મુંબઈઃ દેશની અગ્રણી ખાનગી ક્ષેત્રની બેન્કોમાંની એક યસ બેન્કે આજે જાહેરાત કરી છે કે તે વર્ષ 2026 દરમિયાન યોજાનારી ચાર મુખ્ય ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સમાં ભાગ લેનારી ટીમ ઈન્ડિયા માટે ભારતીય ઓલિમ્પિક એસોસિયેશન (IOA)ની સત્તાવાર રિટેલ બેન્કિંગ પાર્ટનર તરીકે સહયોગ આપશે. પેરિસ ઓલિમ્પિક્સ 2024 દરમિયાન ટીમ ઈન્ડિયાની સત્તાવાર બેન્કિંગ પાર્ટનર તરીકેની સફળ ભૂમિકાને આગળ વધારતાં બેન્કે આ મહત્વપૂર્ણ ભાગીદારી દ્વારા દેશમાં રમતગમતના ભવિષ્યને પ્રોત્સાહન આપવા અને તેના સતત વિકાસ માટે પોતાની લાંબા ગાળાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી છે.
બેન્ક વર્ષ 2026 દરમિયાન યોજાનારી ચાર મુખ્ય આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં 100થી વધુ રમતગમતની સ્પર્ધાઓમાં ભાગ લેનારા ભારતીય ખેલાડીઓને સહયોગ આપશે. આ સ્પર્ધાઓમાં કોમનવેલ્થ ગેમ્સ 2026 (ગ્લાસગો, સ્કોટલેન્ડ), એશિયન ગેમ્સ, 2026 (આઈચી-નાગોયા, જાપાન), યુથ ઓલિમ્પિક ગેમ્સ 2026 (ડકાર, સેનેગલ) અને એશિયન ઈન્ડોર એન્ડ માર્શલ આર્ટ્સ ગેમ્સ 2026 (રિયાધ, સાઉદી અરેબિયા)નો સમાવેશ થાય છે.
આ ભાગીદારી યસ બેન્કના એવા વ્યાપક અભિગમને રજૂ કરે છે, જેના અંતર્ગત દેશના ભવિષ્યને ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા લોકો અને સંસ્થાઓને સશક્ત બનાવી અર્થપૂર્ણ યોગદાન આપવામાં આવે છે. આ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સમાં વિશ્વભરના ખેલાડીઓ વેઇટલિફ્ટિંગ, બોક્સિંગ, જુડો, તીરંદાજી, ક્રિકેટ, બેડમિન્ટન સહિતની વિવિધ રમતોમાં પોતાની પ્રતિભા દર્શાવવા માટે એકત્રિત થશે. આ ભાગીદારી અંગે યસ બેન્કના મેનેજિંગ ડિરેક્ટર અને CEO વિનય એમ. તોન્સેએ જણાવ્યું હતું કે વર્ષ 2026 દરમિયાન યોજાનારી ચાર પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સમાં ટીમ ઈન્ડિયાને સહયોગ આપવા માટે ભારતીય ઓલિમ્પિક એસોસિયેશન સાથે ભાગીદારી કરતાં અમને ગર્વની લાગણી થાય છે. રમતગમતમાં દેશને પ્રેરણા આપવાની, આરોગ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવાની, પાયાના સ્તરે પ્રતિભાને વિકસાવવાની તેમ જ શિસ્ત, ધૈર્ય અને ટીમવર્ક દ્વારા વ્યક્તિત્વનું ઘડતર કરવાની અસાધારણ શક્તિ છે. આ તમામ મૂલ્યો વ્યક્તિઓ, સમાજ અને વ્યવસાયોને સશક્ત બનાવવાની તથા ભારતના રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવાની યસ બેન્કની પ્રતિબદ્ધતા સાથે સંપૂર્ણપણે સુસંગત છે.
આ ભાગીદારીનું સ્વાગત કરતાં ભારતીય ઓલિમ્પિક એસોસિયેશનનાં અધ્યક્ષ ડો. પી.ટી. ઉષાએ જણાવ્યું હતું કે ભારતીય ઓલિમ્પિક એસોસિયેશનના લાંબા ગાળાના ભાગીદાર તરીકે યસ બેન્કનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. દેશમાં રમતગમતના વિકાસ માટે તેમની સતત પ્રતિબદ્ધતા પ્રશંસનીય છે.
આગામી છ મહિનામાં યસ બેન્ક ઇન્ડોર અને આઉટડોર એમ બંને પ્રકારની વિવિધ સ્પોર્ટ્સ ઇવેન્ટ્સને સહયોગ આપશે. તેમાં યુથ ઓલિમ્પિક ગેમ્સ 2026નો સમાવેશ થાય છે, જે 17 વર્ષથી ઓછી વયના યુવા ખેલાડીઓને પોતાની પ્રતિભા દર્શાવવા માટેનું મંચ પૂરું પાડે છે. ઉપરાંત એશિયન ઇન્ડોર એન્ડ માર્શલ આર્ટ્સ ગેમ્સ 2026ને પણ સહયોગ આપવામાં આવશે, જેમાં મુખ્યત્વે મિક્સ્ડ માર્શલ આર્ટ્સ (એમએમએ), વુશુ અને કિકબોક્સિંગ જેવી રમતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.




