મુંબઈઃ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ISISના સ્લીપર મોડ્યુલના બે આતંકવાદીઓની ધરપકડ કરી છે. આ ધરપકડ કરાયેલી વ્યક્તિઓની ઓળખ અબદુલ્લા ફયાઝ શેખ ઉર્ફે ડાયપરવાલા અને તલ્હા ખાન તરીકે થઈ છે. આ ધરપકડ 2023માં મહારાષ્ટ્રના પુણેમાં ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) ના ઉત્પાદન અને પરીક્ષણના સંદર્ભમાં કરવામાં આવી છે. બંનેને મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ-2 પર ઇમિગ્રેશન સમયે પકડાયા છે. તેઓ ઇન્ડોનેશિયાના જકાર્તાથી ભારત પાછા ફરી રહ્યા હતા ત્યારે પકડાયા છે. તે લાંબા સમયથી જાકાર્તામાં છુપાયેલો હતો. હવે NIA ટીમે તેને કસ્ટડીમાં લઈને ધરપકડ કરી છે.
NIAના સત્તાવાર નિવેદન પ્રમાણે વર્ષ 2023માં પુણેમાં નોંધાયેલા એક કેસ અંતર્ગત તેમની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ISIS સ્લીપર સેલ દ્વારા IED બનાવવા અને પરીક્ષણ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ કેસમાં અબદુલ્લા ફયાઝ શેખ અને તલ્હા ખાનને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા હતા. NIAએ તેમની ધરપકડ માટે પહેલાથી જ ત્રણ લાખ રૂપિયાના રોકડ ઇનામની જાહેરાત કરી હતી. બંને આરોપીઓ સામે ગેરકાયદે પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) ની કલમ 25 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
NIAની તપાસમાં જાણવા મળ્યું કે, પુણેના કોંઢવા વિસ્તારમાં એક ખાનગી વર્કશોપ સ્થાપ્યો હતો. અહીં IED ઉત્પાદન, પરીક્ષણ અને તાલીમ પ્રવૃત્તિઓ ચાલી રહી હતી. આ વર્કશોપમાં અબદુલ્લા ફૈયાઝ શેખની દુકાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. NIA એ આ કેસમાં 11 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાંના હજુ પણ ત્રણ જણ ફરાર છે. અબ્દુલ્લા ફયાઝ શેખ અને તાલ્હા ખાનની તાજેતરમાં ધરપકડ થઈ છે. જ્યારે આ કેસના અન્ય આરોપીઓમાં મોહમ્મદ ઈમરાન ખાન, મોહમ્મદ યુનુસ સાકી, અબ્દુલ કાદિર પઠાણ, સિમાબ નસીરુદ્દીન કાઝી, ઝુલ્ફીકાર અલી બરોડાવાલા, શામિલ નાચન, આકીફ નાચન અને શાહનવાઝ આલમનો સમાવેશ થાય છે.
