મતદાર ચકાસણીઃ અમારી પાસે માત્ર આધાર કાર્ડઃ બિહારી લોકો

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીની તૈયારી વચ્ચે મતદાર યાદીની ચકાસણીને લઈને ગામોમાં રહેલા લોકો ખૂબ જ ચિંતિત છે. ચૂંટણી પંચના નિર્ણય બાદ રાજ્યનાં અનેક ગામોમાં રહેલા લોકો કહી રહ્યા છે કે તેમની પાસે માત્ર આધાર કાર્ડ છે અને ચૂંટણી પંચ જે દસ્તાવેજો માગે છે, તે તેઓ ક્યાંથી લાવે?

આ સમસ્યા માત્ર એક વિસ્તારની નથી – CM નીતિશકુમારના ગૃહ જિલ્લો નાલંદા હોય કે RJDપ્રમુખ લાલુ પ્રસાદ યાદવનો વાયશાલી અથવા તેજસ્વી યાદવની રાઘોપુર બેઠક – બધી જ જગ્યાઓના લોકો આ ચકાસણી પ્રક્રિયા અંગે મુશ્કેલીમાં છે.

નબળા વર્ગોને મતના અધિકારથી વંચિત કરવાની ચાલ

વિપક્ષ પક્ષો આ નિર્ણય સામે સતત અવાજ ઉઠાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ પગલું સમાજના પછાત, દલિત, વંચિત અને નબળા વર્ગના લોકોને મતના અધિકારથી દૂર કરવા માટેનું  આ એક ષડ્યંત્ર છે.

ચૂંટણી પંચે માગ્યા નાગરિકતાના પુરાવા

ચૂંટણી પંચના આદેશ મુજબ મતદાર યાદીની ચકાસણી 25 જુલાઈ સુધી પૂર્ણ કરવી છે. ચોમાસાની ઋતુ વચ્ચે રાજ્યના 77,000થી વધુ બૂથ લેવલ ઓફિસરો (BLO) અન્ય સરકારી કર્મચારીઓ અને રાજકીય કાર્યકરોની મદદથી બિહારના 7.8 કરોડથી વધુ નોંધાયેલા મતદારોની માહિતીની ચકાસણી કરી રહ્યા છે.

ચૂંટણી પંચે નવા તેમ જ હાલના તમામ મતદારોને નાગરિકતા સાબિત કરવા માટે 11 પૈકીના કોઈ એક દસ્તાવેજ રજૂ કરવા કહ્યું છે. પરંતુ રાજ્યનાં અનેક ગામોમાં લોકો નિવાસ અને જાતિ પ્રમાણપત્ર માટે દોડધામ કરી રહ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટોએ આ સર્ટિફિકેટ ત્વરિત જારી કરવા સૂચના આપી છે.

એક સમસ્યા એ પણ છે કે ઘણા લોકોને આ પ્રક્રિયા વિશે માહિતી નથી અથવા અત્યાર સુધી કોઈ BLOનો સંપર્ક તેમને મળ્યો નથી.