નવી દિલ્હીઃ તપાસ એજન્સી ED દ્વારા રાજકીય સલાહકાર કંપની I-PACના કોલકાતા સ્થિત ઓફિસ પર કરવામાં આવેલી દરોડાની કાર્યવાહી મામલે પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારે સુપ્રીમ કોર્ટમાં કેવિયટ દાખલ કરી છે. હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં કેવિયટ દાખલ કરવાનો અર્થ એ થાય છે કે કોઈ પણ નિર્ણય લેવાથી પહેલાં સરકારનો પક્ષ પણ સાંભળવામાં આવે.
I-PACના ઓફિસે પહોંચ્યાં હતાં મમતા બેનર્જી
ED દ્વારા I-PACના ઓફિસ પર દરોડા પાડવામાં આવતાં કોલકાતાથી લઈને દિલ્હી સુધી રાજકીય માહોલ ગરમાયો છે. ગુરુવારે મમતા બેનર્જી પહેલા I-PACના ડિરેક્ટર પ્રતીક જૈનના નિવાસસ્થાને અને ત્યાર બાદ સોલ્ટ લેક સ્થિત ઓફિસ પર પહોંચી હતી. મુખ્ય મંત્રીએ આરોપ લગાવ્યો હતો કે ED, TMCના ચૂંટણી સંબંધિત સંવેદનશીલ ડેટા જપ્ત કરવાનો પ્રયાસ કરી રહી છે. મમતાએ ED પર પોતાની અધિકાર સીમા બહાર જઈને કાર્યવાહી કરવાનો આરોપ પણ મૂક્યો છે.
બીજી તરફ, EDએ કોલકાતા હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી છે અને આરોપ લગાવ્યો છે કે મમતા બેનર્જી દરોડા દરમિયાન સ્થળ પર પહોંચી અને મહત્વના પુરાવા—જેમાં દસ્તાવેજો અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો સામેલ છે—પોતાની સાથે લઈ ગયાં હતાં. TMCએ પણ હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી છે.
તપાસમાં સંપૂર્ણ સહયોગ કરીશું
I-PACએ જણાવ્યું છે કે તે EDને સંપૂર્ણ સહયોગ આપશે. સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર જારી કરાયેલા નિવેદનમાં I-PACએ કહ્યું હતું કે EDના અધિકારીઓએ અમારી ઓફિસ અને અમારા ડિરેક્ટર પ્રતીક જૈનના કોલકાતા સ્થિત ઘરની તપાસ કરી હતી. I-PAC જેવી પ્રોફેશનલ સંસ્થા માટે આ એક ખૂબ જ ખરાબ દિવસ હતો.



