PM બાલેન શાહ સામે યુવાનો કેમ ફરી GenZ રસ્તા પર ઊતર્યા?

કાઠમંડુઃ એક સમય એવો હતો જ્યારે નેપાળના યુવાનો બાલેન શાહને પરિવર્તન અને આશાનું પ્રતીક માનતા હતા, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. જેમણે તેમને સત્તા સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, એ જ યુવાનો આજે તેમના વિરોધમાં રસ્તા પર ઊતરી આવ્યા છે. નેપાળના રાજકારણમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં યુવાનોના જોરદાર આંદોલનને કારણે તત્કાલીન વડા પ્રધાન કે.પી. શર્મા ઓલીએ પદ છોડવું પડ્યું હતું. ત્યાર બાદ યુવાનોના વ્યાપક સમર્થનના બળે 27 માર્ચે રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના બાલેન્દ્ર (બાલેન) શાહ સત્તામાં આવ્યા હતા. તેમની પાર્ટીએ સંસદમાં લગભગ બે તૃતીયાંશ બહુમતી મેળવી હતી અને તેમને નવા યુગના નેતા તરીકે જોવામાં આવતા હતા, પરંતુ હવે ફરી એક વાર નેપાળમાં યુવાનોનો વિરોધ શરૂ થયો છે.

બાલેન શાહ સામે ગુસ્સો કેમ ભડક્યો?

કાઠમંડુ પોસ્ટના અહેવાલ મુજબ આ અસંતોષ પાછળ બે મુખ્ય અને અત્યંત સંવેદનશીલ કારણો છે.

1. પુનર્વસન વિના ભૂમિહીન પરિવારોને બસ્તીઓમાંથી હટાવવાની કાર્યવાહી

કાઠમંડુમાં નદીઓના કિનારે વસેલી ઝૂંપડપટ્ટીઓને દૂર કરવાની સરકારની કાર્યવાહી વિરોધનું સૌથી મોટું કારણ બની છે. બાલેન શાહ જ્યારે કાઠમંડુના મેયર હતા ત્યારથી જ આ બસ્તીઓને હટાવવાનો મુદ્દો તેમના એજન્ડામાં હતો. કાઠમંડુ ખીણ વિસ્તારમાં આવા લગભગ 3,466 પરિવારો નદીઓના કિનારે રહે છે. સરકારે ભારે પોલીસ બંદોબસ્ત સાથે આ પરિવારોને સ્થળ પરથી હટાવવાની કાર્યવાહી શરૂ કરી. તેના પરિણામે ઘણા વૃદ્ધો અને બાળકો બેઘર બન્યા અને અનેક લોકોની રોજીરોટી પણ છીનવાઈ ગઈ.

2. રાઈડ-શેરિંગ ડ્રાઈવરના આત્મદાહથી ઉગ્ર બન્યો વિરોધ

વિરોધને વધુ વેગ એક યુવાન એપ-આધારિત બાઈક ડ્રાઈવરના મૃત્યુએ આપ્યો. 25 વર્ષીય ગણેશ નેપાલી નામના ડ્રાઈવરે મ્યુનિસિપલ પોલીસ સાથેના પાર્કિંગ વિવાદ બાદ પોતાને આગ ચાંપી દીધી હતી. 11 જુલાઈએ હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું. આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં યુવાનોમાં ભારે રોષ ફેલાયો.

પરિવર્તનનું પ્રતીક કે પછી એક વધુ રાજકારણી?

ચૂંટણી જીત્યા બાદ બાલેન શાહે સરકાર, અર્થતંત્ર અને સંસ્થાગત સુધારાઓ માટે 100 દિવસનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. પરંતુ સમય જતાં જમીન પર મોટા ફેરફારો જોવા મળ્યા નથી. જે GenZ પેઢીએ પરંપરાગત રાજકારણને પડકારવા અને બદલાવ લાવવા માટે તેમને પસંદ કર્યા હતા, તે જ પેઢી આજે પોતાને છેતરાયેલી અને નિરાશ અનુભવી રહી છે.