વાયનાડ કેમ બની રહ્યું છે ‘કબ્રસ્તાન?: બે વર્ષમાં 400થી વધુ મોત

વાયનાડઃ કેરળના વાયનાડ જિલ્લાના મેપ્પાડી નજીક સાત જુલાઈએ કલ્લાડી વિસ્તારમાં મીનાક્ષી બ્રિજ પાસે અચાનક જમીન ધસી પડી હતી. નિર્માણાધીન ટનલ રોડ પ્રોજેક્ટ (અનક્કમપોયિલ–મેપ્પાડી ટ્વિન ટનલ)ની ખોદકામ દરમિયાન જમા કરાયેલી માટી અને કાટમાળ અચાનક તૂટી પડ્યો. આ દુર્ઘટનામાં પાંચ મજૂરનાં મોત થયાં, સાત લોકો ઘાયલ થયા અને સાત લોકો હજુ પણ લાપતા છે. બચાવ દળોએ કાટમાળમાંથી છ લોકોને જીવતા બહાર કાઢ્યા, પરંતુ હજુ પણ 10થી વધુ લોકો કાટમાળ નીચે દટાયેલા હોવાની આશંકા છે. બે વર્ષ પહેલાં પણ અહીં એક ભયાનક દુર્ઘટનામાં 400થી વધુ લોકોનાં મોત થયાં હતાં. સવાલ એ છે કે વાયનાડ વારંવાર કબ્રસ્તાન કેમ બની રહ્યું છે અને સરકાર ક્યાં નિષ્ફળ રહી?

દિલીપ બિલ્ડકોન પાસે છે પ્રોજેક્ટની જવાબદારી

આ દુર્ઘટનાએ એક મસ્જિદ, એક ઘર અને એક બસ સ્ટોપને પણ નુકસાન પહોંચાડ્યું. ટનલ પ્રોજેક્ટનું નિર્માણ દિલીપ બિલ્ડકોન દ્વારા કરવામાં આવી રહ્યું છે, જ્યારે તેની દેખરેખ કોંકણ રેલવે કોર્પોરેશન કરી રહ્યું છે. રાજ્યના CM વી.ડી. સતીશને સ્પષ્ટપણે કહ્યું હતું કે આ કોન્ટ્રેક્ટરની બેદરકારીનું પરિણામ છે. તેમના જણાવ્યા મુજબ 20 જૂને જ જિલ્લા કલેક્ટર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સત્તાધિકારીએ કોન્ટ્રેક્ટરને ખોદકામનો કાટમાળ હટાવવાનો આદેશ આપ્યો હતો, પરંતુ તેની અવગણના કરવામાં આવી હતી. કૃષિ મંત્રી ટી. સિદ્દીકે આ ઘટનાને સીધી રીતે “માનવસર્જિત આપત્તિ” ગણાવી છે. છેલ્લા 24 કલાકમાં આ વિસ્તારમાં 265 મિમી વરસાદ નોંધાયો હતો. આટલો વરસાદ પડશે તેની હવામાન વિભાગે અગાઉથી યેલો એલર્ટ દ્વારા ચેતવણી આપી હતી.

પરંતુ આ પહેલી દુર્ઘટના નથી

30 જુલાઈ, 2024એ વાયનાડે તેના ઇતિહાસની સૌથી ભયાનક કુદરતી આફતનો સામનો કર્યો હતો. રાત્રે 2થી 4 વાગ્યા દરમિયાન મુન્ડક્કાઈ, ચુરાલમાલા અને પુન્ચિરિમટ્ટમ વિસ્તારોમાં એક પછી એક અનેક ભૂસ્ખલન થયાં હતાં. 1550 મીટરની ઊંચાઈથી શરૂ થયેલો કાટમાળ લગભગ આઠ કિલોમીટર સુધી વહેતો ગયો અને 86,000 ચોરસ મીટર વિસ્તારને તબાહ કરી નાખ્યો. એપ્રિલ, 2025માં સંસદમાં સરકારે જણાવ્યું હતું કે 298 લોકોનાં મોત થયાં હતાં, જેમાં 32 લાપતા લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જોકે રાહત એજન્સીઓના અંદાજ મુજબ મૃત્યુઆંક 400થી વધુ હતો.