અમદાવાદ: મહિલા અને બાળ કલ્યાણ ક્ષેત્રે સતત કાર્યશીલ ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા ચૌદ વર્ષથી વિવિધ ક્ષેત્રે કાર્યરત સન્નારીઓને ઉદગમ વુમન્સ એચિવર એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે સતત પંદરમાં વર્ષે ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટે ટ્રસ્ટી ઉષાબેન ધ્રુવકુમાર જોશીની સ્મૃતિમાં “ઉષાપર્વ”નું આયોજન કર્યું હતું. ઉષા પર્વ -૧૪ ઉદગમ વુમન્સ એચિવર એવૉર્ડથી બિઝનેસ, સમાજ સેવા, શિક્ષણ, આરોગ્ય, કલા, ફેશન વગેરે ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરનાર 30 મહિલાઓ અને ૧ પુરૂષનું બહુમાન કરવામાં આવ્યુ છે.
આ કાર્યક્રમમાં અધ્યક્ષ પદે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર હાજર રહ્યા હતા. મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સરકાર સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ શિક્ષણ, અને પ્રૌઢ શિક્ષણના રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલ્લ પાનશેરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે બ્રિટિશ હાઈ કમિશનના ડેપ્યુટી હાઈ કમિશનર સ્ટીવ હિકલિંગ, સ્વદેશી જાગરણ મંચ ગુજરાત પ્રદેશ સંગઠક મનોહર લાલજી, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જસવંતભાઈ પટેલ અને પી.સી. સ્નેહલ ગ્રુપના એમ. ડી. ચિરંજીવ પટેલ ઉપસ્થિત હતા.
ઉદ્દગમ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ડો. મયુર જોષીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ઉદગમ ટ્રસ્ટ દ્વારા વિવિધ ક્ષેત્રમાં અથાગ પ્રયાસો થકી વિશિષ્ઠ યોગદાન આપનાર મહિલાઓને ૧૫ વર્ષથી “ઉદ્દગમ વિમેન્સ એચિવર્સ એવોર્ડથી સન્માનિત કરવાનો ઉદગમનો નમ્ર પ્રયાસ છે. જ્યારે એવોર્ડ સમારોહના મુખ્ય અતિથિ ડો. કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું કે, આપણે વિચારી પણ ના શકીએ એવા વ્યવસાયો અને ક્ષેત્રોમાં મહિલાઓ માટે હવે પહેલા કરતાં વધુ તકો છે અને મહિલાઓ તેનો મહત્તમ ઉપયોગ કરી રહી છે.
એવોર્ડ વિજેતાઓની પસંદગી માટે એક ખાસ જ્યુરી બનાવવામાં આવી હતી. જેમાં બિઝનેસ વુમન અને સામાજિક કાર્યકર પૂર્વા શાહ પટેલ, આર્કિટેક્ટ અને ડિઝાઇનર અર્ચના શાહ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઉન્મેષ દીક્ષિત, શિક્ષણવિદ ડૉ. ગીતિકા સલુજા, સામાજિક કાર્યકર પરમજીત કૌર છાબડા તથા સામાજિક કાર્યકર અને લેખક વૈજયંતિ ગુપ્તેનો સમાવેશ થાય છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દેવેન્દ્ર પારેખે કર્યું હતું.