પાકિસ્તાનને હિંદુ-ખ્રિસ્તીઓ પર અત્યાચાર માટે અમેરિકાની ફટકાર

ન્યુ યોર્ક: પાકિસ્તાનમાં અલ્પસંખ્યકો—હિંદુ, શીખ અને ખ્રિસ્તી સમુદાય—પર સામાન્ય નાગરિકો તેમ જ સરકાર દ્વારા સતત ભેદભાવ થતો રહ્યો છે, એ કોઈ નવી વાત નથી. પાકિસ્તાન સરકારની આ હરકત પર હવે અમેરિકાના એક સેનેટરે પણ ધ્યાન દોર્યું છે. તેમણે પાકિસ્તાનમાં અલ્પસંખ્યકોની ધાર્મિક સ્વતંત્રતાના દમન અને તેમના વિરોધમાં ચાલી રહેલી ભેદભાવપૂર્ણ નીતિઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

આ વર્ષની શરૂઆતમાં પાકિસ્તાનની ટોચની માનવાધિકાર સંસ્થાએ એક અહેવાલ જાહેર કર્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે પાકિસ્તાનમાં અલ્પસંખ્યકો વિરુદ્ધ હિંસામાં ચિંતાજનક વધારો થયો છે. એ સાથે જ હિંદુ અને ખ્રિસ્તી છોકરીઓના જબરદસ્તી ધર્માંતરણના કેસો વધી રહ્યા છે. સગીર છોકરીઓના પરિવારમાં સંમતિ વગર તેમની સાથે લગ્ન કરાવવામાં આવી રહ્યા છે. આવા બનાવોની સંખ્યા ઝડપથી વધી રહી છે. અમેરિકન સેનેટની વિદેશ સંબંધ સમિતિના અધ્યક્ષ, સેનેટર જિમ રિશે એક પોસ્ટ દ્વારા પાકિસ્તાનની ટીકા કરી હતી.

સેનેટર જિમ રિશે X પર પોસ્ટ કર્યું  હતું કેપાકિસ્તાન સરકાર ઈશનિંદા કાયદા અને અન્ય ભેદભાવપૂર્ણ નીતિઓ અમલમાં મૂકી અલ્પસંખ્યક સમુદાયોની ધાર્મિક સ્વતંત્રતા દબાવી રહી છે. અહીં મોબ હિંસા, હેટ સ્પીચ, મનમાની ધરપકડ અને જબરન ધર્માંતરણને કારણે અસહિષ્ણુ વાતાવરણ વારંવાર અનિયંત્રિત બની રહે છે.

પાકિસ્તાનની પોલ ખોલી

પાકિસ્તાન માનવાધિકાર પંચે એક અહેવાલ જાહેર કર્યો હતો. તેમાં પાકિસ્તાનમાં અલ્પસંખ્યક સમૂહો—ખાસ કરીને અહમદિયા, હિંદુ અને ખ્રિસ્તીઓ—વિરુદ્ધ દમનના કિસ્સાઓ ખુલાસા થયા હતા. અહેવાલમાં જણાવાયું હતું કે ઈશનિંદાના આરોપોમાં અલ્પસંખ્યકોની મોબ લિન્ચિંગ વધતી જઈ રહી છે.

કટ્ટરપંથીઓ આગળ ઝૂકી શહબાઝ સરકાર

અહેવાલમાં એ પણ માનવામાં આવ્યું હતું કે હેટ સ્પીચમાં વધારો જોવા મળ્યો છે—જેમાં સુપ્રીમ કોર્ટેના મુખ્ય ન્યાયાધીશને ધમકીઓ આપવાથી લઈને ચૂંટાયેલા પ્રતિનિધિઓની જાહેર નિંદા સુધીના કિસ્સાઓનો સમાવેશ થાય છે. અહેવાલ અનુસાર આ સ્થિતિ નાગરિકોના અધિકારોમાં ઘટાડો કરે છે અને કટ્ટરપંથી તત્ત્વોના મનોબળને વધુ મજબૂત બનાવે છે.