યુરોપ ઇચ્છે તો અમે એનર્જી સપ્લાય કરીશું: વ્લાદિમિર પુતિન

નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને કહ્યું છે કે રશિયા યુરોપિયન ખરીદદારોને ક્રૂડ અને ગેસની સપ્લાય કરવા તૈયાર છે, પરંતુ શરત એટલી છે કે સહકાર લાંબા ગાળાનો હોવો જોઈએ અને મોસ્કો પર કોઈ રાજકીય દબાણ ન કરવામાં આવે. પુતિનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલાઓને કારણે તેલના ભાવ આસમાને પહોંચી ગયા છે. 2022માં રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી પ્રથમ વખત ક્રૂડના ભાવ પ્રતિ બેરલ 100 ડોલરથી ઉપર પહોંચ્યા છે.

પુતિન બોલ્યા — અમે ક્યારેય ઇનકાર કર્યો નથી

રાષ્ટ્રપતિ પુતિને કહ્યું હતું કે મોસ્કો એશિયામાં વિશ્વસનીય ભાગીદારો સાથે-સાથે યુરોપિયન યુનિયનના સભ્ય દેશો હંગેરી અને સ્લોવાકિયાને ક્રૂડ સપ્લાય ચાલુ રાખશે. પુતિને કહ્યું હતું કે જો યુરોપિયન કંપનીઓ અને ખરીદદારો અચાનક પોતાનો નિર્ણય બદલે અને અમને લાંબા ગાળાનો, ટકાઉ સહકાર આપે, જેમાં કોઈ રાજકીય દબાણ ન હોય, તો અમે આગળ વધવા તૈયાર છીએ. અમે ક્યારેય ઇનકાર કર્યો નથી.

યુરોપ સાથે કામ કરવા તૈયાર રશિયા

તેમણે જણાવ્યું હતું  કે અમે યુરોપિયન દેશો સાથે કામ કરવા તૈયાર છીએ, પરંતુ અમને તેમની તરફથી સંકેત જોઈએ કે તેઓ અમારી સાથે સહકાર માટે તૈયાર છે અને સ્થિરતા તથા ટકાઉપણું સુનિશ્ચિત કરશે.

યુરોપિયન યુનિયન દ્વારા પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો હતો

ઉલ્લેખનીય છે કે 2022માં યુરોપિયન યુનિયને રશિયન ક્રૂડની સમુદ્રી આયાત પર પ્રતિબંધ લગાવ્યો હતો. ઉપરાંત, યુક્રેન માર્ગે જતી ક્રૂડ પાઇપલાઇનને થયેલા નુકસાનને કારણે જાન્યુઆરીથી હંગેરી અને સ્લોવેકિયાને રશિયાની નિકાસ સંપૂર્ણપણે બંધ રહી છે.

રશિયન ક્રૂડ અને ગેસ પરનો પ્રતિબંધ હટાવવાની માગ

રશિયાના રાષ્ટ્રપતિનું આ નિવેદન હંગેરીના વડા પ્રધાન વિક્ટર ઓરબાન દ્વારા યુરોપિયન યુનિયનને કરાયેલી અપીલ પછી આવ્યું છે. મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વધેલા ઊર્જા ભાવોને નિયંત્રિત કરવા માટે તેમણે રશિયન ક્રૂડ અને ગેસ પર લાગેલા પ્રતિબંધોને હટાવવાની માગ કરી હતી.