પુસ્તકોનું પરબ જ્ઞાનની તરસનું અમૃતજળ..  

અમદાવાદ: આજે વૈશ્વિક પુસ્તક દિન છે. તો ચલો જાણીએ અનોખા પુસ્તકના પરબની વાત. તરસ્યાને તરસ લાગે અને પાણીની પરબમાં જાય અને નિ:શુલ્ક કિંમતે તરસ છીપાવે, એમ જ્ઞાનનો તરસ્યો માણસ પુસ્તકના પરબમાં આવે, જ્ઞાનની તરસ નિ:શુલ્ક છીપાવે એ જ છે પુસ્તક પરબ. આ પરબમાં લોકો પોતાના પુસ્તકોનું દાન કરી બીજાને પુસ્તકોનો આનંદ આપે છે.

પુસ્તક પરબ સાંભળીને કંઈક નવીન લાગતું હશે. પણ હા, ભુષણ અશોક ભટ્ટ પાસે આજથી ચાર વર્ષ પહેલા 1200 પુસ્તકોનું બહોળું સંગ્રહ હતું. કોરોનાના કપરા સમયમાં તેમણે વિચાર્યું કે આ ભંડોળનો આનંદ બીજા લોકો કેમ ન લઈ શકે? તેમણે પુસ્તક પરબ શરૂ કર્યું. આ પરબમાં વાંચકો કોઈપણ પુસ્તક ફ્રીમાં વાંચવા લઈ જતા. જેના બદલામાં કોઈને પુસ્તક દાન કરવાની ઈચ્છા હોય, તો પુસ્તકનું દાન પણ આપી શકે છે. ભૂષણ ભટ્ટના આ અનોખા પ્રયોગને લોકોએ આવકાર્યો. ખુબ ટૂંકા સમયમાં પુસ્તકનું ભંડોળ 1200થી 8000 સુધી પહોંચ્યું. જે બાદ PM મોદીના ‘વાંચે ગુજરાત અભિયાન’ને આગળ વધારવાના સંકલ્પથી પુસ્તક પરબ યથાવત્ રાખવાનો સંકલ્પ કર્યો. ભૂષણ ભટ્ટ દર રવિવારે રાયપુર ચકલા પાસે સવારે 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી પુસ્તકોનો સંગ્રહ ખુલો મુકે છે. હાલ પુસ્તક પરબમાં લગભગ 20000 જેટલા પુસ્તકો છે.

 

પુસ્તક પરબને ચાર વર્ષ પૂર્ણ થયા અને પાંચમાં વર્ષમાં મંગલ પ્રવેશ થયો. જેની ખુશીમાં ભૂષણ ભટ્ટ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્દેશક અસિત મોદી, મોટિવેશનલ સ્પીકર સંજય રાવલ, અર્ચના ત્રિવેદી,અરવિંદ વેગડા, વિવેક શાહ કુ.મોસમ-મલકા મેહતા ઉપસ્થિત રહ્યા હતા.

ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ભૂષણ ભટ્ટે જણાવ્યું કે, “પાંચમાં વર્ષમાં પ્રવેશ કરતા મને આનંદનો અનુભવ થાય છે. આ સેવા કાર્યમાં કેટલાક તો એવા લોકો પણ છે જે સતત ચાર વર્ષથી પુસ્તક વાંચવા માટે લઈ જાય છે અને એક સપ્તાહમાં વાંચી પરત કરે છે. જેને જોઈ મને આનંદની અનુભૂતિ થાય છે.”