ચૂંટણી પહેલાં ચિરાગ પાસવાન ખેલો કરશે?

પટનાઃ બિહાર વિધાનસભાની ચૂંટણીઓ આ વર્ષની અંતે યોજાવાની છે અને એ પહેલાં રાજ્યમાં કાયદો વ્યવસ્થાને મુદ્દે રાજકીય ગરમાટો છે. તાજેતરમાં થયેલી હત્યાઓ અને ગુનાઓના નવા બનાવોને કારણે CM નીતીશકુમાર પર જ્યાં વિપક્ષમાં બેઠેલી RJD અને કોંગ્રેસ તો નિશાન સાધી રહી છે, ત્યાં હવે NDAના સાથી ચિરાગ પાસવાને પણ મોરચો ખોલી દીધો છે.

ચિરાગ પાસવાને નીતીશકુમારની સરકાર પર હુમલો કરતાં કહ્યું હતું કે મને દુઃખ છે કે હું એવી સરકારને સમર્થન આપી રહ્યો છું જ્યાં ગુનાઓ બેકાબૂ થયા છે.

તેમણે કહ્યું હતું કે કાયદો અને વ્યવસ્થાને કાબૂમાં લાવવી બહુ જરૂરી છે, નહિતર પરિણામ ખરાબ આવી શકે છે. તેમણે વહીવટી તંત્ર પર આરોપ મૂકતાં કહ્યું હતું કે રાજ્યમાં અપરાધીઓ સામે વહીવટી તંત્ર નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. ચિરાગે કહ્યું હતું કે રાજ્યમાં હત્યા, બળાત્કાર, સામૂહિક બળાત્કાર, દાકૂતી, ચોરી અને છેડાછાડ જેવા ગુનાઓ સતત વધી રહ્યા છે.

આવી ઘટનાઓ કેમ થઈ રહી છે?
જોકે ચિરાગ પાસવાને એ પણ સ્વીકાર્યું છે કે કાર્યવાહી અને ધરપકડ થઈ રહી છે, પરંતુ પ્રશ્ન છે કે આવી ઘટનાઓ સતત કેમ થઈ રહી છે?

તેમણે કહ્યું હતું  કે ગુનાઓનો એક સિલસિલો થઈ રહ્યો છે. જો આવું જ ચાલુ રહેશે તો સ્થિતિ ભયાનક બને એવી શક્યતા છે.ખરેખર સ્થિતિ ભયજનક બની ગઈ છે.

તેમણે આગળ કહ્યું હતું કે જો કોઈ કહે કે આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને થઈ રહ્યું છે, તો તે પણ સંભવ છે – આ સરકારને બદનામ કરવાનું કાવતરું પણ હોઈ શકે છે, પણ તેમ છતાં તેને રોકવું એ વહીવટી તંત્રની જવાબદારી છે.