલાતી રહે છે અને જૂના વર્ઝન આજે અમારી ઓળખ દર્શાવતા નથી. આથી થયેલી ગેરસમજ અને ચિંતાઓ માટે અમે માફી માગીએ છીએ.

સીમાંકન બિલ પર વિપક્ષે વ્યક્ત કર્યો વિરોધ

નવી દિલ્હીઃ લોકસભામાં કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે મહિલા આરક્ષણ અધિનિયમ સંબંધિત ‘બંધારણ (131મો) સુધારો બિલ, 2026’ અને ‘સીમાંકન બિલ, 2026’ રજૂ કર્યા હતા. ગૃહ મંત્રી અમિત શાહે ‘સંઘ રાજ્ય કાયદા (સુધારો) બિલ, 2026’ રજૂ કર્યું હતું. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને TMC દ્વારા આ બિલોનો વિરોધ કરવામાં આવ્યો હતો.

‘ભંધારણ (131મો) સુધારો બિલ, 2026’ રજૂ કરવાની પ્રસ્તાવના પક્ષમાં 251 મત અને વિરોધમાં 185 મત પડ્યા હતા. આ પહેલાં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, ડીએમકે અને અન્ય વિરોધ પક્ષના નેતાઓએ આ બિલોને ‘ગેબંધારણીય’ ગણાવીને તેમના સમયને લઈને પ્રશ્નો ઉઠાવ્યા હતા.કોંગ્રેસના કે.સી. વેણુગોપાલે ત્રણેય બિલોને ભારતના સંઘીય માળખા પર હુમલો ગણાવીને કહ્યું હતું કે આ સમયે બિલ લાવવાનો હેતુ શું છે? તેમણે કહ્યું હતું કે સંસદનાં બંને ગૃહોએ 2023માં જ મહિલા આરક્ષણ બિલ સર્વસંમતિથી પાસ કર્યું હતું, તો સરકારએ તે વખતે જ તેને અમલમાં કેમ ન લાવ્યું? વેણુગોપાલે સરકાર પર નિશાન સાધતાં કહ્યું હતું કે તમે 2029ની લોકસભા ચૂંટણીથી ડરી રહ્યા છો. તમે ગેરબંધાણીય બિલો લાવી રહ્યા છો. તેમને પાછા ખેંચવા જોઈએ.

મહિલા આરક્ષણને સીમાંકન સાથે ન જોડો – ગૌરવ ગોગોઇ

કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઇએ લોકસભામાં કહ્યું હતું કે અમારી પાર્ટી મહિલા આરક્ષણના પક્ષમાં છે. કૃપા કરીને આ કાયદાને સરળ બનાવો અને તેને સીમાંકન સાથે ન જોડો.

અમિત શાહે  કહ્યું,  ધર્મને આધારે આરક્ષણ ગેરબંધાણીય

ગૃહ મંત્રી અમિત શાહે લોકસભામાં કહ્યું હતું કે દેશમાં જનગણતરીની પ્રક્રિયા ચાલી રહી છે અને તેમાં જાતિ આધારિત ગણતરી પણ થશે. તેમણે વધુમાં કહ્યું હતું કે ધર્મને આધારે મુસ્લિમોને આરક્ષણ આપવું ગેરબંધારણીય છે. લોકસભામાં મહિલા આરક્ષણ અધિનિયમમાં સુધારો અને સીમાંકન સંબંધિત ત્રણ બિલ રજૂ કરતી વખતે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ અને ધર્મેન્દ્ર યાદવની ટિપ્પણીઓનો જવાબ આપતાં શાહે આ વાતો કહી હતી.

સ્કેમ એલર્ટ: જનગણતરીને નામે ઠગો કરી રહ્યા છેતરપિંડી

નવી દિલ્હીઃ  દેશમાં 2026-27ની આગામી જનગણનાની તૈયારી ચાલી રહી છે. આનો લાભ ઉઠાવી ઠગો લોકોને છેતરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ “જનગણતરી”ને નામે લોકો પાસેથી વ્યક્તિગત અને બેંક સંબંધિત માહિતી માગે છે. નિષ્ણાતો મુજબ ઠગ લોકો જનગણતી અધિકારી બનીને ઘરોમાં જઈ ડેટા એકત્રિત કરવાનું બહાનું બનાવી શકે છે. સોશિયલ મિડિયા પર પણ જનગણતરીને લગતા ખોટા મેસેજ ફેલાઈ રહ્યા છે.

 

વોટ્સએપ પર વાયરલ થયેલા મેસેજમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચોરો ગૃહ મંત્રાલયના અધિકારી બની “જનગણતરી”ને બહાને ઘરોમાં ચોરી કરે છે. જોકે આ દાવો ખોટો સાબિત થયો છે, છતાં સુરક્ષિત રહેવા માટે કેટલીક બાબતો જાણવી જરૂરી છે.

અસલી જનગણના અધિકારી ક્યારેય આ બાબતો નહીં માગે

  1. બેંક વિગતો: સંપૂર્ણ એકાઉન્ટ નંબર, ક્રેડિટ/ડેબિટ કાર્ડ માહિતી, UPI PIN અથવા OTP—આવી માહિતી માગે તો વિશ્વાસ ન કરવો.
  2. આધાર અથવા PAN કાર્ડની નકલ: જનગણતરીમાં આવી નકલ લેવામાં આવતી નથી.
  3. પૈસા અથવા દાન: જનગણતી માટે કોઈ ફી લેવામાં આવતી નથી.
  4. પાસવર્ડ: કોઈ પણ પાસવર્ડ અથવા OTP શેર ન કરવો.
  5. ઘરમાં પ્રવેશ: જનગણતરી અધિકારી ઘર અંદર જવાની જબરદસ્તી નહીં કરે.

