વાલ્મિકી રામાયણમાં રામને એક માનવી તરીકે દર્શાવવાનું કારણ શું ?

મુંબઈ : રામની લીલા દર્શાવતા ચરિત્ર માટે અનેક પ્રસિધ્ધ પ્રસંગો વાલ્મિકી રામાયણમાં નથી કહેવાયા. વાલ્મિકી લિખિત રામાયણમાં રામને ભગવાન કે અવતાર નહિ, પરંતુ વ્યક્તિ તરીકે દર્શાવાયા છે. એમ ગુજરાત વિશ્વ વિદ્યાલયના સ્કૂલ ઓફ લેન્ગવેજીસના ભૂતપૂર્વ પ્રોફેસર અને રાષ્ટ્રપતિ અવોર્ડ પ્રાપ્ત કરનાર ડૉ. વિજયભાઈ પંડ્યાએ મુંબઈ યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના હીરક મહોત્સવમાં રામાયણ અને તેની પરંપરા વિષય પર યોજાયેલા બે દિવસીય સેમિનારના પ્રથમ દિવસે તેમના ચાવીરૂપ પ્રવચનમાં આમ જણાવ્યું હતું. વિજય ભાઈએ કહ્યું હતું કે રામને માનવ તરીકે દર્શાવવા પાછળનો ઉદ્દેશ એ હતો કે રાવણ તો જ મરી શકે, જો રામ એક મનુષ્ય તરીકે તેને મારે.

પોતાના 14 વરસના વનવાસની રામને જાણ થઈ એ પછીના એક પ્રસંગમાં રામે કૌશલ્યા અને સુમિત્રા માતાનું ધ્યાન રાખવા ભલામણ કરી હતી, જેમાં રામની માતૃ ભક્તિ છલકાય છે. દશરથ કૈકયીના કહ્યામાં આવી ગયા હોવાથી રામે બંને માતાઓ માટે ચિંતા વ્યકત કરી હતી. ડૉ. વિજયભાઈ પંડ્યાએ કહ્યું હતું કે રામાયણને સાહિત્ય અને કળાના દૃષ્ટિકોણથી મૂલવવા માટે બહુ અવકાશ છે. જેનાથી રામાયણ સાહિત્યની દૃષ્ટિએ ઉત્કૃષ્ટ કૃતિ નજરે પડશે.

તેમણે મૈથિલાના લોકો રામને જમાઈ તરીકે ગણે છે અને ઘણા મૈથિલાવાસીઓ અયોધ્યા દીકરીનું સાસરું છે એમ ગણીને ત્યાં અન્ન નથી લેતા એવી પરંપરા વિશે માહિતી પણ આપી હતી. બે દિવસ ચાલેલા હીરક મહોત્સવમાં પહેલે દિવસે રામાયણ અને રામાયણ પરંપરા પર સેમિનાર યોજવામાં આવ્યો હતો અને બીજે દિવસે મહારાષ્ટ્રમાં સંસ્કૃતનો અભ્યાસ: ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય વિષય પર સેમિનારનું આયોજન કરાયું હતું. જેને કેન્દ્રિય સંસ્કૃત મહાવિદ્યાલય, નવી દિલ્હી, કાંદિવલી સ્થિત મીટ ઇન્ડિયા ફાઉન્ડેશન અને ભક્તિ વેદાંત રિસર્ચ કેન્દ્રએ સ્પોન્સર કર્યા હતા.

અનેક સંશોધનપત્ર રજૂ થયા

આ સેમિનારમાં અનેક સંશોધન પત્ર પણ રજૂ થયા હતા. જેમાં અમદાવાદ સ્થિત સેન્ટ ઝેવિયર્સ કોલેજના અસોસીએટ પ્રોફેસર ડૉ. ઊર્મિ શાહ એ ગુજરાતી લોક સાહિત્યના રામ-સીતાના પ્રેમ પ્રસંગો પર સંશોધન પત્ર રજૂ કર્યું હતું, જ્યારે મુંબઈ સ્થિત હેરાસ ઇન્સ્ટિટ્યૂટના ક્યુરેટર અને જૈન તત્વજ્ઞાનના નિષ્ણાંત શિલ્પા છેડાએ જૈન રામાયણ પર સંશોધન પત્ર રજૂ કર્યું હતું. અન્ય પાત્રો અને બૌદ્ધ રામાયણ અને દક્ષિણ એશિયામાં પ્રસિદ્ધ રામાયણ પર પણ રજૂઆતો થઈ હતી.

સંસ્કૃત વિભાગની સ્થાપનાના 60 વર્ષના પ્રસંગની ઉજવણી આખા વર્ષ દરમિયાન ચાલતી રહી છે, જેમાં વાર્તાલાપ યોજાયા, નવા પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમો અને પાર્ટ ટાઈમ અભ્યાસો દાખલા કરાયા. વિભાગના ચાર પુસ્તકોનું લોકાર્પણ પણ થયું અને ભારતીય જ્ઞાન પરંપરાના વિવિધ વિષયો પર જે – તે વિષયના નિષ્ણાંતો દ્વારા 60 પ્રવચનોની શૃંખલા વિગતો વિભાગની યુટ્યુબ ચેનલ ઉપર પ્રસારિત કરવામાં આવી હતી. સંસ્કૃત વિભાગના હેડ ડૉ. શકુન્તલા ગાવડેએ સ્વાગત પ્રવચનમાં વર્ષ દરમ્યાન ચાલેલા કાર્યક્રમોની ઝલક આપતા કહ્યું હતું કે નવા દાખલ કરાયેલા અભ્યાસક્રમોને બહુ સારો પ્રતિસાદ મળ્યો છે અને હાલમાં પાર્ટ ટાઈમ અભ્યાસક્રમો સાથે ૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓ વિભાગમાં અભ્યાસ કરી રહ્યા છે.

સંસ્કૃત શીખવા વધી રહેલી ઉત્સુકતા

વધુને વધુ લોકો સંસ્કૃત શીખવા તરફ વળી રહ્યા છે કારણ કે હવે ભાષા શીખવાનું સહેલું બની રહ્યું છે. નવી શિક્ષણ નીતિની જોગવાઈઓ અને ટેકનોલોજીના ફેરફારો આ કાર્ય સરળ બનાવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે સંસ્કૃત કોઈ ભાષા સાથે હરીફાઈ નથી કરતી અને સંસ્કૃતની વધી રહેલી લોકપ્રિયતાનો લાભ ભાષાના જાણકારોને મળશે. તેમણે મુંબઈ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. રવિન્દ્ર કુલકર્ણી સાથેની વાતચતીના આધારે કહ્યું હતું કે મુંબઈ યુનિવર્સિટી, સંસ્કૃત વિભાગ અને કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય ભારતીય જ્ઞાન પરંપરાના વિષયને પ્રસિદ્ધ કરવા માટે સાથે મળીને કાર્ય કરી શકે એવા સમજૂતી કરાર કરશે. સેમિનારમાં વિભાગના અસોસિયેટ પ્રોફેસર ડૉ. માધવી નરસાળેએ બંને મુખ્ય મહેમાનોનો પરિચય આપ્યો હતો. અને અન્ય અસોસિયેટ પ્રોફેસર સુચિત્રા તાજણેએ કાવ્યાત્મક રીતે આભાર વિધિ કરી હતી.