મનોદિવ્યાંગના ‘ઉત્થાન’ માટેનો ઉપક્રમ

અમદાવાદ: સમાજમાં કંઇક જુદા દેખાતા બાળકો પર તારે જમી પર..સીતારે જમી પે.. જેવી અનેક ફિલ્મો બની ગઇ. લોકો ભાવુક પણ થયા. પરંતુ આપણી આસપાસ સામાન્ય બાળકો વચ્ચે એવા મનોદિવ્યાંગ બાળકો છે, જેને શિક્ષણ સાથે જીવનલક્ષી તાલીમ અને રોજગારની પણ જરૂર છે. એમને મન પૈસા ગૌણ છે પણ રચનાત્મક પ્રવૃત્તિની તાલીમની જરૂર છે. અમદાવાદ શહેરના પાલડીમાં આવેલા ‘ગુજરાત સ્ત્રી પ્રગતિ મંડળ’ સંચાલિત ‘ઉત્થાન’ સંસ્થા માનસિક રીતે દિવ્યાંગતા ધરાવતા 14 વર્ષથી ઉપરના લોકોને તાલીમ આપી પગભર બનાવવાનું કામ કરે છે.‘ઉત્થાન’ના કેન્દ્રમાં તાલીમ પામેલા 75 જેટલાં માનસિક દિવ્યાંગતા ધરાવતા લોકોએ તૈયાર કરેલી ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ પટેલ વાડી, પાલડી ગામમાં રાખવામાં આવ્યું. ઉત્થાન તાલીમ કેન્દ્ર સાથે 48 વર્ષથી જોડાયેલા ભાવનાબહેન પંડ્યા ચિત્રલેખા.કોમને કહે છે, 1978ના ગાળામાં મનોદિવ્યાંગ લોકો માટે જ્યારે એકદમ ઓછી સંસ્થાઓ હતી, ત્યારે અમે શિક્ષણનું અને તાલીમનું કામ શરૂ કર્યું. પહેલાં અમે મનાસિક રીતે દિવ્યાંગ બાળકોને શિક્ષણ આપવાનું કામ કર્યું જુદા-જુદા વિષયો ભણાવવાનો પ્રયાસ પણ કર્યો.. પછી એક વિચાર આવ્યો કે આમને ખરેખર જીવનલક્ષી અને રોજગારલક્ષી તાલીમની જરૂર છે. સમય જતાં જે એમને પ્રવૃત્તિની સાથે પૈસા પણ અપાવે. એ પછી અમારા ત્યાં આવતા મનોદિવ્યાંગ બાળકોને અમે હસ્તકલાની વસ્તુઓ પેપર બેગ, ગિફ્ટ પેપર બેગ, ગ્રીટિંગ કાર્ડ, ઓફિસ સ્ટેશનરી ફાઇલ, પેઇન્ટિંગ્સ, ક્રાફ્ટ વર્ક, તોરણ, કંકાવટી, દિવડાં અને રાખડીઓ જેવી અનેક ચીજ-વસ્તુઓ બનાવતા શીખવાડવાનું શરૂ કર્યું. ભાવના બહેન કહે છે, મનોદિવ્યાંગ છોકરા અને છોકરીઓને નૃત્ય, નાટક જેવાં કલ્ચરલ કાર્યક્રમોમાં ભાગ લેવાની તાલીમ આપીએ છીએ. આ સાથે રમત-ગમતમાં નિપુણ બનાવી સ્પેશિયલ ઓલમ્પિક ગેમ્સમાં મોકલવાનો પ્રયાસ કરીએ છીએ. મનોદિવ્યાંગ બાળકોની વાતો નિરાળી હોય છે. એમને મન પૈસાનું મહત્વ નથી હોતું પરંતુ લોકોનો પ્રેમ અને એની સાથે એમને બનાવેલી ચીજ વસ્તુઓનું મહત્વ હોય છે. આ વર્ષે રક્ષાબંધન પહેલા ‘ઉત્થાન’ તાલીમ કેન્દ્રના માનસિક દિવ્યાંગ લોકોએ તૈયાર કરેલી વિવિધ ચીજ-વસ્તુઓનું પ્રદર્શન વેચાણ પાલડી ગામની પટેલ વાડીમાં રાખવામાં આવ્યું.

(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)