પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીમાં હવે બહુ સમય નથી. પરંતુ ચૂંટણી મેદાનમાં ઊતરવા માટે તૈયાર થયેલા બંને મોટાં ગઠબંધનોમાં બેઠક વહેચણીને લઈને હજુ સુધી તસવીર સ્પષ્ટ થઈ નથી. વાત NDAની હોય કે પછી મહાગઠબંધનની, બંને બાજુમાં હાલ એકસરખું જ દ્રશ્ય દેખાઈ રહ્યું છે. NDAમાં બેઠક વહેંચણી પહેલાં એક તરફ નાના ઘટક દળોમાં ખેંચતાણ છે, તો બીજી તરફ મહાગઠબંધનમાં મતદાર અધિકાર યાત્રા પછી RJD અને કોંગ્રેસ પોતાના-પોતાના પ્લાન સાથે આગળ વધી રહ્યા છે.
જોકે NDAમાં બેઠક વહેચણીને લઈને હજુ સુધી બેઠકોનો દોર પણ શરૂ થયો નથી, જ્યારે મહાગઠબંધનના ઘટક દળોમાં બેઠકો તો થઈ રહી છે, પરંતુ કોઈ ફોર્મ્યુલા સામે નથી આવી. NDAમાં ક્યાં પડી છે ગાંઠ?
NDA તરફથી નીતીશકુમાર જ CMનો ચહેરો રહેશે, એ બાબતે તસવીર સ્પષ્ટ છે. ચૂંટણી તૈયારીને લઈને NDAનો વિધાનસભા સ્તરે કાર્યકર સંમેલનોનો દોર પણ ચાલુ છે. NDA માટે સૌથી સારી વાત એ છે કે ચૂંટણી પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ કાર્યક્રમોથી BJP અને તેના સાથી દળોના કાર્યકરોમાં ઉત્સાહ ભરી રહ્યા છે. પરંતુ બેઠક વહેચણીની વાત કરીએ તો NDAમાં ઘટક દળોમાં હજુ સુધી કોઈ બેઠક શરૂ થઈ નથી.
મહાગઠબંધન કેટલું એકજુટ?
મહાગઠબંધનની અંદર બેઠક વહેંચણીને લઈને કહાની પણ ઓછી જટિલ નથી. બિહારમાં ચૂંટણી પંચ દ્વારા કરાયેલા SIRને મુદ્દો બનાવીને રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવે અન્ય સાથી દળોના નેતાઓ સાથે મળીને ભલે મતદાર અધિકાર યાત્રા કરી હોય, પરંતુ બેઠક વહેંચણી પર મહાગઠબંધનની ગાડી આગળ વધી રહી નથી. બિહારના વિપક્ષના નેતા તેજસ્વી યાદવને કોર્ડિનેશન કમિટીના પ્રમુખ બનાવાયા, પરંતુ કોંગ્રેસે તેજસ્વીનો CM ઉમેદવાર તરીકે હજી સુધી સ્વીકાર નથી આપ્યો.
કોંગ્રેસના નેતાઓ સતત કહે છે કે CM ઉમેદવાર કોણ હશે તે જનતા નક્કી કરશે, અમારું પૂરું ધ્યાન ચૂંટણી જીતવા પર છે. સ્પષ્ટ છે કે બેઠક વહેંચણીનો અંતિમ નિર્ણય થયા વગર કોંગ્રેસ તેજસ્વીના નામની જાહેરાત થવા દેવા ઈચ્છતી નથી.
