પશ્ચિમ બંગાળમાં SIR  મુદ્દે ઘમસાણ, EC કચેરી બહાર પ્રદર્શન

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્શિવ રિવિઝન (SIR)ને લઈને વિરોધ વધી રહ્યો છે. રાજ્યમાં SIR પ્રક્રિયાના વિરોધમાં અવાજ ઉઠાવવા પ્રદર્શનકારીઓ કોલકાતાસ્થિત ચૂંટણી પંચની ઓફિસ બહાર ભેગા થયા હતા. જેને કારણે ત્યાં તણાવનું વાતાવરણ સર્જાયું. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઇને પોલીસે કચેરીની બહાર બેરિકેડિંગ કરી હતી.

આ પ્રદર્શનકારીઓએ ઓફિસને ચારેય બાજુથી ઘેરી લીધી અને SIR વિશે સ્પષ્ટીકરણ આપવાની માગ કરી હતી. શિક્ષક સહિત અનેક પ્રદર્શનકારીઓએ ઝડપથી ચાલી રહેલી SIR પ્રક્રિયા પર ચિંતા વ્યક્ત કરી હતી.

SIR પર સ્પષ્ટીકરણની માગ

હું શિક્ષક છું અને મુર્શિદાબાદથી છું. સામાન્ય રીતે પશ્ચિમ બંગાળમાં SIR પ્રક્રિયા પૂરી કરવા માટે બે વર્ષ લાગે છે, પરંતુ તે બે મહિનામાં કરવામાં આવી રહી છે. બિહારમાં લાખો મતદારોને યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા હતા. એ જ કાવતરું બંગાળમાં પણ થઈ રહ્યું છે. અહીં હજારો BLO આવ્યા છે, અમે કાલે ફરી આવીશું. જ્યાં સુધી જવાબ નહિ મળે ત્યાં સુધી અમે અહીંથી જવાના નથી, એમ એક પ્રદર્શનકારીએ જણાવ્યું હતું.

પ્રદર્શનમાં TMCના ગુંડા સામેલ – BJP નો આક્ષેપ

એક અન્ય પ્રદર્શનકારીએ કહ્યું હતું કે હું શિક્ષક છું પણ BLO નથી. BLOના સમર્થનમાં અહીં આવ્યા છીએ. અમે ચૂંટણી પંચના અધિકારીઓને મળવા માગીએ છીએ. અમારા પ્રતિનિધિ ઓફિસની અંદર છે. જ્યાં સુધી અધિકારીઓ અમારી મુલાકાત નહિ લે, ત્યાં સુધી પ્રદર્શન ચાલુ રહેશે.

એ જ સમયે ઉત્તર કોલકાતા જિલ્લાના BJP અધ્યક્ષ તમોઘના ઘોષે આક્ષેપ કર્યો હતો કે TMCના કેટલાક ‘ગુંડાઓ ઓફિસમાં ઘૂસવા માગે છે અને હંગામો સર્જવાનો પ્રયાસ કરી રહ્યા છે. BLO અધિકાર રક્ષા સમિતિએ જણાવ્યું કે તેઓ ચૂંટણી પંચને પ્રશ્નો રજૂ કરશે. સમિતિએ આક્ષેપ કર્યો કે SIRની શરૂઆત પછી રાજ્યમાં BLO અભૂતપૂર્વ અને અમાનવીય દબાણ હેઠળ કામ કરી રહ્યા છે.

સમિતિએ કહ્યું કે તેઓ ઉત્તર કોલકાતાના કોલેજ ચોકથી લઈને મુખ્ય ચૂંટણી અધિકારી (CEO)ની ઓફિસ સુધી માર્ચ કાઢશે અને તાત્કાલિક હસ્તક્ષેપની માગ કરશે. પેરા-ટીચરો, કોલેજ પ્રોફેસરો અને વિવિધ શિક્ષક સંગઠનો પણ સમર્થનમાં જોડાશે.