અમદાવાદ: હવામાન વિભાગ તરફથી ફરી એક વખત રાજ્યમાં સામાન્ય વરસાદી ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે. આગામી 2 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા રહેવાની શક્યતા છે. જો કે કચ્છમાં વાતાવરણ સૂકું રહેશે. રાજ્યમાં 1 જૂનથી 18 સપ્ટેમ્બર સુધીમાં 44 ટકા વધુ વરસાદ વરસ્યો છે. જો કે લોકોને ભાદરવા મહિનામાં ઉકળાટ સહન કરવો પડશે. હાલમાં અમદાવાદમાં 32 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને રાજ્યમાં 34થી 35 ડિગ્રી સુધી તાપમાન રહે છે.નવસારી જિલ્લાના કેટલાંક ગામોમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ ચીખલીમાં ધોધમાર વરસાદ વરસતા લોકોને બફારામાંથી રાહત મળી. ભાવનગરમાં છેલ્લાં 6 વર્ષમાં આ વર્ષે સૌથી ઓછો વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં 100 ટકા વરસાદ થવામાં હજુ પણ 8 ઈંચ વરસાદની ઘટ જોવા મળી છે. ત્યારે શહેરમાં ચોમાસુ પૂર્ણતાના આરે છે ત્યારે એક રાઉન્ડ ધોધમાર વરસાદ વરસે તો 100 ટકા વરસાદ થશે. આ વર્ષે રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને વાહનચાલકો પણ તેના કારણે પરેશાન થયા હતા.