મહારાષ્ટ્ર વિધાનસભામાં ઔરંગઝેબ, અબુ આઝમી પર છેડાયો જંગ

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં સમાજવાદી પાર્ટી (SP)ના અધ્યક્ષ અને વિધાનસભ્ય અબુ આઝમીએ મોગલ શાસક ઔરંગઝેબની પ્રશંસા કરનારા નિવેદન પર સ્પષ્ટતા કરી હતી. એ નિવેદને રાજ્યના રાજ્યકારણમાં હંગામો મચાવી દીધો છે. શિવસેના અને ભાજપે તેમની સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. ભાજપ અને શિવસેનાના સભ્યોએ વિધાનસભામાં જય ભવાની, જય શિવાજીનો સૂત્રોચ્ચાર કરતાં અબુ આઝમી પર કાર્યવાહીની માગ કરી હતી. જેથી વિધાનસભા કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી.

મહારાષ્ટ્રમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અબૂ આઝમીને ઔરંગઝેબના વખાણ કરવા ભારે પડશે. શિવસેનાએ અબુ આઝમી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ અગાઉ શિવસેનાપ્રમુખ અને રાજ્યના ડેપ્યુટી CM એકનાથ શિંદેએ પણ અબુ આઝમી પર દેશદ્રોહનો કેસ નોંધવાની માગ કરી હતી.

શિવસેના (શિંદે)એ મુંબઈના મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશનમાં અબુ આઝમી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. શિવસેનાના પ્રવક્તા અને ભૂતપૂર્વ ધારાસભ્ય કિરણ પાવસ્કર કાર્યકરો સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ફરિયાદ નોંધાવી હતી. અબુ આઝમી સામે રાજદ્રોહનો કેસ નોંધવાની માગ કરવામાં આવી છે.

અબુ આઝમીએ શું કહ્યું?

SP નેતા અબુ આઝમીએ કહ્યું હતું કે ખોટો ઈતિહાસ બતાવવામાં આવી રહ્યો છે. ઔરંગઝેબે ઘણાં મંદિરો બનાવ્યાં છે. ઔરંગઝેબ ક્રૂર શાસક નહોતા. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે જ્યારે તેમના સેનાપતિએ બનારસમાં એક પંડિતની પુત્રી સાથે દુર્વ્યવહાર કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે ઔરંગઝેબે તેને બે હાથીઓ વચ્ચે બાંધી દીધો અને તેને મારી નાખ્યો હતો. ત્યાર બાદ તે પંડિતોએ ઔરંગઝેબ માટે એક મસ્જિદ બનાવી અને તેમને ભેટ આપી. તેઓ એક સારા વહીવટકર્તા હતા. અબુ આઝમીએ એમ પણ કહ્યું હતું કે- “ઔરંગઝેબના શાસનકાળમાં  ભારતનો GDP 24 ટકા હતો અને દેશ “સોને કી ચિડિયા” હતો.