નવી દિલ્હીઃ ભારતીય ટીમના ખેલાડીઓ એશિયા કપના વિજેતા બન્યા પછી એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ મોહસિન નકવી પાસેથી વિજેતા ટ્રોફી લેવા ઇન્કાર કર્યો હતો. ત્યાર બાદ નકવી ટ્રોફી સાથે હોટેલના રૂમમાં ચાલી ગયા હતા. નકવીના આ વર્તનની ખૂબ ટીકા થઈ રહી છે. હવે મોહસિન નકવીએ ભારતને ટ્રોફી આપવાની વાત કરી છે, પરંતુ તેના માટે તેમણે એક ખાસ શરત મૂકી છે.
તેમનું કહેવું છે કે તેઓ ભારતીય ટીમને ટ્રોફી ત્યારે જ આપશે, જ્યારે તેના માટે એક સમારોહનું આયોજન કરવામાં આવશે અને એ સાથે જ ટીમના ખેલાડીઓને ટ્રોફી અને મેડલ તેઓ પોતે પોતાના હાથથી આપશે.
ACC અધ્યક્ષ મોહસિન નકવીએ ભારતીય ખેલાડીઓને મેડલ પોતે આપવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેઓ ઈચ્છે છે કે તેના માટે એક ઔપચારિક સમારોહ યોજવામાં આવે અને તેઓ પોતે ખેલાડીઓને મેડલ અને ટ્રોફી પોતાના હાથથી આપે. જોકે ભારત અને પાકિસ્તાન વચ્ચેના રાજકીય સંબંધોને જોતાં આવી કોઈ વ્યવસ્થા થવાની શક્યતા ખૂબ ઓછી છે.
આ પહેલાં BCCIના સચિવ દેવજિત સૈકિયાએ ટ્રોફી અને મેડલ પોતાના હોટેલ રૂમમાં લઈ જવા બદલ નકવીની ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે અમે ACC અધ્યક્ષ, જે પાકિસ્તાનના મુખ્ય નેતાઓમાંના એક છે, પાસેથી ટ્રોફી ન લેવાનો નિર્ણય કર્યો છે. તેથી અમે તેમની પાસેથી એને સ્વીકારશું નહીં. તેમણે એ પણ પુષ્ટિ કરી છે કે BCCIએ આ મામલે ફરિયાદ ICCમાં કરવાનું નક્કી કર્યું છે. તેમણે આગળ કહ્યું હતું કે એનો અર્થ એ નથી કે તેઓ મેડલ સાથે ટ્રોફી પણ પોતાના સાથે લઈ જશે. આ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે અને રમતગમતની ભાવનાના વિરુદ્ધ છે.
