નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને જણાવ્યું હતું કે રશિયા ભારતને સતત ઊર્જા સપ્લાય આપતું રહેશે. નવી દિલ્હીમાં 23મા ભારત-રશિયા વાર્ષિક સમિટ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સાથે રાખીને યોજાયેલી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં પુતિને કહ્યું કે ભારતની ઝડપથી વધી રહેલી એનર્જીની માગ પૂર્ણ કરવા માટે રશિયા પ્રતિબદ્ધ છે.
તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ભારતની તેજ ગતિથી આગળ વધી રહેલા અર્થતંત્રને ધ્યાનમાં રાખીને અમે તેલનો સપ્લાય કરતા રહીશું. એ સાથે જ તેમણે જણાવ્યું હતું કે બંને દેશો ધીમે-ધીમે રાષ્ટ્રીય ચલણમાં આપસી ચુકવણી તરફ આગળ વધી રહ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે રશિયા ભારત માટે તેલ, ગેસ અને કોલસા જેવી ઊર્જાનો એક વિશ્વસનીય સપ્લાયર છે. ભારતીય અર્થતંત્રની ઝડપી વૃદ્ધિ માટે ઇંધણની અવિરત શિપમેન્ટ ચાલુ રાખવા અમે તૈયાર છીએ.
અમેરિકાના ટેરિફ અને પ્રતિબંધોને કારણે ઊભી થયેલી પરિસ્થિતિનો સામનો કરવા માટે ભારત અને રશિયાએ શુક્રવારે આર્થિક અને વેપારી ભાગીદારીને મજબૂત કરવા માટે પાંચ વર્ષીય યોજના પર સહમતી બતાવી છે. તે જ સમયે વડા પ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ પુતિનને કહ્યું હતું કે યુક્રેનમાં ચાલી રહેલું યુદ્ધ વાતચીતથી સમાપ્ત કરવું જરૂરી છે. શિખર બેઠક પછી બંને નેતાઓએ આઠ દાયકાથી વધુ જૂની ભાગીદારીને નવી ગતિ આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.બંને દેશોએ 2030ના આર્થિક કાર્યક્રમને અંતિમ સ્વરૂપ આપવાનું ઉપરાંત આરોગ્ય, પરિવહન અને લોકો વચ્ચેના આદાનપ્રદાન જેવા અનેક ક્ષેત્રોમાં સહકાર વધારવા માટે અનેક કરારો પર સહી કરી હતી. દ્વિપક્ષી શિખર બેઠક બાદ પોતાના નિવેદનમાં PM મોદીએ કહ્યું હતું કે ગત આઠ દાયકામાં દુનિયાએ અનેક ઉતાર-ચઢાવ જોયા છે. માનવજાતે અનેક પડકારો અને સંકટો વેઠ્યા છે. ત્યારે પણ ભારત-રશિયાની દોસ્તી ધ્રુવ તારા જેવી અડગ રહી છે.




