નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં મતદાતા યાદીની વિશેષ ગહન સમીક્ષા એટલે કે SIRનો મુદ્દો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. ચૂંટણી પંચના આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. આ અરજી એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) દ્વારા દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણી પંચનો આ નિર્ણય મનસ્વી છે અને તેનાથી લાખો મતદાતાઓ તેમના મતાધિકારથી વંચિત રહી શકે છે. સુપ્રીમ કોર્ટને આપેલી અરજીમાં આ મામલામાં હસ્તક્ષેપ કરવાની માગ કરવામાં આવી છે.
SIR એટલે શું?
SIR એટલે કે Special Intensive Revision — મતદાતા યાદીની વિશેષ ગહન સમીક્ષા, જે બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચ દ્વારા શરૂ કરવામાં આવી છે. સામાન્ય રીતે ચૂંટણી પહેલાં મતદાતા યાદીનું અપડેશન કરવું એક સામાન્ય પ્રક્રિયા હોય છે, પણ આ વખતે પંચે પહેલી જુલાઈથી ખાસ અભિયાન તરીકે શરૂ કર્યું છે. વિરોધ પક્ષો આ પંચની નીતિ પર સવાલ ઉઠાવી રહ્યા છે.
ચૂંટણી પંચની દલીલ શું છે?
ચૂંટણી પંચે દલીલ કરી હતી કે બિહારમાં છેલ્લી વખત આવી ગહન સમીક્ષા 2003માં થઈ હતી અને ત્યાર બાદ હજુ સુધી થઈ નથી. તેથી આ અભિયાન જરૂરી છે. આ સમીક્ષા માટે પંચે મતદાતાઓ માટે એક ફોર્મ તૈયાર કર્યું છે. જેમને 1 જાન્યુઆરી, 2003ની મતદાતા યાદીમાં નામ હતું, તેમને માત્ર એક ગણતરી ફોર્મ ભરવું પડશે અને કોઈ પુરાવો આપવાની જરૂર નહીં પડે. બિહારમાં આવા અંદાજે 4.96 કરોડ મતદાતા છે. પંચે 2003ની મતદાતા યાદી વેબસાઈટ પર પણ મૂકી છે.
બસ, આ બધા પુરાવાની માગને લઈને આખો વિવાદ ઊભો થયો છે, કારણ કે લોકો પૂછે છે કે આટલા ઓછા સમયમાં આ બધા પુરાવા ક્યાંથી લાવશે? વિરોધ પક્ષો અને નાગરિક સંસ્થાઓએ આ મુદ્દે ગંભીર શંકાકુશંકાઓ વ્યક્ત કરી છે.
