શું બિહારમાં CM ચહેરો હશે તેજસ્વી યાદવ?

પટનાઃ બિહારમાં આ વર્ષની અંતમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. તે પહેલાં દિલ્હીમાં મહાગઠબંધનમાં સામેલ કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના મોટા નેતાઓની મહત્ત્વની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે હાજર રહ્યા હતા, જયારે RJD તરફથી તેજસ્વી યાદવ અને મનોજ ઝા ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠક બાદ તેજસ્વી યાદવે કહ્યું હતું કે મને ખબર નથી પડતી કે તમે બધા CMના ચહેરાને લઈને કેમ આટલા ચિંતિત છો, અમે નક્કી કરીશું. એ તો નક્કી છે કે બિહારમાં NDA સરકાર નહીં બને.

બિહારના ભૂતપૂર્વ નાયબ CM અને RJD નેતા તેજસ્વી યાદવે કહ્યું હતું કે અમે બેઠક કરી અને સકારાત્મક ચર્ચા થઈ છે. અમે 17 એપ્રિલે પટનામાં ફરી મળશું. અમે સંપૂર્ણ રીતે તૈયાર છીએ અને બિહારને આગળ લઈ જવા માગીએ છીએ. રાજ્યમાં NDA સરકારે 20 વર્ષ સુધી શાસન કર્યા બાદ પણ બિહાર સૌથી ગરીબ રાજ્ય છે. અહીં વ્યક્તિદીઠ આવક સૌથી ઓછી છે, ખેડૂતની આવક પણ ઓછી છે અને સૌથી વધુ લોકોનું સ્થળાંતર થાય છે. અમે તમામ મુદ્દાઓ પર ચૂંટણી લડવા માગીએ છીએ. અમે વિપક્ષમાં છીએ અને સરકારે જે ખામીઓ છુપાવી છે તેને લોકો સમક્ષ લાવવાની અમારી ફરજ છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે આ વખત બિહારમાં પરિવર્તન નિશ્ચિત છે. આજે અમે બિહારના ભૂતપૂર્વ ઉપ CM તેજસ્વી યાદવ સાથે મુલાકાત કરી હતી અને મહાગઠબંધનની મજબૂતી પર ચર્ચા કરી હતી. બિહારમાં આ વખતે  ખૂબ જ રસપ્રદ મુકાબલો જોવા મળવાની શક્યતા છે. જેમાં એક તરફ રાષ્ટ્રીય લોકતંત્ર ગઠબંધન (NDA) છે, જેમાં CM નીતીશકુમારના નેતૃત્વ હેઠળની જનતા દળ યુનાઈટેડ અને ભારતીય જનતા પાર્ટી સામેલ છે. જ્યારે બીજી તરફ કોંગ્રેસ, રાષ્ટ્રીય જનતા દળ અને ડાબેરી પક્ષો છે.