ટ્રમ્પની હમાસને અંતિમ ચેતવણી: બંધકોને મુક્ત કરો, નહીં તો વિનાશ નિશ્ચિત

અમેરિકા: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ મુદ્દા પૂરો કર્યા બાદ હવે ફરી ઇઝરાયલના એજન્ડા પર પાછા ફર્યા છે. ટ્રમ્પે હમાસને ગાઝામાં બંધક બનાવેલા ઇઝરાયલીઓને પરત કરવા માટે કડક અને અંતિમ ચેતવણી આપી છે. ટ્રમ્પે હમાસના આતંકવાદીઓને ચેતવણી આપી છે કે, તેઓ બંધકોને તાત્કાલિક પરત કરે નહીંતર તેમનું મૃત્યુ નિશ્ચિત છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક સંદેશ જારી કર્યો છે અને હમાસને અપીલ કરી છે કે તેઓ એક સ્માર્ટ નિર્ણય લે અને બંધકોને તાત્કાલિક મુક્ત કરે, નહીં તો નરક શરૂ થઈ જશે.

ટ્રમ્પે હમાસને એમ પણ કહ્યું કે તમે જેમની હત્યા કરી છે તેમના મૃતદેહ તાત્કાલિક પરત કરો, અન્યથા તમારું કામ સમાપ્ત થશે. માત્ર બીમાર અને વિકૃત લોકો જ મૃતદેહો રાખે છે. તમે બીમાર અને વિકૃત છો.

વ્હાઈટ હાઉસે બુધવારે મોડી રાત્રે જણાવ્યું હતું કે ગાઝા બંધકોના મુદ્દે અમેરિકા અને હમાસ વચ્ચે કતારની રાજધાની દોહામાં સીધી વાતચીત થઈ હતી. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે કહ્યું હતું કે ચર્ચા પહેલા ઇઝરાયલ સાથે પણ વાત કરવામાં આવી હતી. 1997માં, યુનાઇટેડ સ્ટેટ્સે હમાસને વિદેશી આતંકવાદી સંગઠન જાહેર કર્યું. 28 વર્ષમાં આ પહેલી વાર છે જ્યારે અમેરિકા અને હમાસ વચ્ચે સીધી વાતચીત થઈ છે.

ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુના કાર્યાલયે આ વાતચીતની માહિતી આપી. ઇઝરાયલના અધિકારીઓનું કહેવું છે કે ગાઝામાં હજુ પણ 24 જેટલા જીવિત બંધકો છે. આમાંથી એક અમેરિકન નાગરિક એડન એલેક્ઝાન્ડર પણ સામેલ છે. આ સિવાય ઓછામાં ઓછા 35 અન્ય લોકો પણ સામેલ છે.