નવી દિલ્હીઃ વૈશ્વિક ટ્રેડ વોર શરૂ થવાની આશંકાની વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કેનેડા અને મેક્સિકો પર ટેરિફ લાગુ કરવાની ઘોષણ પછી હવે કેનેડાની સરકારે પલટવાર કર્યો છે. કેનેડાએ પણ બધાં અમેરિકી ઉત્પાદનો પર જવાબી ટેરિફ લગાવવાનું એલાન કર્યું છે. PM જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે કેનેડા આ આકરા નિર્ણય પર ચૂપ નહીં રહે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકારો સાથે વાત કરતાં મેક્સિકો અને કેનેડા પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ સિવાય ફેબ્રુઆરીમાં ચીન પર લગાવવામાં આવેલાં 10 ટકા ટેરિફને વધારીને 20 ટકા કરવાની પણ જાહેરાત કરી છે.ટ્રમ્પની જાહેરાત પર કેનેડાના PM જસ્ટિન ટ્રૂડોએ પણ જવાબી કાર્યવાહીની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે આગામી 21 દિવસમાં 155 અબજ ડોલરની આયાત પર 25 ટકા ટેરિફ લાદવામાં આવશે. જેની શરૂઆત મંગળવારથી 30 અબજ ડોલરની આયાત પર ટેરિફથી થશે. ટેરિફની જાહેરાત બાદ અમેરિકાના શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકાનો S&P 500 ઇન્ડેક્સ 2 ટકા ઘટી ગયો હતો.
અમેરિકાનો કેનેડા અને મેક્સિકો સાથે મુક્ત વેપાર કરાર છે. આ હેઠળ આ દેશો વચ્ચે કોઈ પણ પ્રકારની આયાત-નિકાસ પર કોઈ ટેરિફ નથી. ટ્રમ્પે તેમના પાછલા કાર્યકાળ દરમિયાન મેક્સિકો અને કેનેડા સાથે ઉત્તર અમેરિકન મુક્ત વેપાર કરાર (NAFTA) પર હસ્તાક્ષર કર્યા હતા.
આ ત્રણેય દેશોએ 2023માં અમેરિકા પાસેથી 1 ટ્રિલિયન ડોલર (લગભગ 85 લાખ કરોડ રૂપિયા)થી વધુ કિંમતનો માલ ખરીદ્યો હતો. તે જ સમયે 1.5 ટ્રિલિયન ડોલરથી વધુ મૂલ્યનો માલ વેચાયો હતો. અહેવાલ અનુસાર ટ્રમ્પના ટેરિફ વોરની સૌથી વધુ અસર ઓટો સેક્ટર, કૃષિ, ટેકનોલોજી અને ભાગો પર પડશે. ટેરિફ લાદ્યા પછી આ ચીજવસ્તુઓના ભાવ વધશે.