6.એપ ડાઉનલોડ કરાવવું: કોઈ અજાણી લિંક પર ક્લિક કરાવવું કે એપ ઇન્સ્ટોલ કરાવવું—સાવધાન રહેવું.

ઠગો કેવી રીતે કામ કરે છે:

  1. ફેક ઘર-ઘર સર્વે: પોતાને સરકારી અધિકારી બતાવી ID, બેંક વિગતો અથવા વેરિફિકેશન ફી માગે છે.
  2. ફિશિંગ વેબસાઈટ/ઈમેલ: અસલી જેવી દેખાતી નકલી વેબસાઈટ બનાવી લોકો સાથે છેતરપિંડી કરે છે.
  3. SMS અને કોલ સ્કેમ: ખોટા મેસેજ અથવા કોલ દ્વારા વ્યક્તિગત માહિતી મેળવવાનો પ્રયાસ કરે છે.

અસલી જનગણના પ્રક્રિયા:

અસલી જનગણના પ્રક્રિયા સરળ અને સુરક્ષિત હોય છે. સરકારી અધિકારીઓ ઘેર આવીને પૂછપરછ કરે છે અને તેમની પાસે યોગ્ય ઓળખપત્ર હોય છે. તેઓ સામાન્ય પ્રશ્નો પૂછે છે અને કોઈ નાણાકીય માહિતી લેતા નથી.

સંસદનું વિશેષ સત્રઃ મહિલા આરક્ષણ, સીમાંકન બિલ પર થશે ચર્ચા

નવી દિલ્હીઃ આજથી સંસદનું વિશેષ સત્ર શરૂ થઈ રહ્યું છે. તેમાં મહિલા આરક્ષણ બિલ રજૂ કરવામાં આવશે. એ સાથે જ જનગણના બાદ પ્રસ્તાવિત સીમાંકન અને લોકસભાની બેઠકોમાં શક્ય વધારા જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા થશે. આ દરમિયાન સમાચાર છે કે લોકસભામાં મોદી સરકાર એક “શેડ્યુલ” રજૂ કરે  એવી શક્યતા છે. શેડ્યુલનો અર્થ થાય છે કે કોઈ વધારાની જોગવાઈ હેઠળ બિલ સાથે જોડાયેલી વિગતવાર માહિતી આપવી.

હકીકતમાં, લોકસભામાં  સરકાર ત્રણ બિલ રજૂ કરવા જઈ રહી છે, જેમાં મહિલા આરક્ષણ અને સીમાંકન પ્રક્રિયા અંગે ઘણું સમજાવવામાં આવશે, પરંતુ લોકસભાની બેઠકોમાં શા ફેરફાર થશે તે અંગે હજી સ્પષ્ટ માહિતી નથી. એ કારણે સરકાર અલગથી એક શેડ્યુલ લાવીને તમામ શંકાઓ દૂર કરવા માગે છે. એક સૂત્રએ કહ્યું હતું કે કોઈ પણ ગેરસમજ બાકી રાખવામાં આવશે નહીં, બધું કાયદા મુજબ જ કરવામાં આવશે.

ઉદાહરણ તરીકે, હાલમાં તામિલનાડુમાં લોકસભાની 39 બેઠકો છે, એટલે કે કુલ બેઠકોમાં તેનો હિસ્સો આશરે 7.2 ટકા થાય છે. સરકારનું કહેવું છે કે જો સીમાંકન થાય અને બેઠકો વધે તો પણ આ હિસ્સો લગભગ 7.2 ટકા જ રહેશે. અંદાજ છે કે દરેક રાજ્યની બેઠકોમાં આશરે 50 ટકા જેટલો વધારો થઈ શકે છે. આવી સ્થિતિમાં તામિલનાડુને 57થી 58 બેઠકો મળી શકે છે.

દક્ષિણનાં રાજ્યોને ભય શા માટે?

તામિલનાડુને લઈને ચર્ચા વધુ છે કારણ કે મુખ્ય મંત્રી એમ.કે. સ્ટાલિન આ મુદ્દે વિરોધ દર્શાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે જો 2011ની જનગણનાને આધાર બનાવવામાં આવશે, તો ઉત્તર પ્રદેશ અને બિહાર જેવાં રાજ્યોની બેઠકોમાં મોટો ફેરફાર થઈ શકે છે.

સૂત્રોએ એ માહિતી પણ આપી છે કે સંઘીય સંતુલન જાળવવા માટે બેઠકો વધારવામાં આવી રહી છે. એ સાથે જ કુલ બેઠકોમાંથી એક તૃતીયાંશ (એક-તૃતીય) બેઠકો મહિલાઓ માટે આરક્ષિત રહેશે. એવું પણ કહેવામાં આવ્યું છે કે સીમાંકનની પ્રક્રિયા રાજ્યોની અંદર ચૂંટણી ક્ષેત્રોની સીમાઓમાં ફેરફાર કરશે અને આ 2011ની જનગણનાને આધારે થશે. અત્યાર સુધી 2001ની જનગણનાને આધારે રાજ્યોની અંદર ક્ષેત્રોની પુનઃવ્યવસ્થા કરવામાં આવતી હતી.

પંચાંગ 16/04/2026