વિશ્વ પુસ્તક દિવસ: આ પુસ્તકાલયને નથી કોઈ પૂછનાર…

અમદાવાદ: શહેરની મધ્યમાં ટ્રાફિકથી ધમધમતા એવા રાયપુર કાંકરિયા રોડ પર ખંડેર હાલતમાં એક પુસ્તકાલયની ઈમારત આવેલી છે. ઈમારત ખંડેર થઈ છે, પરંતુ તેનો ભૂતકાળ ભવ્ય હશે એમ તેને જોતાં જ ખ્યાલ આવી જાય. ‘આપારાવ ભોલાનાથ પુસ્તકાલય’ લખેલી આ ઈમારતને અડીને આવેલા ફૂટપાથ પર રાયપુર દરવાજાનું AMTSનું બસ સ્ટેન્ડ આવેલું છે. લારી ખુમચાવાળા ફેરિયાઓ આ ફૂટપાથ રોકીને બેઠા હોય છે.બંધ દરવાજા ખંડેર જેવી વેરવિખેર ઈમારતમાં કોઈ છે? એમ પૂછતાં જ લારીવાળાએ તરત જ કહ્યું, “એક માણસ અંદર રહે છે.” પુસ્તકાલયનું બારણું ખખડાવ્યું માણસ બહાર આવ્યો.

આ પુસ્તકાલય કેમ બંધ અને ખંડેર હાલતમાં છે…?
પ્રશ્નના જવાબમાં ઈમારતમાં રહેતા સુરેશ ઠાકોરે કહ્યું કોઈ સંચાલકોને આ લાઈબ્રેરી ચલાવવામાં રસ નથી. છેલ્લા વીસ વર્ષોથી ‘આપારાવ ભોળાનાથ પુસ્તકાલય’ બંધ છે. હજારો ચોપડીઓ છે એ બધી ઉપરના માળે મુકેલી છે. અમે મૂળ સૈજપુરના પણ અમારી ત્રીજી પેઢીનો હું માણસ છું, જે આ પુસ્તકાલયની ઈમારતમાં રહીએ છીએ.આ પુસ્તકાલયને સંચાલન કરતી કમિટીમાંના એક સભ્ય ડોક્ટર ચૈતન્ય પટેલ ચિત્રલેખા.કોમ ને કહે છે કમિટીમાં હવે હું એકલો જ રહ્યો છું. બાકીના લોકો ગુજરી ગયા. આ વિસ્તારમાં હું અને મારા પિતાજી બંને પ્રતિષ્ઠત ડોક્ટર સાથે સમાજ સેવક. આ લાઈબ્રેરીને બચાવવા અને ચાલુ રાખવા અથાગ પ્રયત્ન કર્યા. ટ્રસ્ટમાં હોવાને કારણે સરકારી અને ખાનગી લોકો પાસેથી આ ઈમારતની રૂમો જગ્યાઓ ખાલી પણ કરાવી. હવે આ વિસ્તારના બાળકો યુવાનો વિદ્યાર્થીઓ વાંચી શકે ભણી શકે એવી કોમ્પ્યુટર સાથેની અદ્યતન લાઈબ્રેરી વિકસાવવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. સરકાર વાંચે ગુજરાત જેવા કાર્યક્રમો કરે છે. એ સાથે પુસ્તકાલયોને પ્રોત્સાહિત કરવા અનુદાન તેમજ સગવડો આપે તો આવનારી પેઢીઓને લાભ થાય. ઈતિહાસ અને પુરાતત્વમાં રસ ધરાવતા લોકોના મતે રાયપુરનું આ પુસ્તકાલય 150 વર્ષ કરતાંય જૂનું છે. ભોળાનાથ એક વિદ્વાન વડનગરા નાગર હતા. જે સંસ્કૃતિ, સાહિત્યને જાળવવામાં માનતા હતા. લોકો સુધી જ્ઞાન પહોંચે એ માટે દિકરાના નામ પરથી આપારાવ ભોળાનાથ પુસ્તકાલય નામ આપ્યું હતું એવું માનવામાં આવે છે. સ્માર્ટ સિટી, હેરિટેજ સિટીનો દરજ્જો ધરાવતા અમદાવાદનું આ ખાનગી પુસ્તકાલય એકદમ કાંકરિયા તરફ જતાં માર્ગને અડીને જ આવેલું છે. જેના પગથિયાંથી માંડી આખી ઈમારત ખંડેર હાલતમાં છે, છોડ અને ઝાડ ઉગી ગયા છે. જ્ઞાન પીરસતી આ ઈમારત તો ખાનગી છે. જે ખંડેર હાલતમાં ફેરવાઈ ગઈ છે. સૌથી મજાની વાત એ છે કે આ પુસ્તકાલયને કોઈ પુછનાર નથી. હેરિટેજ ઈમારતની કોઈને દરકાર નથી. પણ…આજ ઈમારતથી થોડે જ દૂર મનોરંજન, મોજ, મસ્તી અને રમત-ગમતને વિકસાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)