અમદાવાદ: અનંત અંબાણીના નેજા હેઠળની વન્યજીવન કલ્યાણ અને સંરક્ષણ પર કામ કરતી સંસ્થા વનતારાએ 148મી જગન્નાથ રથયાત્રા દરમિયાન ત્રણ હાથીઓના ભાગદોડની ઘટના બાદ તરત જ એક વિશેષ ઇમર્જન્સી ટીમ તૈનાત કરી. આ ટીમમાં બે વન્યજીવ પશુચિકિત્સકો, છ વરિષ્ઠ મહાવતો, તાલીમ પામેલા અગિયાર સહાયક સ્ટાફ અને પાંચ એલિફન્ટ એમ્બ્યુલન્સનો સમાવેશ થતો હતો, જે કટોકટીના સમયમાં હાથીને તબીબી સંભાળ અને વર્તણૂકીય સહાય પૂરી પાડવા માટે સજ્જ હતા.વનતારાની ટીમે સ્થાનિક અધિકારીઓને અસરગ્રસ્ત નર અને માદા હાથીઓના તબીબી મૂલ્યાંકનમાં મદદ કરી, વર્તણૂકીય અને માનસિક સહાય પૂરી પાડી અને જ્યાં જરૂરી હોય ત્યાં સલામત નિયંત્રણ સુનિશ્ચિત કર્યું હતું. “રથયાત્રા દરમિયાન હાથીઓની દોડભાગની ઘટના બાદ અમે તાત્કાલિક સહાય માટે વનતારાનો સંપર્ક કર્યો હતો. તેમની ટીમે જામનગરથી ઝડપથી પ્રતિક્રિયા આપી અને સ્થાનિક અધિકારીઓ અને સંભાળ લેનારાઓ સાથે સંકલન સાધીને હાથીની યોગ્ય સંભાળ માટે તેમના સ્થાનાંતરણની વ્યવસ્થા કરી હતી,” તેમ ગુજરાતના મુખ્ય વન સંરક્ષક ડૉ. કે. રમેશ (આઇ.એફ.એસ.) દ્વારા જણાવવામાં આવ્યું હતું.
જગન્નાથ મંદિર મેનેજમેન્ટે વનતારાના ત્વરિત પગલાં અને સમર્પણની પ્રશંસા કરી હતી. “વનતારાએ આ હાથીઓને તાત્કાલિક જરૂરી તબીબી સહાય અને પુનર્વસન મળે તે સુનિશ્ચિત કરવા માટે ખૂબ જ પ્રતિબદ્ધતા દર્શાવી હતી,” તેમ શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ સમિતિના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું.
