અમદાવાદઃ રાજ્યમાં ઘણા સમયથી પ્રદેશપ્રમુખના નામનું કોકડું ગૂંચવાયેલું છે. ભાજપ ગુજરાત એકમમાં નવાજૂની કરવાની તૈયારીમાં છે. ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા સહિતના નેતાઓ દિલ્હી પહોંચ્યા છે. જેને લઈ રાજ્યમાં આગામી સપ્તાહે કોઈ મોટી જાહેરાત થાય તેવી શક્યતા છે.
હાલ ભાજપ પ્રદેશપ્રમુખ માટે ઓબીસી મોરચાના નેતાઓ દિલ્હી પહોંચ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાલ ભાજપમાં કોળી સમાજની મહિલા નેતાને પ્રદેશપ્રમુખ બનાવવાની તૈયારી છે. આમ છતાં RSSના કોઈ ચહેરાને પણ તક આપવામાં આવી શકે છે. આ વખતે ગુજરાત ભાજપ પ્રદેશપ્રમુખ તરીકે મહિલા અથવા RSSનો ચહેરો આવે તેવી શક્યતા છે. ઓબીસી મોરચાના નેતાઓ સાંસદ મયંક નાયકના મહેમાન બન્યા છે. તેથી ઓબીસી પ્રદેશપ્રમુખ પદે આવી તેવી અટકળો છે.
આ ઉપરાંત સૂત્રોના કહેવા મુજબ પ્રધાનમંડળનું વિસ્તરણ પણ નક્કી છે અને તેમાં પણ મોટા પાયે ફેરફાર થવાની શક્યતા છે. છ જેટલા પ્રધાનને રિપીટ કરવામાં આવશે અને બાકીના ચહેરા બદલાશે. ગુજરાતમાં હાલમાં રાજ્યનું પ્રધાનમંડળ 27 સભ્યોનું છે. પ્રધાનમંડળમાં હજુ પણ 9થી 10 નવા સભ્યોનો સમાવેશ થઈ શકે છે. જો આમ થશે તો રાજ્યના રાજકારણમાં એક મોટો ફેરફાર જોવા મળી શકે છે.
એક ચર્ચા મુજબ શંકર ચૌધરી, અર્જુન મોઢવાડિયા, સી જે ચાવડા, કિરીટસિંહ, અમિત ઠાકર, જયેશ રાદડિયા, ઉદય કાનગડ, સંગીતા પાટીલને પ્રધાન પદ મળી શકે છે. જ્યારે ગણપત વસાવા ફરી સ્પીકર બની શકે છે.
