સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીના ‘મત ચોરી’ના આરોપોથી જોડાયેલી અરજી ફગાવી

નવી દિલ્હીઃ બિહારમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં મહાગઠબંધનના બે મુખ્ય પક્ષો – RJD અને કોંગ્રેસને મોટો આંચકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે સોમવારે લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દ્વારા અગાઉના લોકસભા ચૂંટણીઓમાં લગાવાયેલા “મત ચોરી”ના આક્ષેપોની વિશેષ તપાસ ટીમ (SIT) દ્વારા તપાસ કરાવવા માગ કરતી અરજીને ફગાવી દીધી છે.

વકીલ રોહિત પાંડે દ્વારા દાખલ કરાયેલી જાહેર હિત અરજી (PIL)માં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના આક્ષેપોની SIT તપાસ માટે સુપ્રીમ કોર્ટના નિર્દેશ માગવામાં આવ્યા હતા.

ન્યાયમૂર્તિ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ખંડપીઠે જણાવ્યું હતું કે અરજીકર્તા ઈલેક્ટોરલ કમિશન ઓફ ઈન્ડિયા (ECI)નો સંપર્ક કરી શકે છે. વકીલ પાંડે એ સાત ઓગસ્ટે રાહુલ ગાંધી દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં તેમણે ભાજપ અને ચૂંટણી પંચ વચ્ચેની સાઠગાંઠ દ્વારા ચૂંટણીમાં મોટા પાયે ગુનાહિત છેતરપિંડી થવાની ગંભીર દલીલ કરી હતી અને કર્ણાટકના એક મતવિસ્તારની મતદાર યાદીના વિશ્લેષણનો ઉલ્લેખ કર્યો હતો.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સાત ઓગસ્ટે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં બેંગલુરુ સેન્ટ્રલ લોકસભા ક્ષેત્રના મહાદેવપુરા વિધાનસભા ક્ષેત્રમાં એક લાખથી વધુ મત ચોરાયાના આક્ષેપ લગાવી આંકડા રજૂ કર્યા હતા. તેમણે ‘મત ચોરી’ શબ્દનો ઉપયોગ કરીને જણાવ્યું હતું કે આ બેઠક પર 11,965 ડુપ્લિકેટ મતદારો, 40,009 ખોટા અને અમાન્ય સરનામાવાળા મતદારો, 10,452 બલ્ક અથવા એકસરખા સરનામાવાળા મતદારો, 4132 ખોટા ફોટાવાળા મતદારો અને 33,692 મતદારો નવા મતદારો માટેના ફોર્મ 6નો દુરુપયોગ કરતા હોવાનું જણાયું છે.

તેમણે તાજેતરના મહિનાઓમાં મહારાષ્ટ્ર અને હરિયાણાને લગતા સમાન આક્ષેપો પણ કર્યા હતા. ગાંધીના મત ચોરીના આક્ષેપો બાદ ચૂંટણી પંચે તેમને શપથપૂર્વક મતદાર યાદીમાં કહેવાતી અનિયમિતતાઓના પુરાવા રજૂ કરવા કહ્યું હતું અને ચેતવણી આપી હતી કે ખોટા પુરાવા રજૂ કરવો ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 227 હેઠળ દંડનીય છે.