પહેલગામના ગુનેગારોને આકરી સજા આપવામાં આવેઃ પુતિન

મોસ્કોઃ આતંકવાદનો ખાતમો કરવા માટે રશિયા સહકાર આપશે, એમ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પાકિસ્તાનને સીધો સંદેશ આપ્યો છે. તેમણે PM નરેન્દ્ર મોદીને જણાવ્યું હતું કે પહલગામના ગુનેગારોને સજા મળવી જોઈએ. તેમણે PM મોદીને ફોન કર્યો હતો અને ભારતના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી હતી.

 તેમણે નિર્દોષ લોકોનાં મોત પર ઊંડી સંવેદના વ્યક્ત કરી અને આતંકવાદ સામેની લડતમાં ભારતને સંપૂર્ણ સમર્થન આપવાની વાત કહી હતી, એમ વિદેશ મંત્રાલયે સોમવારે આ માહિતી આપી.પુતિને ખાસ કરીને કહ્યું હતું કે આ ઘાતકી હુમલાના દોષિતોને અને તેમના સમર્થકોને ન્યાયના ઘેરામાં લાવવામાં આવવા જોઈએ. બંને નેતાઓએ ભારત અને રશિયા વચ્ચેની વિશિષ્ટ અને વિશેષાધિકાર પ્રાપ્ત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા પુનરોચ્ચાર કર્યો હતો. PM મોદીએ વિજય દિવસની 80મી વર્ષગાંઠના અવસર પર રાષ્ટ્રપતિ પુતિનને શુભેચ્છાઓ આપી હતી અને વર્ષના અંતે ભારતમાં આયોજિત થનારા વાર્ષિક શિખર સંમેલનમાં હાજર રહેવા માટે આમંત્રણ આપ્યું હતું.

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે આતંકવાદી હુમલો થયો હતો, જેમાં 27 લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. આ આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળોએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે, પરંતુ હજી સુધી આતંકવાદીઓને પકડવામાં સફળતા મળી નથી.