ટ્રમ્પ ટેરિફ ભારતનું કંઈ બગાડી શકશે નહીં: S&P ગ્લોબલ રેટિંગ

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50 ટકાનું ટેરિફ લગાવવાનું એલાન કર્યું છે, જેમાંથી 25 ટકા ટેરિફ લાગુ થઈ ગયો છે, જ્યારે બાકીનાં 25 ટકા 27 ઓગસ્ટથી લાગુ થવાના છે. જોકે ટ્રમ્પના 50 ટકાના ટેરિફનો ભારત પર બહુ ઓછી અસર થવાની છે, એમ અમેરિકન ક્રેડિટ રેટિંગ એજન્સીએ દાવો કર્યો છે.

એસ એન્ડ પી ગ્લોબલ રેટિંગ્સ (S\&P Global Ratings)ના ડિરેક્ટર યીફાર્ન ફુઆએ જણાવ્યું હતું કે ભારતના મર્યાદિત વેપાર-કેન્દ્રિત માળખાને જોતાં ટ્રમ્પના ટેરિફથી ભારતની વૃદ્ધિ અસરગ્રસ્ત નહીં થાય અને તેની સોવરિન રેટિંગની દૃષ્ટિ સકારાત્મક જ રહેશે.અમેરિકન ટેરિફના સંભવિત જોખમ વિશે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે ભારતનું અર્થતંત્ર સ્થિર રહેશે. તેમણે કહ્યું હતું કે અમેરિકાને નિકાસ જીડીપીના માત્ર  બે ટકા જેટલી છે, જે ઓછી વેપાર નિર્ભરતા દર્શાવે છે.

એસ એન્ડ પીને અંદાજ છે કે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતની GDP વૃદ્ધિદર 6.5 ટકા પર સ્થિર રહેશે, જે ગયા નાણાકીય વર્ષના પ્રદર્શન જેટલી જ છે. તેમણે જણાવ્યું હતું કે અમેરિકા માટે નિકાસ કરતાં મહત્વનાં ક્ષેત્રો (જેમાં દવાઓ અને ગ્રાહક ઇલેક્ટ્રોનિક્સનો સમાવેશ થાય છે) ટ્રમ્પના ટેરિફથી અસરગ્રસ્ત નહીં થાય.

એશિયા-પ્રશાંત સોવરીન રેટિંગ્સ વિભાગે પણ કહ્યું હતું કે લાંબા ગાળે અમને લાગતું નથી કે (ઉચ્ચ ટેરિફ) ભારતના અર્થતંત્રને કોઈ મોટો ફટકો પહોંચાડશે અને તેથી ભારત અંગેનો સકારાત્મક અભિગમ યથાવત છે. ભારતના વ્યવસાયોએ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ‘ચીન પ્લસ વન’ વ્યૂહ અપનાવ્યો છે અને મુખ્યત્વે સ્થાનિક બજારની સુવિધા માટે ભારતમાં કામગીરી સ્થાપિત કરી છે.

2021-25 દરમિયાન અમેરિકા ભારતનો મુખ્ય વેપારી ભાગીદાર તરીકે ઊભર્યો. અમેરિકાનો ભારતના કુલ નિકાસમાં લગભગ 18 ટકા હિસ્સો હતો, જ્યારે આયાતમાં 6.22 ટકા અને દ્વિપક્ષી વેપારમાં 10.73 ટકા હિસ્સો હતો. 2024-25માં ભારત અને અમેરિકાના વચ્ચે દ્વિપક્ષી વેપાર કુલ 186 અબજ ડોલર રહ્યો. આ દરમિયાન ભારતની અમેરિકાને નિકાસ 86.5 અબજ ડોલર રહી છે, જ્યારે આયાત 45.3 અબજ ડોલરની હતી.