નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારે ભરખમ શૂલ્કે નિકાસ આધારિત ઘણા ઉદ્યોગો મુશ્કેલીમાં મુકાયા છે, પરંતુ સૌથી મોટો આંચકો ઉત્તર પ્રદેશના કાર્પેટ ઉદ્યોગને લાગ્યો છે. રાજ્યની ‘કાર્પેટ બેલ્ટ’ કહેવાતા ભદોહી-મિર્ઝાપુરમાં મહિનાથી અનેક કાર્પેટ કારખાનાં પર તાળાં લાગી ગયાં છે અને થોડામાં માત્ર નામમાત્રનું કામ ચાલી રહ્યું છે.
અમેરિકા જ છે મુખ્ય બજાર
ભદોહીના હાથથી બનેલા કાર્પેટની માગ અમેરિકાના બજારમાં એટલી વધુ હતી કે સેકડો વેપારીઓ માત્ર ત્યાંના ઓર્ડરથી જ સારી કમાણી કરી રહ્યા હતા, પરંતુ ‘ટ્રમ્પ ટેરિફ’ને કારણે ભદોહી-મિર્ઝાપુરના કાર્પેટ વેપારીઓના અંદાજે રૂ. 2500 કરોડના અમેરિકન ઓર્ડર અટવાઈ ગયા છે અને નિરાશ કારખાનેદારો મજૂરોને છોડી રહ્યા છે. પરિણામે, કાર્પેટના ધંધા સાથે જોડાયેલા લગભગ સાત લાખ પરિવારોની રોજીરોટી પર સંકળનાં વાદળો ઘેરાયાં છે.
દેશમાંથી દર વર્ષે અંદાજે રૂ. 17,000 કરોડના હાથથી બનેલા કાર્પેટ અમેરિકા અને બીજા દેશોમાં જાય છે. જેમાંથી રૂ. 10,500 કરોડના કાર્પેટ માત્ર ભદોહી-મિર્ઝાપુરમાંથી જ જાય છે. એમાંથી પણ રૂ. 6000થી રૂ. 6500 કરોડનો એટલે કે 60 ટકા માલ અમેરિકન બજારમાં જ વેચાય છે. ભદોહી-મિર્ઝાપુરના હાથથી બનેલા કાર્પેટ એટલા કીમતી હોય છે કે દેશમાં તેનું બજાર લગભગ નહિંવત્ છે. હાથથ બનેલા કાર્પેટમાંથી માત્ર બે ટકા જ ભારતીય બજારમાં આવે છે.
પીક સીઝનમાં આંચકો
હાથથી બનેલા કાર્પેટની સીઝન વર્ષે માત્ર ત્રણ મહિના હોય છે. અમેરિકન બજાર ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં કાર્પેટ મગાવે છે, જેને બનાવવાનું કામ મે-જૂનથી જ શરૂ થાય છે. આ વર્ષે એપ્રિલથી જ અનિશ્ચિતતા હતી અને તે સમયે આવેલા ઓર્ડર તો રદ થઈ રહ્યા છે કે પછી નુકસાન ભોગવીને માલ પહોંચાડવા કહેવામાં આવી રહ્યું છે.

વેપારી રાજેશ મિશ્રાના જણાવ્યા અનુસાર હાથથી બનેલા કાર્પેટ પર પહેલા માત્ર 7% શુલ્ક હતું, જે એપ્રિલમાં 25% કરવામાં આવ્યું અને હવે 50% થઈ ગયું છે. એટલા ભારે શુલ્ક પર જૂના ઓર્ડર પૂરાં કરવાનું મુશ્કેલ છે.


