વડોદરા: વર્ષ ૨૦૦૭ શહેરના એક નાયક પરિવાર માટે બહુ કપરૂ રહ્યું. આ વર્ષે સુરેશભાઈ નાયક અને વિદ્યાબેન નાયકના ઘરે દીકરીનો જન્મ થયો. જો કે ચિંતાની વાત એ હતી કે આ દીકરી માત્ર 1.6 કિલોગ્રામની જ હતી. બાળકીને જન્મ બાદ તુરંત બાળકોના આઇ.સી.યુ. વોર્ડમાં ખસેડવામાં આવી. તબીબી પરિક્ષણ બાદ માલૂમ પડ્યું કે, બાળકીને હ્રદયમાં એક વેઇન જ નથી.દીકરી વિદિશાની સારવાર માટે વિદ્યાબેન અને સુરેશભાઇ આકાશ-પાતાળ એક કરી રહ્યા હતા. પણ, તેમાં એક મોટો અંતરાય હતો આર્થિક સ્થિતિ. વિદિશાની સ્થિતિની વાત તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પાસે પહોંચી. બેટી બચાવો, બેટી પઢાવોના પ્રણેતા મુખ્યમંત્રીએ વિદિશાની સારવાર શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ વિશેષ કિસ્સામાં કરાવવા માટે આરોગ્ય વિભાગને સૂચના આપી. આરોગ્ય વિભાગ દ્વારા વિદિશાની સારવાર સરકારી ખર્ચે કરાવવાનો નિર્ણય થતાંની સાથે જ તેને અમદાવાદ સ્થિત યુ. એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. તજજ્ઞ તબીબો દ્વારા વિદિશાના હ્રદયનું પરિક્ષણ કરવામાં આવ્યું. પણ, માત્ર કેટલાક માસની બાળકીના હ્રદયની સારવાર ત્યાં થઇ શકે એમ નહોતી. હવે શું કરવું ? નાયક દંપતી માટે યક્ષપ્રશ્ન થયો.
હવે વિદિશાની સારવાર ક્યાં થઇ શકે એમ છે ? એની વિગતો જાણી તો ખબર પડી કે બેંગ્લુરુની નારાયણ હ્રદયાલયમાં સારવાર થઇ શકે એમ છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તુરંત વિદિશાની સારવાર સરકારી ખર્ચે કરાવવા માટે મંજૂરી આપી. બેંગ્લુરુ ખાતે વિદિશાની લગભગ છ માસ સુધી સારવાર ચાલી. આ છ માસ દરમિયાન એક સોથી વધુ નિષ્ણાંત તબીબોની સલાહ લેવામાં આવી. ૩૦૦થી વધુ વખત ઇકો કાર્ડિઓગ્રામ કરવામાં આવ્યા. વિવિધ પરિક્ષણો કરવામાં આવ્યા. એક દિવસ વિદિશાનું ઓપરેશન કરવામાં આવ્યું. શરીરમાંથી હ્રદયને બહાર કાઢવામાં આવ્યું. તેના ઉપર શસ્ત્રક્રિયાઓ કરી સામાન્ય કરવામાં આવ્યું. ઓપરેશન બાદના કેટલાક દિવસો પછી વિદિશા ચેતનવંતી બની.
આજે ૧૮ વર્ષ બાદ વિદિશા આજે તંદુરસ્ત છે. ધોરણ – ૧૦માં અભ્યાસ કરે છે. માતાપિતા પાસેથી પોતાની સારવારની વાતો તેણી સાંભળી છે. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કેવી રીતે તેમને મદદ કરી, તેની ખબર છે. સુરેશભાઇ નાયક અને વિદ્યાબેન નાયકને બે દિકરીઓ અને એક દીકરો છે. વિદિશા તેમાં વચેટ છે. નરેન્દ્રભાઇ મોદીના સફળ અને સક્ષમ નેતૃત્વના ૨૩ વર્ષ પૂર્ણ થયા. તેમણે ગુજરાતમાં શરૂ કરેલી કલ્યાણકારી યોજનાઓ એક કિસ્સો વિદિશા છે.