ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના પ્રાંગણમાં આજે અંતર્ગત ‘મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ અભિયાન હેઠળ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે તેનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિધાનસભા ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી અને મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મનિષાબેન વકીલ ખાસ હાજર રહ્યા હતા.

આ પ્રસંગે શંકર ચૌધરીએ જણાવ્યું કે, “ગુજરાતની મહિલાઓએ પોતાના પુરુષાર્થ અને કૌશલ્ય થકી હસ્તકલા, ખાસ કરીને ભરતકામ જેવા ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી છે. આજે ગુજરાતની આ પરંપરાગત કળા સમગ્ર વિશ્વ માટે એક પ્રતિષ્ઠિત ‘બ્રાન્ડ’ બની ગઈ છે. વિધાનસભાના પ્રાંગણમાં આ પ્રકારનું આયોજન એ રાજ્યની બહેનો માટે એક નવી આશાનું કિરણ છે.”

મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મનીષાબેન વકીલે આ સુંદર પહેલ બદલ શંકર ચૌધરીને અભિનંદન પાઠવ્યા. સાથે જ અનુરોધ કર્યો કે, ધારાસભ્યોના માધ્યમથી આ કળાનો રાજ્યના ખૂણે-ખૂણે પ્રચાર થાય તે દિશામાં સઘન પ્રયાસો કરવા જોઈએ.
ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિ.’ દ્વારા આયોજિત આ પ્રદર્શન ૨૩ ફેબ્રુઆરીથી ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધી યોજવામાં આવ્યું છે. વિધાનસભાના પ્રાંગણમાં સવારે ૯:૩૦ થી સાંજે ૬:૩૦ કલાક દરમિયાન નાગરિકો આ સ્ટોલની મુલાકાત લઈ શકશે. વિધાનસભાના પ્રાંગણમાં મહિલા કારીગરો દ્વારા તૈયાર કરાયેલ હસ્તકલા અને સ્વદેશી ઉત્પાદનોના કુલ ૧૦ પ્રદર્શન-સહ-વેચાણ સ્ટોલ્સ રાખવામાં આવ્યા છે.


