નવી દિલ્હીઃ પંજાબમાં ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોનો વિરોધ થઈ રહ્યો છે. યુપી-બિહારમાં કોઈને ભૈયા કહેવું જ્યાં આદર અને સન્માનનો ભાવ દર્શાવે છે, ત્યાં પંજાબમાં ભૈયા એવા લોકોને કહેવામાં આવે છે જે બીજાં રાજ્યોમાંથી અહીં આવ્યા હોય છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં આવા લોકો પોતાની રોજી-રોટી કમાવવા માટે પંજાબ આવ્યા અને અહીંની સંસ્કૃતિમાં ભળી ગયા હતા. પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી પંજાબમાં ભૈયાઓ એટલે કે પ્રવાસીઓના વિરોધમાં જોરદાર અવાજ ઊઠવા લાગ્યો છે.
પંજાબમાં થતા ગુનાઓમાં બહારથી પ્રવાસીઓનો હાથ છે. તેઓ ગુના કરે છે અને તેના કારણે પંજાબનું વાતાવરણ ખરાબ થઈ રહ્યું છે, એમ સ્થાનિક લોકોનું કહેવું છે.
પ્રવાસીઓને બહાર કાઢવાની માગ
નવ સપ્ટેમ્બરે પંજાબના હોશિયારપુરમાં પાંચ વર્ષની બાળકની હત્યા થઈ હતી. આ હત્યાનો આરોપ એક પ્રવાસી વ્યક્તિ પર લાગ્યો છે. ત્યારથી પંજાબમાં મોટા પાયે આ માગ ઊઠી કે પ્રવાસીઓને પંજાબમાંથી બહાર ખદેડી દેવાં જોઈએ. પંજાબનાં અનેક ગામોની પંચાયતોએ પ્રસ્તાવ પસાર કર્યો છે કે પ્રવાસીઓને ગામમાં ભાડે મકાન નહીં આપવામાં આવે અને તેમનાં રેશન કાર્ડ કે મતદાર કાર્ડ પણ નહીં બનાવવામાં આવે. હોશિયારપુરની ઘટના બાદથી પંજાબનાં અનેક શહેરોમાં પ્રવાસી ભગાવો – પંજાબ બચાવો જેવા સૂત્રો જોરશોરથી લગાવવામાં આવી રહ્યાં છે.
ગુરુદ્વારાઓમાંથી પણ પ્રવાસીઓ વિરુદ્ધ અપીલ થવા લાગી છે. તેની અસર એવી થઈ કે મોટી સંખ્યામાં પ્રવાસીઓ, ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો, રાજ્ય છોડીને જવા લાગ્યા છે. રેલવે સ્ટેશનો અને બસ સ્ટેન્ડ પર પ્રવાસીઓની લાંબી કતારો લાગી ગઈ છે.
