શું અમેરિકા ભારત પરથી 25 ટકા ટેરિફ દૂર કરશે?

નવી દિલ્હીઃ ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને ચાલતા તણાવ વચ્ચે અમેરિકાના નાણાં મંત્રી સ્કોટ બેસેન્ટે મોટું નિવેદન આપ્યું છે. તેમણે આ સપ્તાહે દાવોસમાં યોજાયેલા એક સંમેલનમાં સંકેત આપ્યો હતો કે રશિયાથી તેલ ખરીદવાને કારણે ભારત પર લાદવામાં આવેલા વધારાના 25 ટકા ટેરિફમાં ટ્રમ્પ સરકાર રાહત આપી શકે છે. જો ટ્રમ્પ પ્રશાસન આવો કોઈ નિર્ણય લે છે, તો તે ભારત માટે ચોક્કસપણે સારા સમાચાર સાબિત થશે.

યુક્રેન-રશિયા યુદ્ધ છતાં રશિયા સાથે વેપાર કરનાર દેશો સામે ટ્રમ્પ પ્રશાસન દ્વારા લેવાયેલાં દંડાત્મક પગલાંને કારણે ભારતને હાલ કુલ 50 ટકા ટેરિફનો સામનો કરવો પડી રહ્યો છે. દાવોસ 2025 શિખર સંમેલનમાં બેસેન્ટનું નિવેદન દક્ષિણ એશિયાઈ દેશો માટે આશાની કિરણ તરીકે સામે આવ્યું છે, કારણ કે તાજેતરમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સ્વીકાર્યું હતું કે બંને દેશો વચ્ચે “એક સારો કરાર થવાનો છે.”

સ્કોટ બેસેન્ટનો દાવો શું છે?

અમેરિકાના નાણાં મંત્રી સ્કોટ બેસેન્ટે સ્વિટ્ઝર્લેન્ડમાં યોજાયેલા દાવોસ 2026 સંમેલનમાં યુએસએ હાઉસમાં કહ્યું હતું કે રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ અમે ભારત પર 25 ટકા ટેરિફ લગાવ્યો હતો, જેને કારણે ભારતીય રિફાઇનરીઓ દ્વારા તેલની ખરીદી લગભગ સંપૂર્ણ રીતે બંધ થઈ ગઈ છે. તેમણે કહ્યું હતું કે ભારત દ્વારા રશિયન તેલની ખરીદીમાં ઘટાડો થવો એક સફળતા છે. રશિયા સાથે જોડાયેલા 25 ટકા તેલ ટેરિફ હજી પણ લાગુ છે, પરંતુ હવે તેને હટાવવાનો રસ્તો ખૂલતો દેખાઈ રહ્યો છે.

બેસેન્ટે PM મોદીની પ્રશંસા કરી

બેસેન્ટે કહ્યું હતું કે યુક્રેન સંઘર્ષ શરૂ થયા પછી ભારતે રશિયન તેલ ખરીદવાનું શરૂ કર્યું હતું, પરંતુ રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેના પર 25 ટકા ટેરિફ લાદ્યા બાદ ભારતે ખરીદી ઘટાડી અને રશિયન તેલ લેવાનું બંધ કરી દીધું.

દાવોસમાં બેસેન્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ખુલ્લેઆમ પ્રશંસા કરી હતી. ટ્રમ્પ દ્વારા ભારત પર ભારે ટેરિફ લગાવવામાં આવ્યા હોવા છતાં બંને દેશો વચ્ચે તણાવની ચર્ચાઓ ચાલે છે, પરંતુ તેમ છતાં અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ સતત પીએમ મોદીને “સારા મિત્ર” તરીકે સંબોધતા રહ્યા છે.